કાર્તિક મહેતા
આજે 21મી જૂન અને વિશ્વ યોગ દિવસ. આ યોગાનુયોગ હોય કે એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે તો તે યોગાનુયોગ પણ બહુ મોટો યોગ છે. કેમકે એકવીસમી જૂન વર્ષનો સહુથી લાંબો દિવસ છે. એકવીસમી જૂનથી સુર્ય દક્ષિણ તરફ ગતિ પ્રારંભ કરે છે (એટલે કે એવો આપણને ભાસ થાય છે). એકવીસમી જૂન પછી દિવસો ક્રમશ: ટૂંકા થતા જાય છે. આમ એકવીસમી જૂન પછી સૂર્યનું દક્ષિણાયન પ્રારંભ થાય છે. ભારતના દક્ષિણ ભાગોમાં આ દક્ષિણાયનના દિવસે વિધિસર પૂજા કરવામાં આવે છે. યોગ યુજ ધાતુ પરથી આવેલ શબ્દ છે. જેનો અર્થ થાય છે જોડવું. પણ જોડવું શું?? યોગના આસનો કરીને આપણે શું જોડીએ છીએ?? યોગમાર્ગ બહુ બુલંદ અવાજે કહે છે કે યોગ એટલે સુર્ય અને ચંદ્રનું જોડાવું. શક્તિ અને શિવનું જોડાવું.. યીન અને યાંગનું જોડાવું.. ઈચ્છા અને ક્રિયાનું જોડાવું.. દરેક ઘટના એક યોગ છે. જે જડ (પદાર્થ/શિવ) અને ચેતન(શક્તિ) ના જોડાવાથી નિર્માણ પામે છે. યોગમાર્ગ કેવળ અંગ કસરતો નથી. તે એક ઊંડું વિજ્ઞાન છે. એવું વિજ્ઞાન કે જેના છત્ર હેઠળ દરેક વિજ્ઞાન આશરો લે છે. યોગમાર્ગને અંગ કસરતો બનાવી દેવાનું કામ અંગ્રેજ સમયમાં થયું.
- Advertisement -
અલબત્ત અંગ્રેજ સમય સુધીમાં તો ભારતમાંથી યોગ પરમ્પરા લગભગ વિલુપ્ત થઈને નેપાળ અને તિબેટ સુધી સમેટાઈ ગઈ હતી. ભારતમાં યોગ માર્ગને બદલે ભક્તિ માર્ગનું ચલણ અતિશય વધ્યું હતું. જોકે ભક્તિ નો અર્થ પણ યોગ જ થાય છે.(વિભક્તિનો અર્થ થાય વિયોગ). ઘણા સંદર્ભો કહે છે કે ભારતમાં દસમી સદી સુધી યોગમાર્ગ જ મુખ્ય ધર્મ હતો. જૈન, બ્રાહ્મણ , બૌદ્ધ , શૈવ, શક્ત, વૈષ્ણવ જેવા પંથ મૂળ યોગમાર્ગથી આવેલા છે. દરેકમાં છેવટે તો યોગ પામવાની જ વાત કરવામાં આવી છે પણ યોગ પામવા માટેના માર્ગો જરા તરા અલગ છે. યોગમાર્ગથી વિમુખ થયેલા ભારતીયો ઉપર વિદેશી આક્રાંતાઓ ફાવ્યા હતા પણ જ્યા સુધી યોગમાર્ગ પ્રચલિત હતો ત્યાં સુધી વિદેશીઓ કદી ભારતમાં પ્રવેશી શક્યા નહોતા. હા, તો યોગ એક પરમ્પરા છે, તે સ્વયં એક ધર્મ છે, એક વિજ્ઞાન છે. જ્યોતિષ શાસ્ત્ર અનેક યોગોની વાત કરે છે. જ્યોતિષનો અર્થ થાય ટોર્ચનો પ્રકાશ. જીવનનો પથ અકળ છે. એમાં અનેક વિઘ્નો છે , અનેક વિસામા છે, અનેક ખજાના છે તો અનેક યુદ્ધો છે. આ જીવન પથ ઉપર ટોર્ચ જેટલો પ્રકાશ પડે તો માણસ પોતાના જીવનના વિઘ્નોના પ્રભાવ ને ઓછો કરી શકે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર ચંદ્રનો પ્રકાશ છે. તે સ્પષ્ટ ખ્યાલ આપતું નથી. ચંદ્રનો પ્રકાશ એટલે બુદ્ધિ અને મનનો પ્રકાશ. સૂર્યનો પ્રકાશ ચંદ્રના પ્રકાશ કરતા કરોડો ગણો શ્રેષ્ઠ અને તેજસ્વી છે. આથી જેને જ્યોતિષનું જ્ઞાન એટલે કે ચંદ્રનો પ્રકાશ નથી પણ સૂર્યનું જ્ઞાન છે એટલે કે આત્માનું જ્ઞાન છે તે તમામ વિઘ્નોથી પર થઈ જાય છે. આ સુર્ય પ્રકાશને પામવાનું વિજ્ઞાન એટલે યોગનું વિજ્ઞાન. શ્વાસ , ભોજન અને શરીરના સ્નાયુઓની ગતિવિધિને નિયંત્રિત કરીને શરીરની આત્મશક્તિ જગાડવાની ક્રિયા એટલે યોગ. કહે છે કે યોગને અંતે અનેક પ્રકારની સિદ્ધિઓ મળે છે અને એનાથી પણ ઉપર એમાં ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. ઈશ્વરની પ્રાપ્તિ સૂર્યના આશીર્વાદ વિના શક્ય નથી. અંધારિયા ખંડમાં કસરતો કરવા કરતા જેની મહેર આપણી ઉપર આખા વર્ષ રહે છે એવા સૂર્યની હાજરીમાં યોગાસનો કરવાથી યોગ સધાય છે, દુ:ખો દૂર થાય છે. યોગ એક દિવસ માત્ર માટે નહિ પણ જીવનભરની ઘટના હોવી જોઈએ.