ઘરેલું હિંસાગ્રસ્ત મહિલાની મદ્રાસ અદાલતે એક વર્ષની સમયમર્યાદામાં ફરિયાદ દાખલ થઇ ન હોવાથી રદ કરવાના આદેશને સુપ્રિમ કોર્ટે ફગાવ્યો
ઘરેલુ હિંસાના વધતા કેસો વચ્ચે સર્વોચ્ચ અદાલતે એક મહત્વના ચૂકાદામાં એમ કહ્યું છે કે, ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ ગમે ત્યારે ફરિયાદ કરી શકે છે. તેમાં કોઇ સમયમર્યાદા લાગુ પડતી નથી. સીઆરપીસીની કલમ 468 હેઠળ કોઇ સમયમર્યાદા લાગુ પડતી નથી. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ યુ.યુ. લલીત તથા પી.એસ. નરસિંમ્હાની બેંચે મદ્રાસ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો. મદ્રાસ હાઈકોર્ટ ઘરેલુ હિંસા કાયદા 2005ની કલમ 12 હેઠળ એક વર્ષમાં જ ફરિયાદ નોંધાવી પડે તેવો ચૂકાદો આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું કે કલમ 12 હેઠળ પીડિત મહિલા પોતાના પતિ કે સાસરિયાઓ વિરુધ્ધ ઘરેલુ હિંસાના કૃત્યો વિશે મેજીસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી શકે છે. વળતર માગવા કે અન્ય કોઇપણ રીતે દાદ માગી શકે છે. મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કેસમાં મહિલાએ 10 વર્ષ પછી કલમ 12 હેઠળ ફરિયાદ કરી હતી. અદાલતે કલમ 468 હેઠળ એક વર્ષની સમયમર્યાદામાં ફરિયાદ દાખલ થઇ ન હોવાથી રદ કરી નાખી હતી.
સુપ્રિમ કોર્ટે આ આદેશને ફગાવતા એમ કહ્યું હતું કે, ઘરેલુ હિંસા કાયદા હેઠળ અપરાધ માત્ર કલમ 31 હેઠળ જ આવે છે અને કલમ 12નો ભંગ થયો હોય તો જ ઉપ કલમ લાગુ પડે છે. કલમ 12 હેઠળ જારી કરાયેલા આદેશનો ભંગ થયો હોય તો જ ઘરેલુ હિંસા અંતર્ગત થયેલા અપરાધની સમયમર્યાદા લાગુ પડે.


