પ્રમુખે વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી અધિકારી-કર્મચારીઓ લોકઉપયોગી કામો ઝડપથી પૂર્ણ કરે તેવી સૂચના આપી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા દ્વારા આજે પંચાયત ભવનની તમામ શાખાઓમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા કર્મચારી આલમમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રમુખએ વિવિધ વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવાની સાથે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સમયસર કચેરીએ આવવા અને લોકઉપયોગી કામો ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. આ ચેકિંગ દરમિયાન કચેરીમાંથી ગેરહાજર મળી આવેલા કર્મચારીઓ સામે કડક વલણ અપનાવી તેમને લેખિતમાં તાકીદ કરવામાં આવી છે.જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાએ આજે કચેરી ખાતે આવેલા માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ શાખા, ICDS (મહિલા અને બાળ વિકાસ), આરોગ્ય, હિસાબી, પશુપાલન, સમાજ કલ્યાણ, શિક્ષણ શાખા તેમજ ખેતીવાડી શાખા સહિતના તમામ મહત્વના વિભાગોનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દરેક શાખામાં ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી હતી અને કચેરીમાં સ્વચ્છતા જાળવવા માટે પણ કડક શબ્દોમાં તાકીદ કરી હતી. સમીક્ષા દરમિયાન પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અનુસાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા હર્ષ સંઘવીના નેતૃત્વમાં સરકાર ગ્રામ્ય જનતાના વિકાસ માટે કટીબદ્ધ છે. ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટેની કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણમાં જિલ્લા પંચાયતની ભૂમિકા મહત્વની છે. યોજનાઓમાં ગુણવત્તા જળવાય અને તમામ કામો સમયસર પૂર્ણ થાય તે માટે તમામ વિભાગોએ સંકલિત થઈને ત્વરિત ગતિએ કામ કરવું પડશે. નિયમિત સમીક્ષા દ્વારા અડચણો દૂર કરી છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવામાં આવશે.આ સરપ્રાઇઝ ચેકિંગ અને સમીક્ષા મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા, કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા, દંડક અમરશીભાઈ ચૌહાણ, સદસ્ય લાલજીભાઈ તળાવિયા, સદસ્ય જસ્મીનભાઈ પીપળીયા તેમજ સદસ્ય પ્રતિનિધિ મુકેશભાઈ મેર અને નાથાભાઈ વાસાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.




