ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદર ખાતે વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
આવતી કાલે બીજી ઓક્ટોબરને બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો. મનુસુખભાઈ માંડવિયા પોરબંદર આવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આવતી કાલે જન્મજયંતિ છે. દર વર્ષે ગાંધીજયંતિ અન્વયે પોરબંદરમાં કીર્તિમંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કીર્તિમંદિર ખાતે તંત્ર દ્વારા પ્રાર્થનાસભાનો કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજરી આપશે. પોરબંદર લોકસભાના સાંસદ અને ભારત સરકારના રમત-ગમત પ્રધાન ડો.મનસુખ માંડવિયા આજે રાત્રે અગિયાર વાગ્યા પછી ખાસ વિમાન મારફતે પોરબંદર એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. રાત્રી રોકાણ પોરબંદર ખાતે કરીને આવતી કાલે સવારે 6:30 કલાકે પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સફાઈ અભિયાનમાં ભાગ લેશે.
- Advertisement -
આવતી કાલે બીજી ઓક્ટોબરના દિવસે સવારે 8 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી હવાઈ માર્ગે પોરબંદર એરપોર્ટ ખાતે પધારશે. જ્યાં પોરબંદરના રાજકીય, સામાજીક અને ભાજપ સંગઠનના આગેવાનો દ્વારા સી.એમ.નું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી સીધા કીર્તિમંદિર ખાતે આયોજીત સર્વ ધર્મ પ્રાર્થનાસભામાં હાજરી આપશે. કીર્તિમંદિર ખાતે આયોજીત ગાંધીજયંતિ નિમિત્તે પ્રાર્થનાસભામાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી પટેલ સુદામાચોક ખાતે ગાંધીજયંતિ અન્વયે સર્વધર્મ પ્રાર્થનાસભામાં સી.એમ. ઉપરાંત કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહેશે શ્રમદાન કરશે. પી.એમ. મોદી જન્મદિવસથી લઈ મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અન્વયે સી.એમ. ભુપેન્દ્ર પટેલ સુદામાચોકમાં સ્વચ્છતા અભિયાનમાં ઉપસ્થિત રહીને સ્વચ્છતાનો સંદેશ આપશે. ત્યાંથી તેઓ સીધા જ બિરલા હોલ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એરપોર્ટથી સીધા ગાંધીનગર જવા રવાના થશે. પોરબંદર સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયા પ્રાર્થનાસભાના કાર્યક્રમ બાદ સી.એમ. ભુપેન્દ્ર પટેલ સાથેના તમામ કાર્યક્રમોમાં હાજરી આપીને પોરબંદરના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરશે. જ્યાં તેઓ ધારાસભ્ય, ભાજપ પ્રમુખ, પૂર્વ મંત્રી, પાલિકા પ્રમુખ, સંગઠન પ્રભારી સહિત ભાજપના વિવિધ મોરચા અને સેલના આગેવાનો, કાર્યકરો સાથે પોરબંદરને લગતા વિકાસ કાર્યો મુદ્દે ચર્ચા વિચારણા કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની પોરબંદર મુલાકાત વેળાએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિતના ભાજપના સંગઠન હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીના આગમનને લઈ સર્વ ધર્મ પ્રાર્થનાસભા, સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમોના આયોજન અંગે સોમવારે કલેક્ટરના વડપણ હેઠળ બેઠક યોજવામાં આવી હતી. કલેકટરએ મુખ્યમંત્રીનાં કાર્યક્રમ અનુસંધાને વિવિધ વ્યવસ્થાઓ તેમજ કાર્યક્રમના સુચારૂ આયોજન અંતર્ગત સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.અધિક નિવાસી કલેકટર આર. એમ. રાયજાદાએ મુખ્યમંત્રીના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ સહિતનાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગાંધી જન્મભૂમિમાં જ મહાત્મા ગાંધીનું અપમાન
ગાંધી જન્મભૂમિમાં જ પૂજ્ય મહાત્મા ગાંધીજી નું અપમાન થઈ રહ્યું તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. શહેરના કમલાબાગ વિસ્તાર પાસે ગાંધીજીની પ્રતિમા અવ્યવસ્થા નો શિકાર બની રહી છે તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિ સર્જાઈ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી હાલ જયારે 2જી ઓક્ટોબર નજીક છે અને મુખ્યમંત્રી પોરબંદર ખાતે કીર્તિ મંદિરની મુલાકાતે આવવાના હોય તેથી તંત્ર દ્વારા કીર્તિ મંદિરને સજાવવામા પૂર ઝડપે કામગીરી હાથ ધરવામાં આવી છે અને શહેરના માર્ગો પર પણ સફાઈ હાથ ધરી છે પરંતુ હજી સુધી પૂજ્ય બાપુની આ પ્રતિમા નું સમારકામ હાથ ધરાયું નથી. અહીં આશ્ચર્યજનક બાબત તો એ જોવા મળી રહી છે કે તંત્ર તો બાપુ ની પ્રતિમા ની યોગ્ય જાળવણી નથી કરી શકતું પરંતુ વિપક્ષ કે અન્ય કોઈ સામાજિક સંસ્થાઓ પણ આગળ નથી આવી રહી ત્યારે જોવું રહ્યું કે હવે ક્યારે મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ને યોગ્ય ન્યાય મળે..!