બદલાતાં ઋતુચક્રને કારણે પ્રાકૃતિક દુર્ઘટનાઓ આકાર લે છે
ઉત્તરાખંડ તેની ભૌગોલિક સુંદરતા માટે જાણીતું છે. પરંતુ આ સુંદરતા જ તેની દુશ્મન બની છે. અહીં વધતા જતાં માનવ હસ્તક્ષેપ અને આ સ્થળના દુરોપયોગ સમું વ્યવસાયિકરણને કારણે ક્રમશ: ભૌગોલિક વાતાવરણમાં અવરોધ ઉભા થતાં રહેવાને કારણે અહીં આકાર લઈ રહેલી ઘણી ભૂસ્તરશાસ્ત્રીય ઘટનાઓ ચિંતાનો વિષય બનતી જાય છે. સમગ્ર મોસમ દરમિયાન વરસાદ અને હિમવર્ષાની પ્રતિક્ષાને અંતે ઉત્તરાખંડમાં ફેબ્રુઆરીના અંતમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ, પરંતુ તેની સાથે એક દુર્ઘટનાને પણ લાવી.
- Advertisement -
ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે, માણાગાંવ નજીકથી એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. માણાગાંવમાં અચાનક ગ્લેશિયર તૂટવાથી હિમપ્રપાત થયો જેમાં માણાગાંવથી લઇને માણા પાસ સુધીના 50 કિમી વિસ્તારમાં હાઇવે પહોળો કરવા અને ડામર બનાવવાના કામમાં રોકાયેલા 57 કામદારો દટાઈ ગયા જેમાંથી અત્યાર સુધીમાં 33 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ ઘટના બપોરના સુમારે બની હતી. માણા અને માણા બાયપાસ વચ્ચે ઘિસતૌલી ખાતે સીમા સંગઠનના આ શ્રમિકો રસ્તા પરથી બરફ હટાવી રહ્યા હતા ત્યારે તેઓ હિમપ્રપાતનો ભોગ બન્યા . બીજી માહિતી અનુસાર, આ શ્રમિકો તેમના ટીન શેડમાં સૂતા હતા ત્યારે સવારે 5 વાગ્યાની આસપાસ હિમપ્રપાત થયો. બદ્રીનાથના કપાટ(દ્વાર) બંધ થયા પછી, આ આખો વિસ્તાર ઉજ્જડ રહે છે, પરંતુ તેના વ્યૂહાત્મક મહત્વને કારણે, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન હંમેશા આ વિસ્તારમાં તૈનાત રહે છે અને રસ્તા પરથી બરફ દૂર કરવાનું કામ હંમેશા ચાલુ રહે છે.
ગ્લેશિયર એવલોન્ચ, આવી ઘટના બરફીલા વિસ્તારોમાં જોવા મળે છે, જ્યાં હિમનદીઓ હોય છે. જ્યારે ગ્લેશિયરનો એક ભાગ તૂટીને નીચે પડવાનું શરૂ થાય છે ત્યારે હિમસ્ખલન કે હિમ પ્રપાત થાય છે. ગ્લેશિયર હિમપ્રપાત એક કુદરતી આપત્તિ છે જેમાં બરફ, ખડકો અને માટીનો મોટો જથ્થો ઝડપથી નીચે પડી જાય છે.
ગ્લેશિયર ધસી પડવા, એ ઘટના ભલે કુદરતી હોય પણ વારંવાર આવી દુર્ઘટના આકાર લેવા પાછળ માનવીય સ્વાર્થી પ્રવૃતિઓ પણ જવાબદાર છે જ.
આપણે પ્રકૃતિ તરફ સતત બેદરકારી અને પર્યાવરણની ઉપેક્ષા કરીએ છીએ પણ કોઈ દુર્ઘટના બને ત્યારે તેની પાછળના કારણો જાણીએ તો કદાચ પર્યાવરણ પરત્વે નિષ્ઠા ઉદ્દભવે. ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આ વર્ષે શિયાળાની ઋતુ લગભગ શુષ્ક રહી. આ સમયગાળા દરમિયાન, કેટલીક જગ્યાએ એક કે બે દિવસ વરસાદ તો પડ્યો પરંતુ આ વરસાદ સામાન્ય વરસાદના માત્ર 9 ટકા હતો. સામાન્ય રીતે, ઉત્તરાખંડમાં 1 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન 75.7 મીમી વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે આ સમયગાળામાં ફક્ત 6.9 મીમી વરસાદ નોંધાયો છે. 27 ફેબ્રુઆરીએ જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે 24 કલાકમાં રાજ્યમાં 37.1 મીમી વરસાદ પડ્યો હતો, જે 24 કલાકના સમયગાળામાં સામાન્ય કરતાં 1339 ટકા વધુ હતો. 24 કલાક દરમિયાન થયેલા આ વરસાદને કારણે, સમગ્ર સિઝન માટે વરસાદનો તફાવત 91 ટકાથી ઘટીને 48 ટકા થયો. તેના બાદ, 28 ફેબ્રુઆરીએ દિવસભર વરસાદ ચાલુ રહ્યો.
એટલે કે, આખી સિઝનમાં જેટલો વરસાદ પડવો જોઈતો હતો તેટલો વરસાદ ફક્ત બે દિવસમાં પડ્યો. ઉત્તરાખંડ વન અને બાગાયત યુનિવર્સિટીના પર્યાવરણ વિભાગના વડા એસપી સતીએ ગઈકાલે જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે હિમપ્રપાતની આશંકા વ્યક્ત કરી હતી. વૈજ્ઞાનિકોના મતે, બદલાતાં ઋતુચક્ર સાથે, તાજેતરના વર્ષોમાં હિમવર્ષા ડિસેમ્બર અને જાન્યુઆરીને બદલે ફેબ્રુઆરી અને માર્ચમાં આકાર પામે છે. આ ઋતુમાં બરફવર્ષા થવાને કારણે હિમપ્રપાતનું જોખમ વધી જાય છે. સતી કહે છે કે અગાઉ, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઊંચા અને મધ્યમ હિમાલયના પ્રદેશોમાં બરફવર્ષા થતી હતી.
- Advertisement -
તે સમયે જમીન ખૂબ જ ઠંડી રહે છે, જેના કારણે જમીન પર તાજા બરફની પકડ વધુ મજબૂત બને છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં હિમવર્ષા પછી હવામાન સાફ થાય છે અને બરફની ચાદરનું એક લેયર રચાયેલું રહે છે( આવું થવાનું કારણ એ કે ઠંડા હવામાનમાં તાપમાન હિમાંક બિંદુ સુધી અથવા તેની નીચે જાય છે ત્યારે હવામાં મોજુદ પાણીની વરાળ સીધી નાના બરફના સ્ફટિકોમાં ફેરવાય જાય છે) જે તાજા પડેલા બરફને મજબૂત બનાવે છે, જે પાછળથી ગ્લેશિયરનો ભાગ બની જાય છે. પરંતુ હવે ડિસેમ્બર અને જાન્યુઆરીને બદલે ફેબ્રુઆરી અને માર્ચમાં હિમવર્ષા થઈ રહી છે. વૈજ્ઞાનિકોના મતે, આ ઋતુમાં ડિસેમ્બર-જાન્યુઆરી કરતાં જમીન વધુ ગરમ હોય છે અને તાજા પડેલા બરફની ઘનતા ઓછી હોય છે. આ તાજો બરફ જમીન પર ટકી શકતો નથી. બ્રુઆરી અને માર્ચમાં પડતો બરફ હવામાન સાફ થતાં પીગળી જાય છે અને આ બરફ ગ્લેશિયરમાં પરિવર્તિત થતો નથી. આનો સીધો અર્થ એ છે કે આગામી વર્ષોમાં ગ્લેશિયરનો વિસ્તાર ઘટતો રહેવાની શક્યતા છે. આ સાથે, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં હિમવર્ષાને કારણે હિમપ્રપાતની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.આવી સ્થિતિમાં, જ્યારે ભારે હિમવર્ષા થાય છે, ત્યારે નીચે જમીન પર નબળી પકડ ધરાવતો બરફ સરકી જાય છે અને હિમપ્રપાતની સ્થિતિ સર્જાય છે. ઉત્તરાખંડમાં, તાજેતરના વર્ષોમાં વરસાદની પેટર્નમાં ફેરફાર અને નાજુક પર્વતોની ઘટતી જતી વહનક્ષમતાને કારણે હિમપ્રપાતની ઘટનાઓમાં વધારો થયો છે. માનવજનિત પ્રવૃત્તિઓ જેવી કે ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન, ભૂસ્તરશાસ્ત્રીય ગતિવિધિઓ, જંગલમાં આગ, ગ્લોબલ વોર્મિંગને કારણે વધતા તાપમાનને કારણે હિમનદીઓ ઝડપથી ઓગળી રહી છે અને હિમપ્રપાતની ઘટનાઓમાં વધારો થયો છે. હવામાન પરિવર્તનની વાત કરીએ તો, હવામાનમાં અચાનક થતા ફેરફારો હિમનદીઓ પર અસર કરે છે. અલબત્ત, ઘણી ભૂસ્તરશાસ્ત્રીય ગતિવિધિઓ પર્વતોની અંદર કંપન પેદા કરે છે, તેના કારણે પણ હિમનદીઓ તૂટે છે. ઉલ્લેખનીય છે કે હિમાલયનું રાજ્ય હોવાથી ઉત્તરાખંડમાં આવી આફતો વારંવાર બનતી રહે છે.
હિમાલયના પ્રદેશમાં હિમસ્ખલનની ઘટના પહેલી વાર બની નથી. માર્ચ 2021માં, ધૌલી ગંગાના કેચમેન્ટ વિસ્તારમાં હિમપ્રપાતને કારણે 8 થી 10 કામદારોના મોત થયા હતા. એ જ વર્ષે 7 ફેબ્રુઆરીના રોજ થયેલી ઋષિગંગા દુર્ઘટનાને કેમ ભૂલી શકાય?
ઋષિગંગાના કેચમેન્ટ વિસ્તારમાં હેંગીંગ ગ્લેશિયર તૂટવાને કારણે આ ઘટના બની હતી. આ ઘટનામાં, રૈની ખાતેનો હાઇડ્રોપાવર પ્લાન્ટ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો અને તપોવન ખાતે બાંધકામ હેઠળના પ્રોજેક્ટમાં સેંકડો કામદારો માર્યા ગયા હતા. હિમવર્ષાની ઋતુમાં આ ફેરફાર ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે અને તે માત્ર હિમાલયન હિમનદીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટો ખતરો છે. હિમાલય અને તેની સુંદરતા ભારતીય માટે એક સ્થળ માત્ર નથી, તેની સાથે આપણું સદીઓનું ભાવનાત્મક અને આધ્યાત્મિક સંધાન છે, આ દેશનો વારસો છે, જેના પર માનવીય અત્યાચાર થઈ રહ્યાં છે ત્યારે ફક્ત હિંદુ-મુસ્લિમ મુદ્દાને જ રાષ્ટ્પ્રેમ ગણતાં અને આ એક જ મુદ્દાને રાષ્ટ્રીય ચિંતા સમજનારા આપણે અબુધ નાગરિકો પર્યાવરણની ઘોર અવહેલના અને તેનો દુરોપયોગ કરીને કેવાં પ્રકારનો રાષ્ટ્રપ્રેમ જતાવી રહ્યા છીએ એ પણ એક સવાલ છે.
માનવજનિત પ્રવૃત્તિઓ જેવી કે ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન, ભૂસ્તરશાસ્ત્રીય ગતિવિધિઓ, જંગલમાં આગ, ગ્લોબલ વોર્મિંગને કારણે વધતા તાપમાનને કારણે હિમનદીઓ ઝડપથી ઓગળી રહી છે અને હિમપ્રપાતની ઘટનાઓમાં વધારો થયો છે