ડૉ. શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર
આપણે જે-તે ઈશ્વરની ભક્તિ અમૂક નિશ્ચિત દિવસ કે દિવસો પૂરતી જ કરીએ છીએ. રામને રામનવમીના દિવસે યાદ કરીએ છીએ, શ્રીકૃષ્ણને જન્માષ્ટમીની મધરાતે વધાવીએ છીએ, હનુમાન જયંતિનાં દિવસે હનુમાનજી અને
ગણેશ ચતુર્થીનાં દિવસે ગણેશજીને સ્મરીએ છીએ.બધી નવરાત્રિઓમાં સૌથી વધારે પ્રચલિત શારદીય નવરાત્રિનાં નવ દિવસોમાં મા પાર્વતીની ભક્તિ કરીએ છીએ. મહાદેવ સૌથી મોટા દેવ હોવાથી એમના માટે એક પૂરો મહિનો
ફાળવી દઈએ છીએ.ઉપરાંત મહાશિવરાત્રિ તો ખરી જ. અખંડને પામવા માટે આવી ખંડિત ભક્તિ ન ચાલે. અખંડની પ્રાપ્તિ માટે ભક્તિ પણ અખંડિત જ હોવી જોઈએ.
આખું વર્ષ રામને હૃદયમાં રાખો, શ્રીકૃષ્ણને કપાળની વચ્ચે મધ્યબિંદુમાં સ્થાન આપો, બંને ભુજાઓની ફડકતી માંસપેશીઓમાં બજરંગ બલીની શક્તિને સ્થાન આપો, કોઈપણ કામ દ્વારા તમારી પાસે આવતા પ્રત્યેક રણકતા
રૂપિયામાં મા લક્ષ્મીજીની શરમ રાખો, જીભ ઉપરથી સરકતા દરેક શબ્દમાં દેવી સરસ્વતીજીની સંસ્કારિતા સાચવો, તમારા અવિરત ચાલતાં પ્રત્યેક શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેના ખાલી સ્થાનમાં શિવજીને રાખો અને જ્યારે
જિંદગીમાં સંજોગોનો સુરજ આગ વરસાવતો હોય ત્યારે તમારા માથા પર શીળી છાંય પ્રસારવવા માટે મા જગદંબાનો સાથ રાખો. જો આટલું કરશો તો ક્યારેય રડવાનો વારો નહીં આવે. આપણાં ધર્મમાં સત્-ચિત્ત-આનંદની
વિભાવના સ્વીકારવામાં આવેલી છે. જો જીવનમાં ક્ષણે ક્ષણે ચિત્તને આનંદમાં રાખવું હોય તો આપણાં પ્રત્યેક દેવદેવીનું અખંડ સ્મરણ ચાલુ રાખજો.




