માવઠાંની આગાહી થતા કેસર કેરી ઉતારવાની શરૂઆત
કેસર કેરીની સીઝન વહેલી પૂર્ણ થવાના અણસાર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ સહીત ગીર વિસ્તાર અને સોરઠ પંથક કેસર કેરીનું હબ ગણાય છે અને દેશ – વિદેશમાં કેસર કેરીની મીઠાશના લીધે માંગ છે. જયારે જાન્યુઆરીમાં કેસર કેરીના આંબા પર એટલા મોર આવ્યા હતા ત્યારે આંબાના બગીચામાં પાન ઓછો દેખાતા હતા અને મોર વધુ જોવા મળતા હતા ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને આ વર્ષે કેસર કેરીનું બમ્પર ઉત્પાદન થશે તેવું જોવા મળી રહ્યું હતું પરંતુ મિશ્રઋતુની અસરના લીધે ઘણાખરા મોર બળી જતા અને ખરી પડતા કેસર કેરીના પાક ઉપર સીધી અસર પડી હતી અને ગત વર્ષ કરતા 50 ટકા ઉત્પાદન થઇ ગયું હતું. જયારે એક બાજુ કેસર કેરીનું ઉત્પાદન ઓછું છે અને બીજી તરફ હવામાન વિભાગે કાલથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે ત્યારે માવઠાની દેહશત વચ્ચે કેરીના પાક પર ચિંતાના વાદળો ઘેરાયા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે જૂનાગઢ જિલ્લામાં આવતીકાલ એટલે તારીખ 6 થી 8 મે સુધી હળવા વરસાદની આગાહી કરી છે. ત્યારે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પ્રતિ 10 કિમિની ઝડપે પવન ફુકાય રહ્યો છે. અને ધૂપછાંવ વચ્ચે ગરમીથી આશિંક રાહત જોવા મળી રહી છે જયારે કમોસમી વરસાદના લીધે કેસર કેરીની બાગાયત ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે. એક તરફ કેસર કેરીનું ઉત્પાદન ઓછું છે. તો બીજી તરફ માવઠાની દેહશત વચ્ચે આંબાના બગીચાના ઈજારેદાર અને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
- Advertisement -
સામાન્ય રીતે સારી કેસર કેરીની ખાવાની સીઝન મેં મહિનાથી શરુ થતી હોઈ છે અને જૂન મહિનામાં વરસાદ શરુ થાય ત્યાં સુધી ચાલતી હોઈ છે પણ આ વર્ષે કેસર કેરીની સીઝન શરૂઆત સમયે કમોસમી વરસાદની આગાહી કરતા આંબાનાં બગીચા માંથી ખેડૂતો અને ઈજારેદારો કેસર કેરીને ઉતારવાનું શરુ કરી દીધું છે. આમ માવઠાની દેહશત વચ્ચે કેસર કેરીની સીઝન પણ વેહલી પૂર્ણ થશે તેમ ખેડૂતો અને વેપારીઓ જણાવી રહ્યા છે. ભારે પવનની ગતિના લીધે કેરી ખરી પાડવાના પણ સમાચારો મળી રહ્યા છે. આમ આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનને જાણે ગ્રહણ લાગ્યું હોઈ તેવું જોવા મળી રહ્યું છે અને આંબાની બાગાયત ખેતી કરતા ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યું છે અને ખેડૂતોને ભારે નુકશાની વેઠવી પડે તેમ છે એક વર્ષ સુધી આંબાના બગીચાની માવજત કરી લાખોનો ખર્ચ કરીને કેસર કેરીનું સારું ઉત્પાદનની રાહ જોતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેતીવાડી વિભાગનું ખેડૂતોને માર્ગદર્શન
હવામાન ખાતા દ્રારા જૂનાગઢ જિલ્લામાં કાલથી ત્રણ દિવસ દરમિયાન પવન સાથે છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોયતો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. બાગાયતી પાકો માટે ખેતરમાં પરીપક્વ થયેલ ફળ અને શાકભાજી સહીતનાં બાગાયતી પાકો ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા .વાદળ છાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેકઝાકોનાજોલ 5% અથવા થાયોફીનાઇટ મીથાઇલ અથવા ટેબ્યું સલ્ફર 1000 લીટર પાણીમાં 1 કિલો છંટકાવ કરવો તેમજ ચુસીયા જીવતો કે ને મગિયા ઈયળનો ઉપદ્રવ જણાયતો પ્રોફેનો સાયપર 40 + 4 ઈ.સી. 1 લીટર પ્રતિ 1000 લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે..