1 થી 30 એપ્રિલ દરમિયાન 14180 સભ્ય નોંધાયા, સ્નાનાગરના રેકોર્ડ બ્રેક 20,739 સભ્ય, ગત વર્ષની તુલનામાં નવા 1912 સભ્ય ઉમેરાયા
ખાસ-ખબર સંવાદદાતા
ભારે કસરતની આડઅસરોની વાતો વચ્ચે રાજકોટવાસીઓએ શારિરીક વ્યાયામ માટે સૌથી વધારે સ્નાનાગારો અને એથ્લેટિક ટ્રેકમાં રસ દાખવ્યો છે. શહેરના પાંચ સ્વીમીંગ પૂલમાં ગત વર્ષ દરમિયાન રેકોર્ડબ્રેક 20739, સભ્યો નોંધાયા છે. જ્યારે એથ્લેટિક ટ્રેકમાં 2695 સભ્યો નોંધાયા હતા અને બન્નેની બેચો વર્ષ દરમિયાન ફૂલ રહે છે. સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ તથા વિવિધ જીમ તથા સ્નાનાગારોમાં તા.01/04/2023 થી તા. 30/04/2023 દરમ્યાન 14180 સભ્યો નોંધાયા છે. ગત વર્ષની તુલનામાં રમતગમતની સુવિધાઓમાં નવા 1912 સભ્યો ઉમેરાયા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરનાં લોકોની સુખાકારી માટે રેસકોર્ષ સંકુલ તથા શહેરનાં અન્ય વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમત ગમતની સુવિધાઓ ડેવલપ કરવામાં આવેલ છે.
આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓમાં સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ તથા વિવિધ જીમ તથા સ્નાનાગારોનો સમાવેશ થાય છે.