વિક્રમ એસ ( Vikram-S ) રોકેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 11:30 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું. જેને ભારતના અંતરિક્ષ માટે એક ઐતિહાસિક પગલા તરીકે માનવામાં આવી રહ્યું છે અને આ એક દેશ માટે મોટી ઉપલબ્ધિ સમાન છે. પ્રાઇવેટ રોકેટ વિક્રમ-એસને આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા પ્રક્ષેપક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવી રહ્યું છે, ઇસરો શુક્રવારના સવારે 11:30 વાગ્યે અંતરિક્ષ સ્ટાર્ટઅપ સ્કાઇરૂટ એરોસ્પેસની તરફથી વિકસિત રોકેટને લોન્ચ કરવામાં માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 3 પેલોડ સાથેનું આ વિશેષ વિક્રમ એસ ( Vikram-S ) રોકેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 11:30 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું છે.

આ રોકેટનું નિર્માણ હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીના સીઈઓ અને સહ-સ્થાપક પવન કુમાર ચંદનાએ જણાવ્યું કે, રોકેટનું નામ વિક્રમ-એસ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણને મિશન પ્રારંભ નામ આપવામાં આવ્યું છે. સ્કાયરૂટ કંપનીના મિશન લૉન્ચના મિશન પેચનું અનાવરણ ઈસરોના ચીફ ડૉ. એસ. સોમનાથે કર્યું હતું.

આ ઉપરાંત ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)ના ચેરમેન પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે આ ભારતમાં ખાનગી ક્ષેત્ર માટે એક મોટી છલાંગ છે. આ સાથે જ એમને સ્કાયરૂટને રોકેટ લોન્ચ કરવા માટે અધિકૃત થનાર પ્રથમ ભારતીય કંપની બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ દ્વારા વિકસિત પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ કરીને ઇતિહાસ રચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Vikram-S ની વિશેષતાઓ શું છે ?
– વિક્રમ-એસ સબ-ઓર્બિટલ ફ્લાઇટ કરશે. તે સિંગલ સ્ટેજ સબ-ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે, જે તેની સાથે ત્રણ કોમર્શિયલ પેલોડ વહન કરે છે.
– આ એક પ્રકારની ટેસ્ટ ફ્લાઈટ હશે. જો તે સફળ થશે તો ખાનગી સ્પેસ કંપની રોકેટ લોન્ચિંગના મામલામાં ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થઈ જશે.
– આ રોકેટ દ્વારા પૃથ્વીની નિશ્ચિત ભ્રમણકક્ષામાં નાના ઉપગ્રહો સ્થાપિત કરવામાં આવશે.
– Skyroot Aerospace એ 25 નવેમ્બર 2021 ના ​​રોજ નાગપુરમાં સોલર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પરીક્ષણ સુવિધા ખાતે તેના પ્રથમ 3D પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
– સ્કાયરૂટ એરોસ્પેસના બિઝનેસ ડેવલપમેન્ટના વડા શિરીષ પલ્લીકોંડાએ જણાવ્યું કે 3D ક્રાયોજેનિક એન્જિન સામાન્ય ક્રાયોજેનિક એન્જિન કરતાં વધુ વિશ્વસનીય છે. તેમજ તે 30 થી 40 ટકા સસ્તું છે.
– સસ્તા લોન્ચિંગનું કારણ તેના ઈંધણમાં ફેરફાર પણ છે. આ લોન્ચિંગમાં સામાન્ય ઈંધણને બદલે એલએનજી એટલે કે લિક્વિડ નેચરલ ગેસ અને લિક્વિડ ઓક્સિજન (LoX)નો ઉપયોગ કરવામાં આવશે. તે આર્થિક તેમજ પ્રદૂષણ મુક્ત છે.
– આ ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ કરનારી ટીમનું નામ લિક્વિડ ટીમ છે. જેમાં 15 જેટલા યુવા વૈજ્ઞાનિકોએ સેવા આપી છે.