અમદાવાદના મોટેરામાં આવેલા આશ્રમની કરોડોની જમીન શ્રી સરકાર થશે
હાઈકોર્ટે કહ્યું- ‘નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે’
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઈં ગાંધીનગર
ગુજરાત હાઇકોર્ટમાં આજે(16 એપ્રિલ) ડબલ જજની બેંચે આસારામ આશ્રમ દ્વારા દાખલ કરવામાં આવેલ અપીલને ફગાવી દીધી છે. આ સાથે જ અમદાવાદના મોટેરા વિસ્તારમાં 45,000 ચોરસ મીટરથી વધુની મુખ્ય જમીન પરત લેવાનો રાજ્ય સરકારનો માર્ગ મોકળો થયો છે. જેને પરત લેવાના અમદાવાદ જિલ્લા કલેકટરના હુકમ સામે આશ્રમે કાનૂની રાહ અપનાવી હતી. આ જમીન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બિલકુલ બાજુમાં આવેલી છે. આ જમીન કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિકના આયોજન માટે ઉપયોગી સાબિત થાય તેમ છે.
આ ચુકાદો મહેસૂલ સત્તાધિકારીઓ અને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ સહિતના બહુવિધ સ્તરો પર લાંબી કાનૂની લડાઈ બાદ આવ્યો છે. નોંધનીય છે કે ડિવિઝન બેન્ચનો આ નિર્ણય આ વર્ષે ફેબ્રુઆરીમાં સિંગલ જજ દ્વારા આપવામાં આવેલા અગાઉના ચુકાદા પર આધારિત છે, જેમાં સિંગલ જજે કલેક્ટર, અમદાવાદ દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહીને માન્ય રાખી હતી અને પુષ્ટિ કરી હતી કે શરતોના ભંગ અને દબાણ દૂર કરવાની પ્રક્રિયા કાયદેસર રીતે યોગ્ય છે.
વિવાદના કેન્દ્રમાં રહેલી જમીન દાયકાઓ પહેલા મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે કડક શરતો સાથે ફાળવવામાં આવી હતી. જો કે સમય જતાં રાજ્ય સત્તાધિકારીઓને માલૂમ પડ્યું કે આશ્રમે તેની મર્યાદા કરતા વધુ વિસ્તારમાં પગપેસારો કર્યો છે. સરકારી રેકોર્ડ મુજબ અંદાજે 33,980 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક કબજો લગભગ 50,000 ચોરસ મીટર સુધી વિસ્તરેલો હતો, જે મોટા પાયે અતિક્રમણ દર્શાવે છે.
આ કેસમાં દાયકાઓ જૂના જમીન રેકોર્ડ્સ, સર્વે શીટ્સ અને નકશાઓ દ્વારા દલીલો કરવામાં આવી હતી. કોર્ટરૂમમાં પરંપરાગત પુરાવાઓ અને અદ્યતન ટેકનોલોજીનું મિશ્રણ જોવા મળ્યું હતું. કારણ કે સરકારી સત્તાધિકારીઓએ ૠઙજ આધારિત સેટેલાઇટ માપણી રજૂ કરી હતી, જેણે ચોકસાઈ સાથે દર્શાવ્યું હતું કે સમય જતાં કેવી રીતે દબાણ વધ્યું છે.



