જે પુરુષ પરસ્ત્રીમાં માતાનાં દર્શન કરે છે, બીજાના ધનને માટીનું ઢેફું જ માને છે અને જગતના બધા જ જીવને પોતાનો આત્મા સમજે છે. હકીકતમાં તે જ સાચું જુએ છે
કથામૃત:
- Advertisement -
ટંકારા તાલુકામાં બંગાવડી નામનું 2000ની વસ્તી ધરાવતું એક નાનું ગામ છે. આ ગામની હાઈસ્કૂલમાં ભાવેશભાઈ જીવાણી આચાર્ય તરીકે સેવા આપે છે. હજુ દોઢેક વર્ષ પહેલાં જ આચાર્યની સીધી ભરતીમાં પસંદગી પામીને ભાવેશભાઈ સરકારી સેવામાં જોડાયા છે. એક વખત મોડી સાંજે મોરબીમાં ખૂબ વરસાદ હતો. મોટરસાઇકલ લઈને નીકળેલા ભાવેશભાઈ વરસાદથી બચવા એક જગ્યાએ મોટરસાઇકલ પાર્ક કરીને ઊભા હતા. વરસાદના પાણીમાં તણાઈને આવેલો એક થેલો ભાવેશભાઈના પગ સાથે અથડાયો. નીચે નમીને જોયું તો થેલો હતો. આજુ બાજુ નજર નાંખી પણ કોઈ દેખાયું નહીં એટલે વરસાદ બંધ થતાં થેલો સાથે લઈને ભાવેશભાઈ પોતાના ઘર તરફ જવા રવાના થયા. ઘરે આવીને થેલો ખોલ્યો તો આંખો પહોળી થઈ ગઈ. થેલામાં નોટોના બંડલ હતા. ભીના થયેલા બંડલ ગણ્યા તો પાંચ લાખથી પણ વધુ રકમ હતી. આટલી મોટી રોકડ રકમ જોઈને કોઈપણનું મન લલચાઈ જાય પણ ભાવેશભાઈને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે જેની આ રકમ હશે એની અત્યારે શું હાલત હશે ? ભાવેશભાઈએ તુરત જ સંકલ્પ કર્યો કે, ‘જેની પણ રકમ હોય એ મૂળ માલિકને શોધીને વહેલામાં વહેલી તકે રકમ પરત કરવી છે.’
આવડા મોટા મોરબીમાં થેલાના મૂળ માલિકને શોધી કાઢવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું એણે નક્કી કર્યું. પત્રકારત્વ જગત સાથે સંકળાયેલા દિલીપભાઈ બરાસર ‘મોરબી અપડેટ’ નામનું એક ફેસબુક પેઈજ ચલાવે છે જેને મોટાભાગના મોરબીવાસીઓ ફોલો કરે છે. ભાવેશભાઈએ દિલીપભાઈનો સંપર્ક કરીને મૂળ માલિક સુધી સમાચાર પહોંચાડવા ફેસબુક પેઈજ પર પોસ્ટ મૂકવા કહ્યું. દિલીપભાઈએ ભાવેશભાઈના મોબાઈલ નંબર સાથે ફેસબુક પોસ્ટ મૂકી અને ‘જેનો થેલો હોઈ, એ આપેલા નંબર પર સંપર્ક કરીને ખાતરી કરાવી થેલો મેળવી લે’ તેમ જણાવ્યું. થોડી જ વારમાં આ સમાચાર થેલાના મૂળ માલિક મહેશભાઈ શેરસિયા સુધી પહોંચી ગયા. મહેશભાઈએ આપેલા નંબર પર ફોન કરીને થેલો પોતાનો જ હોવાની ખાતરી કરાવી. ભાવેશભાઈને પૂર્ણ ખાતરી થતા પાંચ લાખની રોકડ રકમ રાત્રે જ મૂળ માલિકને પરત કરી દીધી. આજના યુગમાં ઉછીના લીધેલા નાણાં પાછા આપવામાં પણ લોકો ગલ્લા-તલ્લા કરે છે ત્યારે ભાવેશભાઈ જીવાણીએ રસ્તામાંથી મળેલી પાંચ લાખ જેવી મોટી રકમ રાત્રેને રાત્રે મૂળ માલિકને શોધી પરત કરી.ભાવેશભાઈએ રકમ પરત કરીને એના પરિવારના સંસ્કારોનો સૌને પરિચય આપ્યો છે અને નવી પેઢીને નૈતિકતાનો પ્રેરક પાઠ ભણાવ્યો છે.
બોધામૃત:
- Advertisement -
જે પોતાનું નથી એ પોતાની પાસે રાખવાનો આનંદ જરૂર મળે પરંતુ એ આનંદ લાંબો સમય ટકતો નથી. જેના પર આપણો હક્ક નથી એ જતું કરતા આવડે તો ત્યાગીને ભોગવવાના શાશ્વત આનંદનો અનુભવ થાય
અનુભવામૃત:
જગતમાં દરેક આત્મા સમાન છે.
-ગાંધીજી