એક નાનો બાળક એક આઇસક્રીમ પાર્લરમાં આઇસક્રીમ ખાવા માટે આવ્યો. ચહેરા પર અનેરા આનંદ સાથે એક ટેબલ પર બેઠો. થોડીવારમાં વેઇટર પાણીનો ગ્લાસ ભરીને આવ્યો. એણે આ બાળકને જોઈને થોડો અણગમો બતાવ્યો કારણ કે બાળક સાવ સામાન્ય સ્થિતિનો હતો. એ એનાં કપડાં પરથી જ ખબર પડતી હતી. હોટેલમાં મેનુકાર્ડ નહોતું એટલે પેલા બાળકે વેઇટરને પૂછ્યું, ભાઈ મને ચોકલેટ ચીપ્સ સાથેનો સ્ટ્રોબેરી આઇસક્રીમ ખૂબ ભાવે છે. એના એક કપની શું કિંમત છે ? પેલા વેઇટરે કહ્યું, 25 રૂપિયા. બાળકે કહ્યું, ભાઈ, એક મિનિટ થોભો. આમ કહીને પોતાના ખિસ્સામાંથી ટેબલ પર પરચૂરણનો ઢગલો કર્યો અને ગણવા લાગ્યો. વેઇટર ઊભા ઊભા કંટાળ્યો. બાળકે રૂપિયા ગણ્યા તો પૂરા પચ્ચીસ રૂપિયા થયા એ વેઇટરે પણ જોયું. પેલા બાળકે કહ્યું, ભાઈ, મને ચોકલેટ ચીપ્સ વગરનો આઇસક્રીમ જોઈતો હોય તો કેટલામાં મળે ? વેઇટરે કહ્યું, 20 રૂપિયામાં મળશે. બાળકે તુરંત જ કહ્યું, તો પછી એ જ લાવો. વેઇટર કંટાળાના ભાવ સાથે એના માટે આઇસક્રીમ લેવા ગયો અને મનમાં વિચારવા લાગ્યો, ‘એની પાસે 25 રૂપિયા છે તો પણ મનપસંદ આઇસક્રીમ ખાવાને બદલે બીજો આઇસક્રીમ ખાય છે. 5 રૂપિયા બચાવીને શું મોટો બંગલો બનાવવાનો હશે ?’ બાળકને આઇસક્રીમની સાથે બિલ પણ આપ્યું અને બાળકે બિલના 20 રૂપિયા ચૂકવી પણ દીધા. એણે મહારાજા સ્ટાઇલમાં બહુ આનંદ સાથે આ આઇસક્રીમ ખાધો અને પછી વેઇટરને સ્માઇલ આપીને ચાલતી પકડી. વેઇટર આ વિચિત્ર છોકરાને જતા જોઈ રહ્યો અને ખાલી પ્લેટ લેવા ટેબલ પર ગયો. એણે ટેબલ પર જે જોયું એનાથી એની આંખ ભીની થઈ ગઈ. ટેબલ પર એક ચિઠ્ઠી પડી હતી જેમાં લખ્યું હતું, મને પ્રેમથી આઇસક્રીમ આપનાર વેઇટર ભાઈ માટે મારી નાની ભેટ. અને ત્યાં બાજુમાં 5 રૂપિયાનો એક સિક્કો પડ્યો હતો ! જીવનમાં સામાન્ય સેવાઓ આપનારા નાના માણસોનો પણ વિચાર કરવો. રેસ્ટોરાંના માલિકને 1000નું બિલ ચૂકવનારા આપણે વેઇટરને નાની ટીપ આપવામાં 1000 વાર વિચારીએ છીએ!
માનવતાની આંખ એ માઇક્રોસ્કોપ જેવી છે, દુનિયા હોય એના કરતા પણ મોટી બનાવી દે
– ખલીલ જિબ્રાન



