નિતાંતરીત: નીતા દવે
લાગણીને પણ મૌસમ હોય છે. અથવા તો એમ કહીએ કે દરેક જીવનમાં એક મૌસમ જેવો માણસ હોય છે..! જેના આવવાથી સંજોગોની બળબળતી બપોર પણ શરદ નો ચંદ્રમાં બની જાય અને જેના જવાથી વરસાદી વાદળ પણ વરસ્યા વગર તરસ્યું છોડી જાય..!એનાં હસવાથી મૌન પણ બોલકું થાય જાય અને એ રિસાઈ તો શબ્દ પણ વામણો થઈ જાય..! જેના સ્પર્શ માત્રથી ખીલેલો લજામણીનો છોડ તેના વિરહ માં કાંટાળો થોર બની જાય..! જેના માત્ર હોવાપણાથી સંસાર મીઠો કંસાર હોય અને તેના દૂર થવાથી જીવન ગળપણ વગરનો ગોળ થઈ જાય..!માણસ માત્ર નું મન એ સંવેદનાનો પડઘો જીલે છે.કોઈ એક સંબંધ કોઈ એક વ્યક્તિ જ્યાં મન મૂકીને જીવી શકાય.લાગણીશીલ વ્યક્તિઓ હંમેશા પોતાની ખુશી માટે અવલંબન ધરાવતી હોય છે. દુનિયાના ચારે ખૂણેથી લડી લેતું હિંમતવાન વ્યક્તિત્વ પણ લાગણીની બાબત માં અંતર મનના કોઈ ખૂણે કોઈ જોઈ ન લે એ રીતે રુદન કરતું હોય છે. લગાવ એ દુ:ખનું કારણ છે એ જાણતા હોવા છતાં પણ અપેક્ષાઓને ત્યાગી શકાતી નથી. આપણે બધા જીવનમાં કોઈને કોઈ વાર એવા તબક્કામાંથી પસાર થતા હોઈએ છીએ કે જ્યાં સાવ પોતીકા ખૂબ અંગત તરફથી લાગણીની ઓટ વર્તાય. આપણને આપણા કરતાં પણ વિશેષ સમજી શકતું વ્યક્તિ, આપણા મૌન ને પણ સાંભળી શકતું વ્યક્તિ આપણા શબ્દોને પણ સમજી ન શકે ત્યારે મન ખૂબ આહત થઈ જતું હોય છે.પતિ પત્ની હોય કે પ્રેમી યુગલ પરસ્પરને પામવા માટે કરેલો સંઘર્ષ,સમજણ સાથે સહજીવન નાં સ્વપ્નાઓ સેવ્યા પછી દુન્યનવી કારણો થી અથવા ક્યારેક સ્વાભાવિક મંતવ્ય ભેદ પછી બે વ્યક્તિ વચ્ચે જ્યારે અંતર આવે ત્યારે સબંધ માં માત્ર વ્યવહારો જીવતા હોય છે સંવેદનાઓ નહિ..!સમાજ, દુનિયા,કુટુંબ ની જવાબદારીઓ નિભાવતું વ્યક્તિ ક્યારેક આંતર મનથી એકદમ તરડાયેલું હોય છે. પરંતુ સંવેદનાનો સાગર ક્યારે સ્થિર રહેતો નથી તેવી જ રીતે સંબંધો ક્યારે પણ ધાર્યા પ્રમાણે જીવી શકાતા નથી. જ્યારે કોઈ સાવ પોતીકું વ્યક્તિ પારકા પણાનો અહેસાસ કરાવે ત્યારે મન વ્યગ્ર બની જતું હોય છે અને સંબંધોમાં ગણતરીઓ થવા લાગે છે.જે નિસ્વાર્થ લાગણીઓ હતી એ સરવાળા બાદબાકીઓ નું રૂપ લેવા લાગે છે અને સમય જતા એ સ્પંદનો ફ્રીઝ થઈ જતા હોય છે. પ્રેમ લાગણી બધું જ હોવા છતાં સામેની વ્યક્તિ પાસે તેની અભિવ્યક્તિઓ થઈ શકતી નથી.એક ખચકાટ એક અંતરનો અનુભવ થાય છે. સંબંધ માંથી ઉષ્મા ખૂટી ગઈ હોય તેવું લાગે છે. અને મન એ અંગત સ્વજન પ્રત્યે ઉદાસીનતાનો ભાવ કેળવવા લાગે છે. સંબંધ પરીક્ષાની એરણ ઉપર ચડ્યો હોય તેવું ભાસે છે.પરંતુ ખરેખર આજ એવો સમય હોય છે જ્યાં લાગણીને બેલેન્સ કરવી ખૂબ જરૂરી બની જતી હોય છે.
- Advertisement -
કેવી રીતે કરી શકાય લાગણીઓને બેલેન્સ..?
આપણે બધા જીવનમાં એક ભૂલ હંમેશા કરતા હોઈએ છીએ અને એ ભૂલ એટલે કે સામેના પાત્રને સમજાવવું..! કોઈ વ્યક્તિને સમજાવવું એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમારી વિચારધારામાં તમારા અભિપ્રાયો કે મંતવ્યોમાં તેમને સહમત કરવા માટેનો પ્રયત્ન કરવો આવું કહી શકાય. આપણે બધા જ ક્યારેક ને ક્યારેક આપણા કોઈ સાવ નજીક ના અંગત ને સમજાવવાનો પ્રયત્નો કરતા જ હોઈએ છીએ અને સ્વાભાવિક રીતે તેમાં સફળ થતાં નથી.કેમ કે, દરેક વ્યક્તિ એક સ્વતંત્ર વિચારસરણી ધરાવતું હોય છે અને દરેકને પોતાના મંતવ્યો અભિપ્રાયો અને જીવન જીવવાની શૈલી અલગ હોય છે. આથી સ્વાભાવિક રીતે સામેની વ્યક્તિ આપણી આપેલી સલાહ કે સમજણને સ્વીકારી શકતી નથી અને ત્યારે સંબંધોમાં તિરાડ ઉત્પન્ન થતી હોય છે. પરંતુ કોઈ વ્યક્તિને સમજાવવા કરતા તેને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો..? કોઈ પણ પરિસ્થિતિને મુલવવા માટે તે વ્યક્તિ નાં દ્રષ્ટિ કોણ થી એ પરિસ્થિતિને જોવાનો પ્રયત્ન કરવો પડે. તેની મન:સ્થિતિ નું મૂલ્યાંકન કરવું પડે અને એ મૂલ્યાંકન ત્યારે જ શક્ય બને જ્યારે આપણે સામેની વ્યક્તિનાં સ્થાન ઉપર આપણી જાતની કલ્પના કરી અને સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ.
સામે નાં પાત્ર ને તેમનું જીવન તેમની શરતો અને સિદ્ધાંતો મુજબ જીવવા માટેની સ્વતંત્રતા આપીએ અને આપણે એમના નિર્ણયોમાં શક્ય તેટલો સહકાર અને સમાયોજન કરી શકીએ. પરંતુ હા,આવા સમયે સબંધ ને બચાવવા જતાં પોતાનાં અસ્તિત્વનું સ્વમાન ભંગ ન થાય તેનું વિવેક ભાન પણ ચોક્કસ રાખવું ઘટે..! આવું થાય તો ક્યારેક લાગણીમાં કરેલું સમર્પણ ગુલામી નું રૂપ લઈ લેતું હોય છે. આથી સંબંધોની તુલાને સમાન રીતે જીવવી ખૂબ અગત્યની છે.શક્ય છે કે જો આ રીતે સંજોગોને મુલાવ્યા પછી સબંધ ફરી પાછો જીવંત બની જાય..! થોડું અઘરું કામ છેપરંતુ સંબંધોને ટકાવી રાખવા માટે મહદ અંશે ખરેખર કારગત બનેલો ઉપાય છે. સમય સંબંધ અને સંવેદનાઓ આ ત્રિકોણ પરસ્પર એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલું છે. સમયના વાવાઝોડા સાથે ટકરાય અને સંબંધો ની સંવેદના જ્યારે પોતાની સ્થિરતા ગુમાવે ત્યારે એ સંબંધને બચાવવા માટે પણ સમયની જ રાહ જોવી પડે છે..! કેમ કે, મૌસમ જેવો માણસ મૌસમની સાથે બદલી પણ શકે છે. વાદળ આવવાથી સૂરજનું તે જ ઝાખું પડી શકે, પરંતુ દિવસને રાત્રિમાં તો પરિવર્તિત ન જ કરી શકે..! એવી જ રીતે જ્યારે કોઈ સ્વજન સાથે મંતવ્ય ભેદ થાય ત્યારે એ સંબંધને સમય આપી અને સિંચવાનો પ્રયત્ન કરવો કેમ કે, પાનખર પછી ફરી વસંત એ પ્રકૃતિનો નિયમ છે.