ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના યુનિવર્સિટી, રૈયા, મુંજકા, કણકોટ સહિત પોણો ડઝન ગામડાઓમાં છેલ્લા 18 દિવસથી આંટાફેરા કરતો દીપડો ચારેક દિવસથી ગુમ થઈ ગયા બાદ ગત રાત્રે અચાનક શહેરની હદમાં મોટામવા વિસ્તારમાં દેખાતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાયેલ છે.
મળતી માહિતી મુજબ, ગતરાત્રે દિપડો શહેરના કાલાવડ રોડ ઉપર મોટામૈવા ગામ પહેલા જડ્ડુસ ઓવરબ્રિજની બાજુમાં આવેલ આર.પી.જે. હોટલ નજીક દેખાયો હતો. આ દિપડો હોટલ નજીકથી રોડ ક્રોસ કરતો સીસીટીવી કેમેરામાં કેદ થતા આ વિસ્તારના લોકોમાં ભયનું લખલખુ છૂટી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ચડી આવેલા દીપડાએ છેલ્લા 18 દિવસથી ધામા નાખ્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસની આસપાસના રૈયા, મુંજકા, કણકોટ, કૃષ્ણનગર, ન્યારા, રામનગર સહિતના ગામોમાં આંટાફેરા કરી રહ્યો છે. ગત શનિવારે દીપડાએ કણકોટના સ્મશાન નજીક આવેલ રાધે ફાર્મમાં કુતરાનું મારણ પણ કર્યુ હતું. દીપડાને પકડવા માટે જંગલ ખાતાનો સ્ટાફ પણ રાત ઉજાગરા કરી રહ્યો છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ઉપરાંત કણકોટ સહિત અલગ-અલગ પાંચ સ્થળે પાંજરા મુક્યા છે પરંતુ ચાલાક દીપડો પાંજરે નહીં પુરાતા હવે લોકોની ચિંતા વધી ગઈ છે.
શહેરના કાલાવડ રોડ પર દેખાયો દીપડો, જડ્ડુસ ઓવરબ્રિજ પાસેથી પસાર થતો CCTVમાં કેદ
