જેતપુર પાસે ગધેથડ ગામ છે ત્યાં પૂ. લાલ બાપુનો આશ્રમ છે, મારા મત પ્રમાણે હાલના સમયમાં લાલ બાપુ જેવા સાચા સંત બીજા ભાગ્યે જ મળે
ખેતરમાં વાવેલાં દાણાં અને મનમાં કરેલાં સંકલ્પો ક્યારેક ને ક્યારેક ઊગી નીકળે જ છે; વાવેલાં દાણાં પ્રથમ ચોમાસામાં જ ઊગી જાય છે પણ સંકલ્પો એટલાં ભાગ્યશાળી નથી હોતાં. એમને સાકાર થવામાં મહિના, વર્ષો અને ક્યારેક દાયકાઓ નીકળી જાય છે.
- Advertisement -
જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે બીજા લેખકોની સાથે-સાથે હું ‘ધૂમકેતુ’ને પણ વાંચતો હતો. એમની આત્મકથામાં ‘ધૂમકેતુ’એ પૂ. શ્રી નથ્થુરામ શર્માજીનો, એમના બિલખા ખાતે આવેલા આશ્રમનો અને ત્યાં ચાલતી આધ્યાત્મિક સાધના વિષે ઉલ્લેખ કર્યો છે; એ વાંચીને ટીનેજમાં જ મારા મનની ભીની માટીમાં બિલખા જવાનો સંકલ્પ બિયારણની જેમ વવાઈ ગયો હતો.
ત્યારે હું જૂનાગઢમાં રહેતો હતો. મારી પચીસ વર્ષની ઉંમરે મારા પરિવારે જૂનાગઢ કાયમ માટે છોડ્યું, અમે અમદાવાદ આવી ગયા. મેડિકલ કોલેજમાં ગયા પછી મારા વિચારોમાં એકસો એંશી ડીગ્રીનું પરિવર્તન આવી ગયું. હું પૂરેપૂરો નાસ્તિક બની ગયો. બિલખા જૂનાગઢથી માત્ર વીસ જ કિ.મી.ના અંતરે આવેલું હોવા છતાં જો 25-25 વર્ષ સુધી હું ત્યાં ગયો ન હોઉં તો પછી અમદાવાદથી ત્યાં જવાનો તો પ્રશ્ર્ન જ ક્યાં આવે?! પણ પંચાવન વર્ષ પહેલાં સેવેલા સ્વપ્નનું શું?
ફેબ્રુઆરી, 2020માં મારે રાજકોટ જવાનું થયું. ‘માતૃભાષા દિવસ’ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડિટોરિયમમાં મારું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. ત્યાં મને રેખાબા જાડેજાનો પ્રથમ વાર પરિચય થયો. રેખાબા યુનિ.ના. હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષા હતાં. અસલી ખાનદાની ક્ષત્રિયાણી. લાખોની ભીડમાં અલગ તરી આવે તેવું જાજરમાન વ્યક્તિત્વ. કોઈ પણ સાત્ત્વિક પુરુષને સ્નેહવર્ષાથી ભિંજવી મૂકે અને વિકારી વ્યક્તિને બાળીને ભસ્મ કરી દે તેવી વિશાળ આંખો. અમારી કેમેસ્ટ્રી પળવારમાં ‘ક્લિક’ થઈ ગઈ. મેં એમને બહેન માન્યાં, એમણે મને ભાઈ બનાવી લીધો.
- Advertisement -
છેલ્લાં આઠ વર્ષથી મારાં માનસમાં મોટું પરિવર્તન આવ્યું હતું. હું પૂરેપૂરો આસ્તિક બની ગયો. એ માટેની ઘણી બધી ઘટનાઓ છે. એ વાત ફરી ક્યારેક. ત્રણ વર્ષથી સોશિયલ મિડિયા પર ચાલતા મારા ‘મોર્નિંગ મંત્ર’ની યાત્રામાં વિશ્ર્વભરના ચોપન દેશોના વીસ કરોડ લોકો જોડાયાં છે એમાં રેખાબા પણ ખરાં. એમની સાથે પ્રસંગોપાત ફોન પર વાતો પણ થતી રહેતી હતી.
એમાં જાણવા મળ્યું કે રેખાબાનો પરિવાર પૂ. શ્રી નથ્થુરામ શર્માજીનો ચૂસ્ત અનુયાયી છે. પૂજ્યશ્રીનો ઉલ્લેખ પણ પૂજ્યપાદ, ગુરુદેવ અથવા ભગવાન તરીકે જ કરે. રેખાબાની વાતોમાં અનેક વાર બિલખાના ‘આનંદ આશ્રમ’નો ઉલ્લેખ થતો રહે. એમનો આગ્રહ પણ માણવા મળે, ‘શરદભાઈ, તમે એક વાર અમારી સાથે પ્રભુજીના આશ્રમમાં આવો. ત્યાં આજે પણ ગુરુદેવના પવિત્ર, આધ્યાત્મિક વિચારોના આંદોલનો તમને અનુભવવા મળશે.’ અનુસંધાન પાના નં. 18
રસ્તાની બંને તરફ હરિયાળી છવાયેલી હતી, કારની અંદર ભજનોની રમઝટ ચાલતી હતી, જેમ-જેમ જૂનાગઢ નજીક આવતું જતું હતું, તેમ તેમ મારી જનમભોમકાનો મીઠો સાદ મારા કાનમાં ઠલવાતો જતો હતો
હું મનોમન બબડતો રહું, ‘આ તમે નથી બોલતાં, રેખાબા, મારી દસ-અગ્યાર વર્ષની વયે મારા મનમાં જાગેલો સંકલ્પ તમારી પાસે આવું બોલાવડાવી રહ્યો છે.’ એકાદ વાર પ્રવાસની યોજના બની પણ ખરી અને તૂટી પણ ગઈ. આખરે 14 જુલાઈ, 2023ના દિવસે અમારી યાત્રા પાક્કે પાયે ગોઠવાઈ ગઈ.
શુક્રવારનો દિવસ હતો. હું અમદાવાદથી ડ્રાઈવર સાથેની કારમાં એકલો નીકળી પડ્યો. વરસાદના કારણે ભાંગેલા રસ્તા પર રાજકોટ પહોંચતાં પાંચેક કલાક લાગી ગયા. એક વાગ્યે રેખાબાનાં સરકારી આવાસે પહોંચ્યો. પરિવારના ચારેય સભ્યોએ પ્રેમની જળરાશિમાં મને નવડાવી દીધો.
રેખાબા સ્વયં રીબડાના જાડેજા પરિવારના પુત્રી. એમનાં પતિ શ્રી રાણાસાહેબ ક્રાંતિવીર સરદારસિંહજી રાણાના કૂળના ફરજંદ. જીતેન્દ્રસિંહજી રાણાસાહેબને હું પહેલી વાર પ્રત્યક્ષ મળ્યો. શો એમનો વિવેક! શું એમનું આભિજાત્ય! એમના જેવા નરવા અને ગરવા ક્ષત્રિયો મેં જૂજ સંખ્યામાં જોયા છે.
રેખાબાની બંને યુવાન પુત્રીઓ જાહ્નવીબા અને રાજવીબા પણ પ્રેમની અને સંસ્કારોની જીવંત મૂર્તિઓ સમી. એમનાં હાથની બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓ આરોગીને હું તૃપ્ત થઈ ગયો. નાની દીકરી રાજવીબા પૂછી બેઠાં, ‘અમે બંને બહેનો તમને ‘સર’ કહીએ, ‘અંકલ’ કહીએ કે ડોકટર સાહેબ…?’
મારા મોંઢામાંથી વિચાર્યા વિનાનું સગપણ સરી પડ્યું, ‘તમારાં મમ્મીજી તો મને ‘ભાઈ’ કહે છે; હવે હું તમારો શું થાઉં?’
બંને મીઠડીઓ મને ‘મામા… મામા…’ કહીને થનગની ઉઠી. રાણાસાહેબ શિષ્ટભાષી છે, રેખાબા ઈષ્ટભાષી છે અને બંને દીકરીબાઓ મિષ્ટભાષી છે.
ભોજન કરીને તરત જ અમે રાજકોટ છોડીને રવાના થયા. થોડી જ વારમાં રીબડા આવ્યું. રેખાબાનું પિયર. રીબડાના વાઘ ગણાતા શ્રી અનિરૂદ્ધસિંહજી જાડેજા રેખાબાનાં કૌટુંબિક કાકાબાપુ થાય. એમને મળવાનું મન મને વર્ષોથી હતું. અનુભાબાપુ ખૂબ પ્રેમથી મળ્યા. વિશાળ હવેલી જેવા એમના બંગલાના પરિસરમાં એક અલાયદુ મંદિર છે. ત્યાં બેસીને અનિરૂદ્ધસિંહજી બાપુના ધર્મપત્ની કલાકો સુધી ભક્તિ કરે છે. મંદિર જોઈને હું ખૂશ થઈ ગયો.
અનુભાએ મારું સ્વાગત પાઘડી પહેરાવીને કર્યું. પૂ. બાએ મારી પત્ની માટે સાડી આપી. હુંફાળા વાતાવરણમાં આત્મિય વાતો કરીને અમે ત્યાંથી રવાના થયાં. છૂટાં પડતી વખતે અનુબાપુએ ખાસ ભલામણ કરી, ‘અત્યારે તમે બિલખા જવા નીકળ્યા છો તો રસ્તામાં જેતપુર પાસે ગધેથડ ગામ છે ત્યાં પૂ. લાલ બાપુનો આશ્રમ છે. મારા મત પ્રમાણે હાલના સમયમાં લાલ બાપુ જેવા સાચા સંત બીજા ભાગ્યે જ મળે. તમે એમના દર્શન કરતાં જજો.’
અમારે સાંજના સાત વાગ્યાની આરતી પહેલાં બિલખા પહોંચવાનું હતું. ઉપરાંત એ જાણવા મળ્યું કે લાલબાપુ તો અમદાવાદ ગયા છે. ‘ફરી ક્યારેક એમના દર્શન કરવા માટે જરૂર આવીશું’ એવા નવા સંકલ્પ સાથે અમે વિદાય લીધી.
સ્ટીયરીંગ સ્વયં રેખાબાનાં હાથમાં હતું. સ્ત્રી-સશક્તિકરણની સાક્ષીએ અમે જૂનાગઢની દિશામાં આગળ વધ્યાં. માર્ગમાં આનંદની છોળો ઉડતી રહી. સામે ગીરનાર દેખાતો હતો. રસ્તાની બંને તરફ હરિયાળી છવાયેલી હતી. કારની અંદર ભજનોની રમઝટ ચાલતી હતી. જેમ-જેમ જૂનાગઢ નજીક આવતું જતું હતું, તેમ તેમ મારી જનમભોમકાનો મીઠો સાદ મારા કાનમાં ઠલવાતો જતો હતો. જૂનાગઢ આવ્યું. મારા આગ્રહને માન આપીને રેખાબાએ ગાડી મારા ફેવરિટ ભૂતનાથ મહાદેવના મંદિર તરફ વાળી. ભૂતનાથ મંદિરના સ્થાન સાથે મારી કંઈ કેટલીયે અંગત યાદો જોડાયેલી છે. મારે મન ચાર ધામ અને દ્વાદશ જયોતીર્લિંગ કરતાં પણ ભૂતનાથ મહાદેવનું માહાત્મ્ય અદકેરું છે. બિલખા નજીક આવ્યું ત્યાં તો બંને કુંવરીબાનો થનગનાટ આકાશને આંબી ગયો. ભજનોના શબ્દો પણ સુંદર હતા અને એમની ગાયકી પણ મધૂર હતી. સાચું કહું? હું તો પ્રભુજીની નીશ્રામાં પહોંચતાં પહેલાં જ સત્-ચિત્ત-આનંદમય બની ગયો.
સાંજ પડવા આવી હતી. ઝરમર વર્ષાનાં સથવારે અમે આશ્રમમાં પ્રવેશ્યાં. રહેવા માટે સુંદર, સ્વચ્છ ઓરડાઓની વ્યવસ્થા થઈ ગઈ હતી. ઝટઝટ ફ્રેશ થઈને અમે આરતી માટે દોડી ગયાં. ત્યાં પાઠશાળામાં અભ્યાસ કરતાં યુવકોની સાથે શુદ્ધ વિધિ અનુસાર થતી આરતીનાં દર્શન કર્યા. પછી બે યુવકોએ ભજનો રજુ કર્યા. એમને જવાબ તો આપવો પડેને! અમારા તરફથી રેખાબાએ, જાહ્નવીબાએ અને રાજવીબાએ સુંદર ભજન રજુ કર્યું. વરસાદ વરસતો હતો. ગીરનાર સાક્ષી હતો. વિભાવરી કાળુ મલીર ઓઢીને રમઝમતી પધારી રહી હતી. મારી નજર શ્ર્વેત આરસના મંદિરની મધ્યે બિરાજીત પૂ. ગુરુદેવશ્રી નથ્થુરામજીની જીવંત ભાસતી મૂર્તિ ઉપર ચોંટેલી હતી. આરતીની જ્યોતના પવિત્ર ઉજાસમાં હું ત્રાટક કરતો હોઉં તેમ પ્રતિમાને નિરખી રહ્યો હતો.
સાંજ પડવા આવી હતી. ઝરમર વર્ષાનાં સથવારે અમે આશ્રમમાં પ્રવેશ્યાં, રહેવા માટે સુંદર, સ્વચ્છ ઓરડાઓની વ્યવસ્થા થઈ ગઈ હતી. ઝટઝટ ફ્રેશ થઈને અમે આરતી માટે દોડી ગયાં. ત્યાં પાઠશાળામાં અભ્યાસ કરતાં યુવકોની સાથે શુદ્ધ વિધિ અનુસાર થતી આરતીનાં દર્શન કર્યા
પાછળની દિશામાં ઊઘડતી બારીમાંથી દેખાતાં ઊંચા-ઊંચા ઘાસ છાયેલા ખેતરો અને આગળની દિશામાં હોંકારો પાડતો મારો ગીરનાર, આખી રાત હું જાગતો જ રહ્યો, એક મિનિટ પૂરતીયે ઊંઘ લીધા વગર હું મેડિટેશનમાં ડૂબી ગયો
વરસાદ બંધ ન થયો ત્યાં સુધી અમે ત્યાં જ બેસી રહ્યાં. એક-એક કણમાંથી મને વૈરાગ્યની પુકાર સંભળાઈ રહી હતી. વરસાદ બંધ થયા પછી અમે ઉતારે પાછા ફર્યાં. એક જૂનું, લીમડાનું વૃક્ષ બતાવીને રેખાબાએ કહ્યું, ‘આ એ જ લીમડો છે જેની નીચે બેસીને ધૂમકેતુ વાર્તા લખતા હતા.’ હું ધન્યભાવ સાથે ત્યાં ઊભો રહ્યો, તસ્વીરો ખેંચાવી. રાતનું વાળુ કરીને એકાદ કલાક બધાંએ સત્સંગ કર્યો. મારા રૂમમાં જઈને મોડી રાત સુધી મેં મંત્રજાપ કર્યો. પાછળની દિશામાં ઊઘડતી બારીમાંથી દેખાતાં ઊંચા-ઊંચા ઘાસ છાયેલા ખેતરો અને આગળની દિશામાં હોંકારો પાડતો મારો ગીરનાર. આખી રાત હું જાગતો જ રહ્યો. એક મિનિટ પૂરતીયે ઊંઘ લીધા વગર હું મેડિટેશનમાં ડૂબી ગયો.
સંસ્કૃતમાં કહ્યું છે : ‘ટઠિૃષજ્ઞઠ્ઠજ્ઞ ઇૈંટપ્ર ક્ષળક્ષપ્ર મઘૄબજ્ઞક્ષળજ્ઞ ધરુમશ્ર્રૂરુટ। અર્થાત્ પવિત્ર સ્થાનમાં કરેલું પાપ વજ્રાલેપ સમાન બની જાય છે. હું સ્વાનુભવથી કહું છું કે પવિત્ર સ્થાનમાં કરેલું ધ્યાન ગહન તપ સમાન બની જાય છે.
બીજા દિવસે વહેલી સવારની આરતી-પૂજામાં ભાગ લઈને ચા-નાસ્તો પતાવીને અમે ફરવા માટે નીકળી પડ્યાં. આશ્રમથી માંડ ત્રણેક કિ.મી. દૂર જઈને અમે ગીરનારની દિશામાં ગાડીને વાળી લીધી. સાંકડો માર્ગ હતો. બંને તરફ લીલાંછમ્મ વૃક્ષો અને ઘાસની બિછાત, પર્વત પરથી દદડતાં ધોધ અને એમાંથી સર્જાતાં ઝરણાં, અમારાંથી ફક્ત 20-25 મીટરના અંતરે કૂણું ઘાસ ચરતા હરણાંનું ઝૂંડ અને પૃથ્વી પર માત્ર અમારી પાંચ જ જણાંની વસ્તિ હોય એવી એકાંતિક અનુભૂતિ. અમારી સામે ઊંચો ગઢ ગીરનાર વાદળ સાથે વાતો કરતો ઊભો હતો. અમે ગાડીમાંથી ઊતરીને ઝરમર વર્ષાને ઝીલતાં ઝીલતાં પગથિયાં ચડવા લાગ્યાં. ઉપર શ્રી રામનાથ મહાદેવની સુંદર જગ્યા આવેલી છે. મહાદેવના મનભરીને દર્શન કર્યાં. દેવી અન્નપૂર્ણાના મંદિરમાં દર્શન કરતાં કરતાં ‘અન્નપૂર્ણા સ્તોત્રમ્’નું ગાન કર્યું. ઉપરની દિશામાં ઘણે દૂર દેખાતા ભીમના મંગાળાને જોયો. ગૌશાળામાં લટાર મારી. આ સ્થાનમાં રહેવા માટે પણ ઉત્તમ વ્યવસ્થા છે. અંગત મિત્રોને લઈને બે-ત્રણ દિવસ માટે ગયાં હોઈએ તો શિમલા, મસૂરી કે ઉટી કરતાં વધુ મજા આવે એવું હું તો માનું છું.
બપોરે ચેલૈયાધામની મુલાકાત લઈને આશ્રમમાં પાછા ફર્યા. પૂ. શ્રી ગુરુદેવ જ્યાં રહ્યા હતા તે ઓરડો, શયનકક્ષ, એ જેના પર બિરાજીને ભક્તોને ઉપદેશ આપતા હતા તે આસન, તસ્વીરો, સ્નાનગૃહ ઈત્યાદિના દર્શન કર્યા. બપોરનું ભોજન કરીને અમે રાજકોટ જવા નીકળ્યાં. પાછા જતી વખતે પણ ભજનોની રમઝટ ચાલી.
એ સાંજે રાજકોટ ખાતે મારું જાહેર વક્તવ્ય હતું. મારી ત્રીસ વર્ષની વક્તા તરીકેની કારકિર્દીમાં એ વક્તવ્ય ઉત્તમ રહ્યું. રાત્રે ડિનર માટે માજી કેન્દ્રિય મંત્રી, મારા પરમ મિત્ર ડૉ. વલ્લભભાઈ કથિરિયાના બંગલે જવાનું હતું. પ્રશંસકોની ભીડમાંથી છૂટીને હું ગયો. ભોજન તૈયાર હતું, થાળીઓ પિરસાય એટલી જ વાર હતી. ત્યાં વલ્લભભાઈના મોબાઈલ પર એમના વેવાઈનો ફોન આવ્યો. વાત પૂરી કરીને વલ્લભભાઈ મારી તરફ ફર્યા, ‘શરદભાઈ, મારા વેવાઈનો ફોન હતો. એમના ઘેર એક સંત પધાર્યા છે. અહીં સૌરાષ્ટ્રમાં એમની પ્રચંડ લોકચાહના છે. જો તેમના આગમનની વાત ‘લીક’ થાય તો હજારો રાજકોટવાસીઓ એમના દર્શન કરવા માટે ઉમટી પડે. માત્ર 15-20 લોકોને જ જાણ કરવામાં આવી છે. જો તમે થાક્યા ન હો તો ડિનર પતાવીને આપણે…’
મારાથી સહજપણ પૂછાઈ ગયું, ‘સંતનું નામ શું છે?’
વલ્લભભાઈએ નામ જણાવ્યું, ‘પૂ. શ્રી લાલબાપુ. જેતપુર પાસે ગધેથડમાં એમનો આશ્રમ છે. જનસેવાના કાર્યો કરે છે. ગાયત્રી માતાનાં પરમ ઉપાસક છે.’
વલ્લભભાઈ બોલતા હતા અને હું જાણે સભાનતા ગુમાવ્યે જતો હતો. હજુ તો માત્ર ચોવીસ જ કલાક પહેલાં રીબડા ખાતે પૂ. શ્રી લાલબાપુના દર્શન કરવાનો સંકલ્પ કર્યો હતો, ત્યાં આજે અચાનક અમદાવાદ ગયેલા બાપુ અહીં રાજકોટ ખાતે મળી ગયા?!?
કેટલાંક સંકલ્પો પંચાવન-સત્તાવન વર્ષ પછી ફળે છે, કેટલાંક સંકલ્પો ચોવીસ કલાકમાં સાકાર થાય છે. એ મુલાકાત પણ ફળવંતી સિદ્ધ થઈ.
મારો આ યાદગાર પ્રવાસ પ્રેમ, પ્રકૃતિ અને પરમાત્માનો ત્રિવેણી સંગમ સમાન બની રહ્યો.