આજથી 2400 વર્ષ પહેલાં નિર્માણ થયું હતું
હાલમાં પણ અસ્તિત્વમાં હોય તેવી વિશ્ર્વની સૌથી જૂની દીવાદાંડીનું નામ ટાવર ઓફ હર્ક્યુલસ છે
વિશ્ર્વની સૌથી ઊંચી દીવાદાંડી સાઉદી અરેબિયાના જેદાહની જેદ્દાહ લાઇટ તરીકે ઓળખાય છે
- Advertisement -
દૂરથી દેખાતી દીવાદાંડીનો પ્રકાશ ખલાસીઓને માર્ગ બતાવે, આશા અને જોમ આપે અને આપણા જેવા સામાન્ય લોકો માટે તે રોમાંચ અને કૌતુકનો વિષય. ટુંકમાં કહીએ તો દીવાદાંડી એટલે દરિયા વચ્ચે સારી એવી ઊંચાઈના ટાવર પરથી એકદમ તેજસ્વી પ્રકાશ દ્વારા સાગરખેડૂઓને માર્ગ ચિંધવાની કે જોખમી સ્થળ બાબતે ચેતવણી આપવાની વ્યવસ્થા. આમ લાઇટહાઉસના બે મુખ્ય હેતુઓ નેવિગેશનલ સહાય તરીકે સેવા આપવા અને જોખમી વિસ્તારોની બોટને ચેતવણી આપવાનો છે. તે સમુદ્ર પર ટ્રાફિક સાઇન જેવું કામ કરે છે. સમગ્ર વિશ્વની સહુ પ્રથમ દીવાદાંડી ઇજિપ્તની “ફેરોસ ઓફ એલેક્ઝાન્ડ્રિયા” ગણાય છે, તેનું નિર્માણ આજથી 2400 વર્ષ પહેલાં થયું હતું. એલેક્ઝાન્ડ્રિયાની આ દીવાદાંડીમાં એકદમ મોટો અગ્નિ પ્રજ્વલિત કરી બંદરના પ્રવેશ દ્વાર બાબતે સંકેત આપવામાં આવતો હતો. પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓમાંની તે એક ગણાય છે. સદીઓથી તે વિશ્વની સૌથી ઊંચી માનવસર્જિત રચનાઓમાંની એક હતી. હાલમાં પણ અસ્તિત્વમાં હોય તેવી વિશ્વની સૌથી જૂની દીવાદાંડીનું નામ ટાવર ઓફ હર્ક્યુલસ છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને તે સ્પેનના લા કોરુના બંદરના પ્રવેશદ્વારનો સંકેત આપે છે.
ઈસુની પ્રથમ સદીમાં બાંધવામાં આવેલ આ દીવાદાંડી હજુ પણ કાર્યરત છે. વિશ્વની સૌથી ઊંચી દીવાદાંડી જેદ્દાહ લાઇટ તરીકે ઓળખાય છે, તે સાઉદી અરેબિયાના જેદાહમાં છે અને તેની ઊંચાઈ 133 મીટર છે. જેદ્દાહ લાઇટ 1990માં બાંધવામાં આવ્યું હતું અને તે કોંક્રિટ અને સ્ટીલનું સ્થાપત્ય છે લાઇટહાઉસ છે. તે સાઉદી અરેબિયામાં જેદ્દાહમાં સ્થિત છે અને શહેરના બંદરના પ્રવેશદ્વારની ઉત્તર બાજુના થાંભલાના અંતનો નિર્દેશ આપે છે. તેની રેન્જ 46 કિલોમીટર છે અને તે દર 20 સેક્ધડે ત્રણ સફેદ ફ્લેશ ફેંકે છે. અમેરિકામાં બાંધવામાં આવેલ સૌથી મોંઘુ દીવાદાંડી કેલિફોર્નિયાના ક્રેસન્ટ સિટી પાસે સેન્ટ જ્યોર્જ રીફ છે. તેને બનાવવામાં 10 વર્ષ લાગ્યા હતા અને તેની પાછળ 715,000નો ખર્ચ થયો હતો. પ્રાચીન સમયમાં દીવાદાંડીઓ માત્ર ખુલ્લા અગ્નિથી પ્રગટાવવામાં આવતી હતી, જે પછીથી મીણબત્તીઓ, ફાનસ અને ઈલેક્ટ્રીક લાઈટો દ્વારા પ્રજ્વલિત કરાતી. ફાનસમાં વ્હેલ તેલનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. 1782માં સ્વિસ વૈજ્ઞાનિક આર્ગાન્ડ દ્વારા શોધાયેલ આર્ગાન્ડ લેમ્પ તેની સ્થિર ધુમાડા વિનાની જ્યોત સાથે દીવાદાંડીના ઇતિહાસમાં ક્રાંતિ લઈ આવ્યો. તેના પ્રારંભિક મોડેલોમાં કાચનો ઉપયોગ થતો હતો જેમાં સુતરની વાટ અને રંગીન કાચની ડીઝાઈન હતી. 1759માં જ્હોન સ્મીટોન નામના અંગ્રેજ એન્જિનિયરે એક નવા પ્રકારનું લાઇટહાઉસ ડિઝાઇન કર્યું. તે પછીના મોટાભાગના લાઇટહાઉસ માટે તે એક પ્રેરણા જેવું બની ગયું. દીવાદાંડી લાકડાને બદલે પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે તે દરિયાઈ ભેજ અને પાણીની થપાટ સામે વધુ મજબૂતીથી ઝીક ઝીલી શકતી. 1821માં ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી ઓગસ્ટિન ફ્રેસ્નેલે એક નવો લેન્સ વિકસાવ્યો જે 85% જેટલા પ્રકાશને કેપ્ચર અને ફોકસ કરતો હતો. તેણે સાત અલગ-અલગ કદ વિકસાવ્યા (જેને તે ઓર્ડર કહેતો હતો ) અને લેન્સના કદ અને ઓર્ડરની સંખ્યા વધવાની સાથે તેમની અસરકારકતા વધતી હતી. આવા વિશાળ દીવાદાંડી હાઉસના કર્મચારીઓને એકદમ ઓછું વેતન ચૂકવવામાં આવતું હતું. 19મી સદી દરમિયાન, હેડ કીપરનો પગાર 250 થી 600 સુધીનો હતો, અન્યને ઓછો ચૂકવવામાં આવતો હતો. આનો અપવાદ પશ્ચિમમાં હતો, જ્યાં ગોલ્ડ રશ દરમિયાન ચોકીદારને 1,000 ચૂકવવામાં આવતા હતા. તેમાં ઘણી મહિલાઓ પણ લાઇટહાઉસ કીપર્સ હતી.