છઠ્ઠપૂજા ત્રિદિવસીય તહેવાર છે જે-છે કાર્તિક સુદ ચતુર્થીથી શરૂ થઈને સપ્તમી સુધી હોય છે
સૂર્યની સાથોસાથ, તેમના પત્ની લેખાતાં ઉષાદેવી તેમજ સંધ્યાદેવીની ઉપાસનાનો મહિમા
- Advertisement -
આ પર્વનો ઉલ્લેખ ઋગ્વેદમાં સૂર્ય પૂજન અને ઉષાપૂજન રૂપે જોવા મળે છે
ભારત એટલે સાંસ્કૃતિક વિવિધતાઓનો દેશ… અહીં અનેક પ્રકારના તહેવારો જુદી જુદી ધાર્મિક માન્યતાઓ અને ધારણાઓ કે કથાઓના આધારે ઉજવાય છે. ભારતમાં, દરેક પ્રાંતની ખાણીપીણી તેમજ જીવનશૈલીની જેમ જ તહેવારોમાં પણ વિવિધતા જોવા મળે છે. વિવિધ પ્રાંતીય ભિન્ન ભિન્ન તહેવારો થકી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું પોત અનેક રંગોએ દિપી ઉઠે છે.આ વિવિધતા હોવા છતાં સનાતન પરંપરા સાથે જોડાયેલ હિંદુ ધર્મના તહેવારોમાં મુખ્યત્વે પ્રકૃતિ તત્વની પૂજા, પૌરાણિક દેવ-દેવીઓની પૂજા, ઋતુઓ અનુસાર કુદરતના વિવિધ તત્વોની પૂજા.. આ બાબતો કોઈપણ પ્રાંતીય તહેવારનું મુખ્ય પરિબળ હોય છે. આવો જ એક અનોખો તહેવાર એટલે છઠ્ઠપૂજાનું મહાપર્વ. કારતક માસની સુદ ચતુર્થીથી શરૂ થઈને સપ્તમીની સવારે પારણાં કર્યા બાદ સંપન્ન થતી છઠ્ઠ પૂજાનું વ્રત મુખ્યત્વે બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તરપ્રદેશ અને નેપાળના અમુક પ્રાંતમાં ઉજવાતો તહેવાર છે. અલબત્ત, બિહારમાં છઠ્ઠપૂજાનું વિશેષ મહત્વ રહ્યું છે અને આ પ્રાંતોમાં આ તહેવારનું એટલું મહત્વ છે કે પોતાની આ જન્મભૂમિ કે વતન છોડીને આ પ્રદેશોની બહાર વસે છે એ લોકો પણ જ્યાં રહેતા હોય ત્યાં ખૂબ જ શ્રદ્ધાથી આ તહેવારની પૂજનવિધી/ ઉજવણી કરે છે. એટલે છઠ્ઠપૂજાની રૌનક ભારતના અનેક શહેરોમાં જોવા મળે છે. સૂર્યદેવની તેમજ તેમના પત્ની લેખાતાં ઉષાદેવી અને સંધ્યાદેવીની ઉપાસનાનો મહિમા, છઠ્ઠપૂજાના વ્રત કે તહેવારમાં,વિશ્વપુરુષ, પ્રાણસ્વરુપ, શક્તિ અને તેજનાં અવિરત સ્રોત સમ પરમાત્મા, યુગાતિયુગ, નીરન્તંર એવા સંસારચક્રનાં રચયિતા, સમષ્ઠિની, જીવમાત્રની ઉત્પત્તિ અને અતિત્વના કારક એવાં સૂર્યદેવની તેમજ સૂર્યની સાથોસાથ, તેમના પત્ની લેખાતાં ઉષાદેવી તેમજ સંધ્યાદેવીની ઉપાસનાનો મહિમા છે. આ અર્થમાં સ્ત્રીત્વની પૂજાનો અનેરો અવસર છે જે સ્ત્રીઓ દ્વારા જ સંપન્ન થાય છે એટલે એમ કહી શકાય કે આ તહેવાર સ્ત્રીત્વની, નારીશક્તિના સન્માન તેમજ ગરિમાની મહતાના સ્વીકારનું પર્વ છે. આ ઉપરાંત છઠ્ઠપુજા એ પ્રકૃતિ, જલ,વાયુ એવા પ્રાકૃતિક તત્વો પ્રત્યે કૃતજ્ઞતા દાખવવાનો તહેવાર છે. છઠ્ઠપૂજાને રવિષષ્ઠી, સૂર્યષષ્ઠી, સૂર્યવ્રત, છઠ્ઠપ્રકૃતિ, માઇપૂજા, ડાલાછઠ્ઠ, ડાલાપૂજા, ઉષાપૂજન…વગેરે નામોથી પણ ઉલ્લેખવામાં આવે છે જેમાં છઠ્ઠી મૈયાને કુદરત પર જીવન સુલભ કરનાર શક્ય કરનાર આ પ્રાકૃતિક તત્વની બહેન તરીકે કલ્પવામાં આવે છે.
છઠ્ઠપૂજા વૈદિકકાળથી સતત ઉજવાતો રહ્યો હોય એવો તહેવાર છે. આ પર્વનો ઉલ્લેખ ઋગ્વેદમાં સૂર્ય પૂજન અને ઉષાપૂજન રૂપે જોવા મળે છે. આ ઉપરાંત વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ વગેરેમાં પણ સૂર્યપૂજાની વિસ્તૃત ચર્ચાઓ જોવા મળે છે. ઉત્તર વૈદિકકાળના અંતિમ કાલખંડમાં સૂર્યના માનવીય રુપની કલ્પના જોવામાં મળે જોવા મળે છે જે કાળાંતરે સૂર્યની મૂર્તિપૂજામાં પરિવર્તન પામી અને પૌરાણિક કાળ આવતાં આવતાં સૂર્યપૂજાનું પ્રચલન ખૂબ જ વધ્યું અને અનેક સ્થાનો પર સૂર્યમંદિરો બનાવવામાં આવ્યા. મધ્યકાળ સુધીમાં છઠ્ઠની સૂર્યોપાસના વ્યવસ્થિત તહેવારના રૂપે પ્રતિષ્ઠિત થઈ ચૂકી જે આજ સુધી ચાલી આવી છે. એક કથા અનુસાર પ્રથમ દેવ-દાનવ સંગ્રામમાં રાક્ષસોના હાથે દેવતાઓ પરાજય પામી રહ્યા હતા ત્યારે દેવમાતા અદિતિએ તેજસ્વી પુત્રની પ્રાપ્તિ માટે સૂર્યમંદિરમાં છઠ્ઠી મૈયાની આરાધના કરી હતી તેના ફળસ્વરૂપે તેને અત્યંત તેજસ્વી અને પરાક્રમી ભગવાન આદિત્યની પુત્રરૂપે પ્રાપ્તિ થઈ હતી જેમણે દાનવો સામે દેવતાઓને વિજય અપાવ્યો હતો. તો બીજી કથાનુસાર પાંડવો પોતાનું રાજપાટ જુગારમાં હારી ગયા પછી શ્રીકૃષ્ણના કહેવાથી દ્રૌપદીએ છઠ્ઠી માતાનું વ્રત કર્યું હતું અને ફળસ્વરૂપે પાંડવોને પોતાનું રાજપાટ પાછું મળ્યું હતું. લંકાવિજય બાદ પરત આવેલાં રામે રામરાજ્યની સ્થાપના કરી એ દિવસ કાર્તિક સુદ છઠ્ઠનો હતો અને ત્યારે રામ સીતાએ પણ સૂર્યશષ્ઠિનું વ્રત કર્યા હોવાના ઉલ્લેખો છે. ઉપર કહ્યું તેમ, લોક પરંપરામાં સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાનો સંબંધ ભાઈ બહેનનો ગણવામાં ગણાય છે. લોકમાતા છઠ્ઠીની સૌ પ્રથમ પૂજા સૂર્યએ જ કરી હતી. છઠ્ઠ કરવાનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મહત્વ સમજીએ તો કારતક સુદ છઠ્ઠ અને ચૈત્ર સુદ છઠ્ઠના દિવસે એક વિશેષ ખગોળીય પરિવર્તન આકાર લેતું હોય છે આ સમયે સૂર્યના વિશેષ પ્રકારના કિરણો પૃથ્વીની સપાટી પર સામાન્ય કરતા ખૂબ જ અધિક માત્રામાં એકત્ર થાય છે. અને પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતાં જ તેનું ઓઝોનમાં પરિવર્તન થાય છે જે હાનીકારક કિટાણુ સામે તેમજ રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. એટલે આ દિવસોમાં સૂર્ય સામે પ્રત્યક્ષ થવાની પરંપરા છે. પર્વોમાં જેને મહાપર્વ તરીકે ગણવામાં આવે છે એ છઠ્ઠપૂજા ત્રિદિવસીય તહેવાર છે. જે ચતુર્થીથી શરૂ થઈને સપ્તમીની સવારે પારણા કર્યા બાદ સંપન્ન થયો ગણાય છે. પૂજાના પહેલા દિવસ ચતુર્થીને નહાઈ ખાહય’ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે સૌ પ્રથમ તો ઘરની સાફ-સફાઈ કરી સ્થાનશુદ્ધિ બાદ શરીરશુદ્ધિ કરવામાં આવે છે. વ્રત કરનાર માટે શક્ય હોય તો નદીસ્નાનનું મહત્વ, ખાસ કરીને ગંગાસ્નાનનું મહત્વ છે. આ દિવસે આખા દિવસના નિર્જળા ઉપવાસ બાદ સાંજે આંબાના લાકડા અને માટીના ચુલ્હામાં અને ગંગાજળમાં તૈયાર કરેલી રસોઈ જમે છે. આ દિવસના આહારમાં મુખ્યત્વે કોળા કે દૂધીનું શાક, મગ અથવા ચણાદાળ અને ભાતનો ઉપયોગ થાય છે. વ્રત કરનાર ભોજન કરી લે એ બાદ જ ઘરના સભ્યો ભોજન ગ્રહણ કરે છે. છઠ્ઠપૂજાના બીજા દિવસ એટલે કે પંચમીને ખરના કે લોહન્ડાના નામથી ઓળખાય છે આ દિવસે વ્રત કરનાર આખો દિવસ ઉપવાસ કરે છે, સૂર્યાસ્ત સુધી પાણી પણ વર્જ્ય છે. રાત્રે ચોખા, ગોળ અને શેરડીના રસમાંથી બનેલી ખીર તેમજ ઘઉંની રોટલી સૂર્યદેવને નૈવેદ્ય તરીકે ધરીને વ્રત કરનાર એકાંત ધારણ કરીને આરોગે છે. આ વ્રતમાં એકાંતનો અનેરો મહિમા છે કોઈપણ પ્રકારનો અવાજ સાંભળવો અથવા બોલવો તે વ્રતના નિયમની વિરુદ્ધ છે. પંચમીના આ રાત્રિભોજન પછી વ્રત કરનાર લગભગ છત્રીસ કલાકના નિર્જળા ઉપવાસ કરે છે. પંચમીની મધ્યરાતે છઠ્ઠપૂજાના વિશેષ પ્રસાદ તરીકે, વ્રત કરનાર ઘઉં ગોળ અને ઘીમાંથી તૈયાર થતું મીષ્ઠ અન્ન ઠેકુઆ’ બનાવે છે. છઠ્ઠપૂજાનો અત્યંત મહત્વનો દિવસ એટલે કે છઠ્ઠના દિવસે ઠેકુઆ, ખસ્તા વગેરે જેવા અનેક વ્યંજન બનાવી બપોરે ત્રણ-ચાર વાગ્યાથી વ્રત કરનાર તેમજ તેના આડોશપાડોશના તથા સગાસંબંધીઓ નદી કિનારે, પૂજાઘાટ પર પહોંચી જાય છે અને વિવિધ ફળો,શાકભાજીઓ, લીંબુ નારિયેળ, શેરડી, ઋતુગત ધન-ધાન્ય વગેરે પ્રસાદ સ્વરૂપે વાંસના ટોપલામાં ભરીને સૂર્યાસ્ત સમયે સૂર્યને અર્પણ કરે છે અને સૂર્ય ડૂબવાની શરૂઆત થાય એ સાથે જ નદીના પાણીમાં ઉતરીને દૂધ અને પાણી વડે સૂર્યને અર્ધ્ય આપે છે. આ સમયનું દ્રશ્ય અદભુત હોય છે. વિશ્વભરમાં સૂર્યની સામૂહિક ઉપાસનાનો આવો અણમોલ પ્રસંગ ફક્ત ભારતમાં જ જોવા મળે છે. પૂજા સંપન્ન થયા પછી ઘરે આવીને શેરડીના ચોવીસ સાંઠાને પરસ્પર ગોઠવીને/બાંધીને ગોળાઇ કે વર્તુળ બનાવવામાં આવે છે અને આ ગોળાઇમાં જ દરેક પ્રકારના વ્યંજનો, પ્રસાદની સામગ્રી વગેરે માટીના વાસણમાં ભરીને રાખવામાં આવે છે જેને કોષી ભરના’ કહેવાય છે. કોષી ભરવાનું વિશેષ મહત્વ છે આ સમયે આસપાસની, પાસપડોશની સ્ત્રીઓ એકઠી થઈને છઠ્ઠીમૈયાના ગીતો ગાય છે. લોકબોલીના શબ્દો, લોકસંગીતની મીઠાશ તેમજ વ્રતના આધ્યાત્મિક વાતાવરણમાં ભાવભરેલા અવાજે, પ્રાદેશિક લ્હેકા સાથે ગવાતા ગીતો અને શૃંગાર ધારણ કરીને શોભી ઉઠતી સ્ત્રીઓ…એ છઠ્ઠપૂજાનો અનેરો લ્હાવો છે. છઠ્ઠીમૈયાના ગીતો અને પ્રાર્થના-પૂજા બાદ પ્રસાદની સામગ્રીને એકઠી કરીને પાછી પૂજાગૃહમાં ગોઠવી દેવામાં આવે છે. વ્રત કરનારને છઠ્ઠની રાત્રે જાગરણ કરવાનું રહે છે.સવારે ત્રણ ચાર વાગ્યે ફરી લોકો એકઠા થઈને આ બધી સામગ્રી સહિત નદી કિનારે પહોંચી ઉગતા સૂર્યને અર્ધ્ય આપે છે. અને ત્યારબાદ પ્રસાદ વિતરણ બાદ વ્રત કરનાર પારણા કરે એટલે વ્રત સંપન્ન થાય છે.
- Advertisement -
સહજ વ્રત પદ્ધતિ તથા લોકજીવનની મીઠાશનો અનુભવ કરાવતા લોકગીતો
વાંસ/માટી નિર્મિત ટોકરી, સૂંડલા, ટોપલા, માટીના વાસણો તેમજ પ્રસાદ તરીકે પ્રાકૃતિક અને ઋતુગત ફળ/ભાજી વગેરે અસલના લોકજીવનની મીઠાશનો અનુભવ કરાવતાં, પ્રસાર કરતા લાગે છે
છઠ્ઠપૂજાની સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવિત કરે એવી વાત તેની સાદગી અને સહજ વ્રતપદ્ધતિ છે. અહીં કડક જટિલ વૈદિક વિધિવિધાન,મૂર્તિ, મંત્ર-તંત્ર કે પુરોહિત કે પંડિત વગર જ સંપન્ન થતો આ તહેવાર,ગ્રામીણ પુરાતન મૂલ્યોને જીવંત રાખતો, ખરા અર્થમાં જનોત્સવ છે. આ તહેવારમાં મોંઘા અપ્રાપ્ય પૂજાપાની બદલે લોકજીવનની લોકભોગ્ય વસ્તુઓને પૂજામાં સ્થાનની વિશેષ પરંપરા છે. ભક્તિ અને અધ્યાત્મથી ભરપુર આ પર્વમાં વાંસ/માટી નિર્મિત ટોકરી, સૂંડલા, ટોપલા, માટીના વાસણો તેમજ પ્રસાદ તરીકે પ્રાકૃતિક અને ઋતુગત ફળ/ભાજી, શેરડીનો રસ ગોળ વગેરેથી નિર્મિત પ્રસાદ અને સુમધુર લોકગીતો… જે અસલના લોકજીવનની મીઠાશનો અનુભવ કરાવતાં, પ્રસાર કરતા લાગે છે. ઉપર કહ્યું તેમ, જટિલ શાસ્ત્રોકત ધાર્મિક વિધીઓથી તદ્દન વિપરીત છઠ્ઠપૂજા અતિ સામાન્ય રીતરિવાજોથી સંપન્ન થતી લોકભોગ્ય ઉપાસના હોવાને કારણે તેમજ આ વ્રતમાં કોઈ વિશેષ ધનની જરૂર રહેતી નથી, આ તહેવારની સુંદરતા પર મોંઘવારીની મેખ લાગતી નથી. આસપાસમાં રહેતા પાસપડોશના સાથ અને સહયોગ અને સંગાથથી શોભી ઉઠતો આ તહેવાર સમાજજીવનની અનિવાર્યતા અને તેની ઉપયોગિતા સિદ્ધ કરે છે. એ દ્રષ્ટિએ છઠ્ઠપુજા એ કોઈ વ્યક્તિગત ઉપવાસના ન રહેતાં સામૂહિક કર્મ જેવું વિરાટ અને ભવ્ય આયોજન બની રહે છે.જેના પરિપાક રૂપે આધ્યાત્મિકતા, પવિત્રતા તેમજ સાત્વિક આનંદ વળી, લોકજીવનની માટીની સુગંધ ભળતા આ તહેવારનું સાંસ્કૃતિક મૂલ્ય પણ અધિક થઈ રહે છે. શક્તિ-ઉર્જા-પ્રકાશ અને જીવનના સ્ત્રોત સૂર્યદેવ પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ વ્રતના આશીર્વાદ રૂપે સૌના જીવનમાં સુખ-સંપત્તિ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે એવું માનવામાં આવે છે. ભૌતિક લાભની વાત બાજુ પર રાખીને પણ જીવનદાતા ,પ્રાકૃતિક તત્વોની પૂજા એ માનવીની પ્રકૃતિ તરફની કૃતજ્ઞતા દર્શાવતો ભાવનાત્મક, અમૂલ્ય પ્રસંગ છે ત્યારે આ લેખની પૂર્ણાહુતિ સૂર્યદેવને અંજલિ આપતાં કરીએ…
હે પરમપીતા, અમે સૌ તારા જ અંશ, તારા જ વંશ !
હે દેવ, તારી ઉર્જા, ચેતના, પ્રભુતા , ઉદાદતા , ઉદારતા, પવિત્રતા, ભવ્યતા અને દિવ્યતાનોઁ અમારામાં સંચાર થાઓ ! તારા આ દિવ્ય ગુણોનાં અંશમાત્રની પ્રાપ્તિથી અમારી બુદ્ધિ અને ચેતના પવિત્ર થાઓ, અમારુ અસ્તિત્વ સભર થાઓ ! તારી અખીલાઇ અને શાશ્વતતાને અમારી નિત્ય નિત્ય સદા સર્વદા વંદના !!