ગૃહ કલેશના કારણે બનેલો બનાવ: શહેરમાં અરેરાટી સાથે ચકચાર
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જામનગરના ગુલાબનગર વૃંદાવન સોસાયટી-2 અને હાલ હાલાર હાઉસ પાસે રહેતી નિતાબેન પ્રફુલભાઇ ડાભી (ઉ.વ.45) નામની યુવતિ થાવરીયા ગામની સ્કુલમાં ફરજ બજાવે છે, આજે વ્હેલી સવારે સ્કુલે જવા માટે નિકળ્યા હતાં, જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે નિતાબેન પહોંચ્યા હતાં તે વેળાએ પાછળથી આવેલા પતિએ આંતરીને તેણી કહે સમજે એ પૂર્વે છરીના ઘા ઝીંકીને અલોપ થઇ ગયો હતો. શિક્ષીકા લોહી લોહાણ હાલતમાં ત્યાં ઢળી પડયા હતાં, દરમ્યાનમાં આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતાં, સીટી-એ ડીવીઝન પોલીસની ટુકડી તાકીદે ઘટના સ્થળે દોડી આવી હતી.
લોહી લોહાણ હાલતમાં ઢળી પડેલી શિક્ષીકાને જી.જી.હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ જો કે તેણીનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું, સીટી-એ ડીવીઝન પીઆઇ એમ.જે.જલુ, પીએસઆઇ મોઢવાડીયા સહિતની ટુકડી દ્વારા પ્રાથમિક વિગતોના આધારે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં, આરોપી પતિને દબોચી લેવાયો છે, પ્રાથમિક પૂછપરછમાં ઘણા સમયથી ચાલી રહેલા ઝઘડાનો કણ અંજામ આવ્યો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
પતિના હાથે પત્નીની કરપીણ હત્યાનો બનાવ સામે આવતાં ભારે અરેરાટી સાથે ચકચાર ફેલાઇ જવા પામી છે, ગૃહ કલેશ માત્ર બનાવ પાછળ કારણભૂત છે અન્ય કોઇ કારણ એ બાબતે પોલીસ દ્વારા તપાસ લંબાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર અને દ્વારકામાં છેલ્લા ટુંકાગાળામાં હત્યાના બનાવો એક પછી એક બહાર આવી રહ્યા છે, જો કે આ બનાવોમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકો-દિવસોમાં આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.



