બૂથ લેવલ અવેરનેસ ગ્રૃપનાં વડાઓ સાથે બેઠક
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર વિક્રમી મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રચિત રાજે બૂથ લેવલ અવરનેશ ગૃપના વડાઓ સાથે બેઠક યોજી, દરેક મતદાતા મતાધિકાર ઉપયોગ કરે તે માટે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા માટે માર્ગદર્શન આપ્યુ હતું. અને નિર્ધારિત મતદાનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથે જ આ માટે જમીની સ્થિતિ ધ્યાનમાં રાખીને એક ચોક્કસ વ્યૂહરચના સાથે કામગીરી કરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યાં હતા. આ સાથે મતદાતાઓ પ્રચાર માટે આયોજિત રોકડ ભેટ, દારૂ જેવા અન્ય કોઇપણ પ્રલોભનોથી દૂર રહેવા માટે એક નૈતિક મતદાનનો સંદેશો ફેલાવવામાં આવશે, ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગેરરિતિઓ માટે દંડ વગેરે બાબતોની જાગૃતિ ફેલાવવામાં આવશે.મતદારોને ડોર-ટુ ડોર સંપર્ક માટે ગ્રાસ રૂટ પરના તલાટી મંત્રી, આંગણવાડી વર્કર, આશાબહેનો, સખી મંડળના બહેનો ઉપરાંત આરોગ્યના અન્ય કર્મચારીઓની મદદ લેવામાં આવશે. આ કર્મચારીઓના માધ્યમથી મતદાતાઓ સાથે વાર્તાલાપ કરીને લોકોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા અને તેમની સહભાગીતા વધારવા માટે કામગીરી કરવામાં આવશે. ઉપરાંત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભા કરવામાં આવનાર વિશિષ્ટ મતદાન મથકો જેવા કે, હેલ્થ એનીમલ હેલ્થ, સખી, યુવા, વિશે જાણકારી આપવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ ચૌહાણ, નિયામક જી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.