એક શખ્સ પાસાની હવા પણ ખાઇ આવ્યો, બીજાએ નામે મારામારી,દારૂનો ગુના
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢનાં જોષીપરામાં આંબાવાડી વિસ્તારમાં બે દિવસ પહેલા સાંજનાં સમયે લૂંટની ઘટના બની હતી.
અહીં રહેતા જયાબેન પ્રકાશભાઇ બાલસ ઘરે એકલા હોય બે અજાણ્યા શખ્સોએ ઘરેમાં પ્રવેશી છરી અને ખોટી બંધુક બતાવી રોકડ રકમ 2 લાખ અને સોનાનાં દાગીનાં મળી રૂપિયા 5.26 લાખની લૂંટ ચાલવી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જૂનાગઢમાં થયેલી લૂંટનાં આરોપીને ઝડપી લેવા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જુદી જુદી પોલીસની ટીમ બનાવવામાં આવી હતી. તેમજ સીસીટીવી કેમેરા, બાતમીદારની મદદ લેવામાં આવી હતી. ત્યારે આ લૂંટની ઘટનામાં માળિયાનાં અમરાપુર ગામનો ડેવિડ અને કેશોદનાં ફાગળી ગામનો અનીલ હોવાની એલસીબી પીઆઇ એચ.આઇ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા સહિતનાંને સયુક્ત બાતમી મળી હતી. પરંતુ નામ અને સરનામા અધુરા હોય પોલીસે ખાનગી રાહે તપાસ કરતા ડેવિડનું પુરૂનામ ડેવિડ જેન્તીભાઇ સોલંકી(રે. અમરાપુર તા. માળિયા) અને અનિલનું પુરૂનામ અનિલ વ્રજલાલ ઉર્ફે વજુભાઇ મારૂ(રે. ફાગળી તા.કેશોદ,મુળ ગામ માતર વાણીયા)હોવાનું સામે આવ્યું હતું. આ બન્નેની કુંડળી કાઢવા પોલીસે પોકેટકોપનો ઉપયોગ કર્યો હતો.જેમાં ડેવિડનાં નામે સુરતમાં ચોરીની ફરિયાદ થઇ હતી તેમજ પાસામાં પણ જઇ આવ્યો હતો. તેમજ અનિલ સામે મારા મારી અને દારૂનો ગુનો નોંધાયો હતો. પોલીસની શંકા મજબુત બનતા બન્ને પકડવા કવાયત હાધ ધરી હતી. ત્યારે આ બન્ને શખ્સ જૂનાગઢનાં ઝાંઝરડા અન્ડરબ્રીજથી ચોબારી રોડ પર હોવાની બાતમી મળી હતી.જેના પગલે એલસીબીની ટીમ પહોંચી ગઇ હતી અને બન્નેની અટક કરી પુછપરછ કરી હતી. પહેલા તો ગોળગોળ જવાબ આપ્યાં હતાં. પરંતુ પોલીસની ભાષામાં સમજાવતા તા. 9 મેનાં આંબાવાડી વિસ્તારમાં લૂંટ કર્યાની કબુલાત આપી હતી. બન્નેએ ખોટી બંધુક અને છરી બતાવી લૂંટ કરી હતી. પોલીસને બન્ને શખ્સની અટક કરી રોકડા રૂપિયા 2 લાખ, સોનાનાં દાગીનાં મળી કુલ રૂપિયા 6,76,787નો મુદામાલ કબજે કર્યો હતો અને બન્નને બી ડિવિઝન પોલીસને સોંપી દીધા હતાં.
લૂંટ પહેલા જૂનાગઢમાંથી બાઇકની ચોરી કરી હતી
જૂનાગઢમાં લૂંટનાં ઇરાદે આવેલા બન્ને શખ્સોએ જૂનાગઢમાંથી બાઇકની ચોરી કરી હતી. બાદ બાયપાસ ઉપર ગયા હતા.અહીં બાઇકની નંબર પ્લેટ કાઢી નાખી હતી અને બાદ લૂંટ કરવા પહોંચ્યાં હતાં.
- Advertisement -
બંધ મકાન કે એકલાં રહેતાં લોકોને ત્યાં લૂંટ કે ચોરી કરતા
બન્ને આરોપી ચોરી કે લૂંટનાં ઇરાદે નિકળી રસ્તામાંથી બાઇકની ચોરી કરતા હતાં. પછી બંધ મકાન કે કોઇ વ્યક્તિ એકલી હોય ત્યારે મકાનમાં પ્રવેશ કરતા હતાં. બાદ તેમની પાસે રાહેલી ખોટી બંધુક અને છરી બતાવી હાજર વ્યકિતને ડરાવી ધમકાવી રોકડ રૂપિયાની લૂંટ કરતા હતાં.



