એક દસકામાં સૌથી ઓછા સરકારી ડેન્ટિસ્ટ, દર્દીઓ પરેશાન
કોરોનાના કારણે પરેશાન બ્રિટનમાં હવે ડોક્ટરો નોકરી છોડી રહ્યા છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાના કારણે પરેશાન બ્રિટનમાં હવે ડોક્ટરો નોકરી છોડી રહ્યા હોવાથી દર્દીઓ પરેશાન છે. છેલ્લા એક વર્ષમાં અહીં બે હજારથી પણ વધુ ડેન્ટિસ્ટે નોકરી છોડી છે. તેનાથી આશરે 40 લાખ દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. એસોસિયેશન ઓફ ડેન્ટલ ગ્રૂપ્સે નેશનલ હેલ્થ સર્વિસના આંકડાના હવાલાથી જણાવ્યું છે કે 2020ના અંત સુધી બ્રિટનમાં 23,733 ડેન્ટિસ્ટ હતા, જે 2021ના અંતમાં ઘટીને 21,544 થઈ ગયા.
આ છેલ્લા એક દસકાનો ડેન્ટિસ્ટ્સનો સૌથી ઓછો આંકડો છે. આ કારણસર સ્થિતિ એવી છે કે દેશના અનેક વિસ્તારોમાં ડેન્ટિસ્ટ્સની એપોઈન્ટમેન્ટ 3 વર્ષ પછીની મળી રહી છે. તેને લઈને લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. અનેક લોકો દાંતની સર્જરી માટે પોતાનું શહેર છોડીને બીજા શહેરોમાં જઈ રહ્યા છે. નેશનલ હેલ્થ સર્વિસના ડેન્ટિસ્ટ્સ નહીં મળવાથી લોકોએ વધુ પૈસા ખર્ચીને ખાનગી ડોક્ટરો જોડે જવું પડે છે.
- Advertisement -
ડેન્ટિસ્ટ્સની અછત માટે કોરોના મહામારી, બ્રેક્ઝિટ અને સરકાર તરફથી એનએસએસ ડેન્ટલને અપાતા ઓછા બજેટને જવાબદાર મનાય છે. તેથી સ્થિતિ એ છે કે કેટલાક ડેન્ટિસ્ટ્સ એનએચએસનું આખું બજેટ ખતમ થઈ જવાના કારણે દર્દીઓ પાસે વધુ ફી માંગી રહ્યા છે.
બ્રિટિશ ડેન્ટલ એસોસિયેશને આરોપ લગાવ્યો છે કે એનએચએસમાં ડેન્ટલ કેર કોન્ટ્રાક્ટ હેઠળ પૂરતા પૈસા નથી મળી રહ્યા. તેનાથી અડધી વસતીને દાંતની બીમારીઓની યોગ્ય સારવાર નથી મળી રહી. ડોક્ટરોના કોન્ટ્રાક્ટ હેઠળ છેલ્લાં 12 વર્ષમાં કોઈ સુધારા નથી થયા.



