ખાસ-ખબર સંવાદદાતા
IPLમાં ખરાબ ફોર્મ સામે સંઘર્ષ કરી રહેલી ચેન્નઇ સુપર કિંગ્સને પોતાની નબળી બોલિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની ક્લબ સ્તરની બેટિંગમાં સુધારો કરવો પડશે. આજે બંન્ને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો રમાય તેવી સંભાવના છે કારણ કે બન્નેની નબળાઈઓ જગજાહેર થઈ ગઈ છે જેના કારણે મુકાબલો વધારે રસપ્રદ બનશે. 10 મેચમાં બેંગ્લોર તરફથી માત્ર છ અડધી સદી નોંધાઈ છે જેમાંની બે સુકાની ફાફ ડુ પ્લેસિસના નામે છે. ચેન્નઇની ટીમે નવ મેચ રમી છે અને તેના કોઈ પણ બોલરની એવરેજ 7.50 કરતાં નીચે રહી નથી. મહેશ થિકશનાએ 7.54ની એવરેજથી બોલિંગ કરી છે. ડ્વેન બ્રાવો અને મુકેશ ચૌધરીની સરેરાશ અનુક્રમે 8.73ની તથા 9.82ની રહી છે.
- Advertisement -
પંજાબે ગુજરાતને 8 વિકેટથી હરાવ્યું
શિખર ધવનના 53 બોલમાં 62 રન : રાજપક્ષાના 40, લિવિંગસ્ટોનના 30 રન : 33 રનમાં 4 વિકેટ લેનાર કગિસો રબાડા મેન ઓફ ધ મેચ
મંગળવારે IPLમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને એકતરફી મેચમાં 8 વિકેટે હરાવ્યું હતું. પંજાબ પાસે 144 રનનો ટાર્ગેટ હતો જે ટીમે 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શિખર ધવને અણનમ 62 રન બનાવ્યા હતા અને તે ટોપ સ્કોરર રહ્યો હતો. લિવિંગસ્ટોને બેટિંગ માત્ર 10 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સની 10 મેચમાં આ પાંચમી જીત હતી. ટીમ 5 મેચ હારી છે. આ સાથે જ ગુજરાતની સતત 5 જીત બાદ આ પ્રથમ હાર છે. હાર્દિકની આગેવાની હેઠળની ટીમે 10માંથી 8 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. સાઈ સુદર્શન સિવાય કોઈ પણ બેટ્સમેન ગુજરાત માટે સારી ઈનિંગ રમી શક્યો નહોતો. પંજાબના બોલરોએ પ્રથમ ઓવરથી જ ગુજરાત પર દબાણ બનાવી રાખ્યું હતું. રબાડાના ખાતામાં સૌથી વધુ 4 વિકેટ આવી હતી.
- Advertisement -
29મીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ
BCCI સેક્રેટરી જય શાહે આપી માહિતી
BCCI સેક્રેટરી જય શાહે IPL 2022ને લઈને મહત્વની માહિતી આપી છે. આ વખતે પ્લેઓફ કોલકાતા અને અમદાવાદમાં રમાશે જ્યારે ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું છે કે IPL 2022 ના પ્લેઓફ કોલકાતા અને અમદાવાદમાં યોજાશે. મેગા ફાઇનલ 29 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ક્વોલિફાયર 2 પણ યોજાવાની છે. આ સિવાય ક્વોલિફાયર 1 અને એલિમિનેટર કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાશે, જે 24-25 મેના રોજ યોજાશે.



