લોકેશ રાહુલે સિઝનની બીજી સદી ફટકારી, 169નાં ટાર્ગેટ સામે મુંબઈના 8 વિકેટે 132 રન: કૃણાલની 19 રનમાં ત્રણ વિકેટ
રાહુલની અણનમ 103 રનની કેપ્ટન્સ ઈનિંગ તેમજ બોલરોના અસરકારક દેખાવને સહારે લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને વધુ ફટકો પહોંચાડતા 36 રનથી જીત હાંસલ કરી હતી. મુંબઈની ટીમ સતત આઠમી મેચ હારતાં તેની પ્લે ઓફની તમામ સંભાવનાઓ પણ ખતમ થઈ ગઈ હતી. આઇપીએલના ઈતિહાસમાં શરૃઆતની આઠ મેચ હારનારી તે સૌપ્રથમ ટીમ બની હતી. જીતવા માટેના 169 રનના ટાર્ગેટ સામે મુંબઈ 8 વિકેટે 132 રન જ કરી શક્યું હતુ. કૃણાલ પંડયાએ 19 રનમાં 3 વિકેટ મેળવી હતી.
જીતવા માટેના 169ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા મુંબઈને ઇશાન કિશન અને રોહિત શર્માએ ખુબ જ ધીમી શરૃઆત અપાવી હતી. બંનેએ 43 બોલમાં 49 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. કિશન 20 બોલમાં 8 રને બિશ્ર્નોઈનો શિકાર બન્યો હતો. જે પછી મોહસીને બ્રેવિસ (3)ને પેવેલિયનમાં પાછો મોકલ્યો હતો. કૃણાલ પંડયાએ રોહિત શર્માના (31 બોલમાં 39)ના સંઘર્ષનો અંત આણ્યો હતો. જે પછી બિશ્ર્નોઈએ સૂર્યકુમાર (7)ને સસ્તામાં આઉટ કરતાં મુંબઈની ટીમ 49/0થી 67/4 પર ફસડાઈ હતી.


