હેલ્થ પરમીટના નામે રોગી કલ્યાણ સમિતિના ઉઘરાણા
ગરીબ દર્દીઓને રાહતરૂપ MIR મશીન વસાવવા ડૉ. હેમાંગ વસાવડા અને કલ્પેશ કુંડલિયાએ રજૂઆત
રાજકોટ શહેર અગ્રણી દ્વારા સિવિલ સુપ્રીટેન્ડેન્ટને આવેદન પાઠવી સિવિલ હોસ્પિટલની કથળી, ખાડે ગયેલી વ્યવસ્થા સુધારવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડા અને પૂર્વ કોંગ્રેસ મહામંત્રી કલ્પેશ કુંડલીયાની આગેવાનીમાં આવેદન પાઠવી રજૂઆતમાં જણાવ્યું હતું કે રોગી કલ્યાણ સમિતિમાં લાખોની ગ્રાન્ટ હોવા છતાં દર્દીઓના હિતમાં કોઈ કાર્ય થતું નથી જેને પરિણામ સ્વરૂપ રોગી કલ્યાણ સમિતિની વણવપરાયેલ ગ્રાન્ટ પરત સરકારમાં જતી રહે છે. હેલ્થ પરમીટમાં થતાં ઉઘરાણાના પૈસા પણ સમિતિમાં જમા થાય છે તો આ પૈસામાંથી એમ.આર.આઈ. અને સીટી સ્કેન મશીન આવે તો સૌરાષ્ટ્રભરના ગરીબ દર્દીઓને અનેકગણી રાહત મળી શકે તેમ છે.
હોસ્પિટલમાં પીવાના પાણીની પણ તંગી છે. વોર્ડમાં સફાઈના અભાવે ગંદકીએ માઝા મૂકી છે. સાજા થવા આવતા દર્દીઓ ગંદકીને લીધે વધુ બીમાર પડી રહ્યા છે. ડૉ. હેમાંગ વસાવડા અને કલ્પેશ કુંડલિયાએ રજૂઆત કરી હતી. વધુમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે દર્દીઓના બાથરૂમમાં પણ પાણી વ્યવસ્થા નથી જેથી મહિલા દર્દીઓને ખાસ વધુ યાતનાઓ વેઠવી પડે છે. મલ્ટી હોસ્પિટલ સરકાર તરફથી સર્જન, તબીબો તેમજ ન્યુરો સર્જનની ખાલી પડેલ જગ્યાઓ તાત્કાલીક ભરવામાં, વોર્ડ નં. 7 અને જૂના ગેઈટ સુધી રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી દરરોજ દર્દીઓ પડી જતા હોય છે, ઓપીડીની અંદર કેસ બારી, 10 નંબર લેબ, 9 નંબર ગાયનેક વિભાગ, દવા બારી તેમજ અન્ય ઓપીડી આવેલ હોવાથી એક જ સ્થળે લોકોની ભારે ભીડ જામતી હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે ગાયનેક તેમજ અન્ય ઓપીડી આર.એમ.ઓ. ઓફીસની બાજુમાં ખાલી પડેલ જગ્યામાં ફેરવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ કોઈ કાયમી સિવિલ સર્જન ન હોવાથી તાત્કાલિક ધોરણે સિવિલ સર્જન કાયમી આવે તેવી માંગ પણ ઉચ્ચારવામાં આવી છે.


