લોકસભામાં પેટ્રોલિયમના બફર સ્ટોક વિશે પૂછાયેલા પ્રશ્ર્નનો સરકારે રજૂ કર્યો જવાબ
દેશમાં પેટ્રોલિયમ બફર સ્ટોકની વિગતો પરના પ્રશ્ર્નના લેખિત જવાબમાં સરકારે ગુરુવારે લોકસભામાં જણાવ્યું હતું કે ભારત પાસે ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની કુલ સંગ્રહ ક્ષમતા 74 દિવસની છે. ટીએમસીના સાંસદ સૌગતા રોયે ગુરુવારે સરકારને પેટ્રોલિયમ બફર સ્ટોકની વિગતો અને એક વર્ષ માટે સ્ટોક પૂરતો છે કે કેમ? આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો, દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનની સ્થિતિ શુ થાય? તે વિશે પૂછ્યું હતું.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસના જુનિયર મંત્રી રામેશ્વર તેલીએ જવાબ આપતાં કહ્યું કે, ભારત લગભગ 5.3 મિલિયન ટનનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર જાળવી રાખે છે.જે લગભગ 9.5 દિવસની ક્રૂડ ઓઇલની જરૂરિયાતની સમકક્ષ છે. વધુમાં, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે હાલમાં 64.5 દિવસની ક્ષમતા છે. આમ દેશમાં કુલ 74 દિવસ ચાલે તેટલો જથ્થો સંગ્રહ રાખવામાં આવે છે.



