જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઑક્સિજન જનરેશન પ્લાન્ટનું લોકાર્પણ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ઝરીના ફાઉન્ડેશન અને આરએએફ-ઇન્ડિયાના નાણાકીય સહયોગથી ગુજરાતના જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં આરએએફના માનવીય કાર્યક્રમોના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી રહી છે. કોવિડ-19 સંક્રમણથી પીડિત દર્દીઓની સારવાર કરવા માટે જિલ્લા તંત્રને સહયોગ પૂરો પાડવાનો આ પહેલનો હેતુ છે. વિવિધ શહેરોમાં જિલ્લા સ્તરે જાહેર આરોગ્ય સેવા વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે આરએએફ પ્રતિબદ્ધ છે કે, જેથી સ્થાનિક સમુદાયના વધુને વધુ લોકો સ્થાનિક સ્તરે જ અસરકારક સારવાર પ્રાપ્ત કરી શકે છે. કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા પછી છેલ્લા ઘણા મહિનાઓથી, ભાગીદારોએ જિલ્લા હોસ્પિટલના પરિસરમાં વિશ્વ-કક્ષાના મેડિકલ ઑક્સિજન જનરેશન પ્લાન્ટની સુવિધા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.
ઉમેદઅલી હાસમ ધ્રોલિયાએ જૂનાગઢ જિલ્લાના લોકોને ભેટ આપેલા મેડિકલ ઑક્સિજન જનરેશન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું. રિઝવાન આડતિયાએ જણાવ્યું હતું કે, સંસ્થાનો વ્યાપક ઉદેશ્ય સમુદાય માટે બહેતર આરોગ્ય સંભાળ, શિક્ષણ અને આજીવિકાની તકોમાં સુધારો કરીને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. ઑક્સિજન જનરેશન પ્લાન્ટની આ ગિફ્ટ, જૂનાગઢ જિલ્લામાં જાહેર આરોગ્ય સંભાળના માળખાને મજબૂત કરવા અને સ્થાનિક સમુદાયની, ખાસ કરીને જેમને આરોગ્ય સંભાળ સેવાઓ પરવડતી નથી એવા ગરીબ દર્દીઓની એકંદર સુખાકારીમાં યોગદાન આપશે. જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.સુશીલ કુમારે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, આ મેડિકલ ઑક્સિજન જનરેશન પ્લાન્ટના ફળ સ્વરૂપે હોસ્પિટલમાં વધારાના 200 ઑક્સિજનયુક્ત બેડ (પથારી) બનશે અને આગામી 10 વર્ષ સુધી મહત્ત્વપૂર્ણ જીવન બચાવવાની હોસ્પિટલની ક્ષમતામાં વધારો થશે.


