વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓ-દીકરીઓનું કરાયું સન્માન
જૂનાગઢ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પ્રસંગે જૂનાગઢ જિલ્લાની ગૌરવવંતી 76 મહિલાઓનુ સન્માન બહુમાન કરી નારીશક્તિની વંદના કરવામાં આવી હતી. સાથે જ જૂનાગઢ શહેરના પ્રથમ નાગરિક ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા સહિતના કોર્પોરેટરો, જિલ્લા પંચાયત સભ્યો, વિવિધ સમિતિઓના ચેરમેનઓનું સ્ટેજ પર સ્થાન સાથે અદકેરૂ સન્માન આપવામાં આવ્યું હતું.
દર વર્ષે તા.8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે જેન્ડર ઈકવાલીટી ટુડે ફોર અ સસ્ટેનબેલ ટુમોરોની થીમ સાથે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે જૂનાગઢ જિલ્લાની 76 દિકરી-મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક, મંજુરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને, આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સનું, 181 અભયમ ટીમનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત જૂનાગઢ મનપા મેયરગીતાબેન પરમાર, પ્રમુખ શાંતાબેન ખટારિયાના હસ્તે નુતન આંગણવાડી નંદઘરનું લોકાપર્ણ યોજાયું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન કંચનબેન ડઢાણિયા, ખેતીવાડી અને પશુપાલન સમિતિના ચેરમેન નિર્મળાબેન બુસા, શિક્ષણ સમિતિના ચેરમેન મધુબેન સાવલિયા અને મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન લાભુબેન ગુજરાતી ,પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ,વત્સલાબેન દવે ભાવનાબેન હિરપરા, કનકબેન વ્યાસ મહિલા કોર્પોરેટર અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહયા હતા.


