ભવનાથ શિવરાત્રિનાં મેળામાં 8 લાખ ભાવિકો ઉમટ્યાં
- કાલે રવાડી નીકળશે, શાહીસ્નાન સાથે મેળો પૂર્ણ થશે
- ચાલુ વર્ષે મેળામાં ભાવિકોની સંખ્યા 12 લાખથી વધુ થવાનો અંદાજ
ભવનાથમાં શરૂ થયેલા શિવરાત્રિનાં મેળાના ચોથા દિવસે ભાવિકોની સંખ્યાનો આંકડો 8 લાખને વટાવી ગયો છે. આવતીકાલે શિવરાત્રિના દિગમ્બર સાધુઓની રવાડી નીકળશે અને ભવનાથ મંદિરે મૃગી કુંડમાં શાહીસ્નાન કરશે, બાદ મેળો પૂર્ણ થશે. બે વર્ષ કોરોનામાં બંધ રહેલ મેળો માણવા લોકો પહોંચી ગયા છે. સામાન્ય રીતે મેળાના પ્રથમ દિવસોમાં ટ્રાફિક જોવા મળતો નથી, પરંતુ ચાલુ વર્ષે પહેલાં દિવસથી જ ટ્રાફિક રહ્યો હતો. બપોર બાદ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. શિવરાત્રિનાં મેળાના ચાર દિવસમાં 8 લાખ કરતાં વધુ ભાવિકોએ મેળાની મોજ માણી છે. આ સંખ્યા હજુ વધવાની છે. ચાલુ વર્ષે મેળામાં 12 લાખ કરતાં વધુ ભાવિકો થવાનો અંદાજ છે. બીજી તરફ ટ્રાફિક વધતાં સાંજથી ભવનાથમાં તમામ વાહનને પ્રવેશ બંધ કરી દેવામાં આવે છે. લોકો ગીરનાર દરવાજા, ભરડાવાવથી ચાલીને ભવનાથ પહોંચે છે. આવતીકાલ મેળાનો અંતિમ દિવસ છે. કાલે મધ્યરાત્રિનાં ભવનાથમાં દિગમ્બર સાધુઓની રવાડી નીકળશે. ભવનાથ તિર્થક્ષેત્રમાં ફરી ભવનાથ મંદિરે પહોંચે છે. અહીં આવેલા મૃગી કુંડમાં શાહી સ્નાન કરશે. શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે.
કાલે પાંચ વાગ્યાથી લોકો રવાડીનાં રૂટ પર બેસી જશે
દિગમ્બર સાધુની રવાડીના દર્શન કરવાનું અનેરૂ મહત્ત્વ છે ત્યારે આવતીકાલે સાંજના પાંચ વાગ્યાથી લોકો રવાડીના રૂટની આસપાસ ગોઠવાઈ જશે.
- Advertisement -
કાલે બપોર બાદ વાહનને પ્રવેશ નહીં
શિવરાત્રિનાં દિવસે ભવનાથમાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે ત્યારે બપોર બાદ વાહનને પ્રવેશ નહીં મળે. જો કે ટ્રાફિક વધતાં આ નિર્ણય વહેલો પણ કરવામાં આવે તેવી શક્યતા છે.
જૂનાગઢ આવતાં વાહનમાં ભીડ
આજે સવારથી જૂનાગઢ તરફ આવતા તમામ પ્રકારના વાહનમાં ભીડ જોવા મળી હતી. બસ, ખાનગી બસ, ટ્રેન, રિક્ષાઓ ભરાઈ ભરાઈને આવતા હતાં.


