ગુજરાતમાં કોરોનાના નહીંવત કેસ હોય સરકાર કરી રહી છે વિચારણા
1 હજારથી વધુ લોકોને એકઠા થવાની મળી શકે છે મંજૂરી
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના સંક્રમણમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ હટાવવા અને કોરોના નિયંત્રણો હળવા કરવા માટે વિચારણા કરી શકે છે. મળતી જાણકારી પ્રમાણે, રાજ્યના મોટા શહેરોમાં આગામી 1 ડિસેમ્બરથી રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવી શકે છે, તો આ સાથે જ લગ્નની સિઝન ધીમે-ધીમે જામી રહી છે ત્યારે લગ્ન અને સામાજિક પ્રસંગોને લગતા નિયમોમાં છૂટછાટ મળી શકે છે. જો કે, વેક્સિનના 2 ડોઝ ન લેનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, 1 હજાર જેટલા લોકો ભેગા થવાની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવના નહીવત હોવાથી સરકાર નિયંત્રણો હટાવી શકે છે.
કદાચ દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે- રણદીપ ગુલેરિયા
આ દરમિયાન એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે કદાચ હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે. તેમણે કહ્યું કે આ વાતની આશંકા બહું ઓછી છે કે દેશમાં પહેલી અને બીજી લહેરની જેમ ત્રીજી લહેર આવશે. એટલું જ નહીં તેમણે કહ્યું કે જે રીતે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે રસીથી લોકોની રક્ષા થઈ રહી છે અને હાલમાં કોરોનાના બૂસ્ટર ડોઝની જરુર નથી. ICMRના ડિરેક્ટર ડો. બલરામ ભાર્ગવની પુસ્તક ‘ગોઈંગ વાયરલ : મેકિંગ ઓફ કોવૈક્સિન- ધ ઈનસાઈડ સ્ટોરી’ના લોન્ચિંગના પ્રસંગે તેમણે આ વાત કહી.
- Advertisement -



