રાજ્યમાં છેલ્લાં 21 દિવસમાં 13.96 લાખ લોકોએ એસ.ટી બસમાં મુસાફરી કરી, રોજની સરેરાશ 1.31 કરોડની કમાણી
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાના કેસો ઓછા થતાં સરકારે વધુ છુટછાટો આપતાં હવે ધંધા રોજગાર અને પ્રવાસન સ્થળો પણ ખુલી ગયાં છે. લોકો કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં પુરાયેલા હોય તેવી સ્થિતિમાંથી બહાર નીકળીને હરવા ફરવાની મોજમાં આવી ગયાં છે. ત્યારે ખાનગી બસોમાં ભાવ વધારાને લઈને લોકોમાં રાજ્યની એસટી બસો વધુ ફેવરિટ બની છે. છેલ્લા 21 દિવસમાં એસટી બસોમાં 13.96 લાખ લોકોએ મુસાફરી કરી છે. જેમાં રોજની સરેરાશ 1.31 કરોડની આવક એસટી નિગમને થઈ છે.
ગત વર્ષે કોરોનાના ડરને કારણે લોકોએ બીનજરૂરી મુસાફરી કરવાનું ટાળ્યું હતું. પરંતુ આ વખતે લોકો મનમુકીને બહાર ફરવા નીકળી પડ્યાં છે.
- Advertisement -
બીજી તરફ ખાનગી બસોને પણ ટક્કર મારે તેવા એસટી વિભાગના આયોજનોમાં ઓનલાઈન બુકિંગથી માંડીને લાંબા અંતરની સારી બસો શરૂ કરી હોવાથી હવે લોકો 300 થી 400 કિ.મી સુધીની મુસાફરી એસટી બસમાં કરતાં અચકાતા નથી.
ખાનગી બસોના સંચાલકોએ પેટ્રોલ ડિઝલના ભાવની આડમાં બસના ભાડામાં મોટો વધારો કરી દીધો છે. આ ઉપરાંત દિવાળીના તહેવારમાં પણ સૌથી વધુ ભાડુ વસૂલ્યું હતું. સામાન્ય રીતે 300થી 400 કિ.મીના રૂટની ખાનગી બસોની ટિકીટની કિંમત 450 રૂપિયા સુધીની હતી. જે દિવાળી દરમિયાન વધારીને 900 થી 1000 રૂપિયા સુધી કરી દેવામાં આવી હતી. બીજી તરફ ગુજરાત એસટી નિગમની બસોમાં આટલા જ અંતરની ટીકિટ 175થી 200 રૂપિયા સુધીની હતી. મંદી અને મોઘવારીનો માર સહન કરનાર લોકોએ ખાનગી બસની લકઝરી સુવિધા જતી કરીને એસટીમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું.
ખાનગી બસોના બેફામ ભાડા નહીં પોસાતા લોકો ગુજરાત સરકારની એસટી બસો તરફ વળ્યાં.
- Advertisement -



