આ અઠવાડિયે 16 દેશ સામે મોટા નિર્ણયની તૈયારી, ‘સસ્તાં માલ’ના આરોપ હેઠળ USની આકરી રણનીતિ
અમેરિકા ભારત, ચીન સહિત ૧૬ દેશોમાંથી આવતાં માલ પર આ જ અઠવાડિયે ટેરિફ વધારી શકે છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર ૧૧ માર્ચથી ચાલી રહેલી તપાસના પરિણામો જાહેર કરી શકે છે. અમેરિકાનો આરોપ છે કે આ દેશો સરકારી મદદથી જરૂરિયાત કરતાં વધુ માલનું ઉત્પાદન કરી રહ્યા છે અને તેને સસ્તા ભાવે વેચી રહ્યા છે. તેનાથી અમેરિકન કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.
આ તપાસ ૧૯૭૪ના અમેરિકન વેપાર કાયદા હેઠળ થઈ રહી છે. તેના આધારે અમેરિકા અન્ય દેશોના માલ પર વધારાનો ટેરિફ લાદી શકે છે. જોકે, ટેરિફના નવા દરો હજુ નક્કી થયા નથી. અમેરિકાએ આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ટેરિફનો દર ૫૦%થી ઘટાડીને ૧૮% કરી દીધો હતો. સાથે જ રશિયામાંથી તેલની આયાતને કારણે દંડ તરીકે લાદવામાં આવેલા ૨૫% ટેરિફને પરત ખેંચવાનો નિર્ણય પણ લીધો હતો. અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના કાર્યાલયે જુલાઈમાં વિદેશી સપ્લાય ચેઈનમાં બળજબરીથી મજૂરીને લઈને પણ તપાસ પૂર્ણ કરી હતી. કાર્યાલય મુજબ, આ મામલે અનેક વેપારી ભાગીદાર દેશો પર ૧૦થી ૧૨.૫% સુધીનો વધારાનો ટેરિફ લાદવામાં આવી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારને લઈને વાટાઘાટો ચાલી રહી છે. બંને દેશોએ ફેબ્રુઆરીમાં કરારની રૂપરેખા નક્કી કરી હતી, પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે લાદવામાં આવેલા ટેરિફ રદ કર્યા બાદ વાટાઘાટો ફરીથી શરૂ કરવી પડી. ભારત ઈચ્છે છે કે તેના માલસામાન પર અમેરિકન બજારમાં બાંગ્લાદેશ, વિયેતનામ અને કંબોડિયા જેવા સ્પર્ધાત્મક દેશોની સરખામણીમાં ઓછો ટેરિફ લાદવામાં આવે.



