બે વખત લેબ ટેસ્ટમાં સેમ્પલ ફેઈલ થયાં: FSSAIની લાલ આંખ
કંપનીએ કહ્યું, ‘આ મામલો ૧૪ મહિના જૂનો, સુરક્ષિત’
- Advertisement -
FSSAIએ જાણીતી કંપની ‘બિસ્લેરી ઇન્ટરનેશનલ’ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે, કારણ કે લેબ ટેસ્ટમાં કંપનીના પાણીનું સેમ્પલ અસુરક્ષિત જણાયું છે. હવે આ વિવાદ પર કંપનીની પ્રતિક્રિયા સામે આવી છે. કંપનીએ કહ્યું છે કે બિસ્લેરીનું પાણી પીવા માટે સુરક્ષિત છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ મામલો આશરે ૧૪ મહિના જૂનો છે. તેના જણાવ્યા અનુસાર, ‘આ સપ્ટેમ્બર ૨૦૨૫માં બનેલી પાણી એક બેચ સાથે જોડાયેલો છે, S જે ગોવામાં બિસ્લેરીની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં તૈયાર થઈ હતી. આ અમારા નેટવર્કના ૧૪૩ પ્લાન્ટમાંથી એક છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ FSSAI એ ગોવા ફેસિલિટીમાંથી સેમ્પલ લીધા હતા. શરૂઆતના ટેસ્ટિંગમાં ૫ સેમ્પલ તમામ માપદંડો પર ખરા ઉતર્યા હતા. છઠ્ઠા સેમ્પલમાં બ્રોમેટ ૧૨ માઇક્રોગ્રામ પ્રતિ લિટર મળ્યું હતું, જ્યારે નિર્ધારિત લિમિટ ૧૦ માઇક્રોગ્રામ પ્રતિ લિટર છે’ કંપનીએ આગળ કહ્યું, ‘૨૨ નવેમ્બર ૨૦૨૫ના રોજ બિસ્લેરીની અપીલ બાદ, FSSAIએ તે સેમ્પલને ફરીથી ટેસ્ટિંગ માટે રેફરલ લેબમાં મોકલ્યા હતા. રેફરલ લેબમાં સેમ્પલમાં બ્રોમેટ નિર્ધારિત લિમિટની અંદર જણાયું હતું અને અલગથી સેમ્પલમાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) હોવાની વાત કહેવામાં આવી હતી. બંને પરિણામોમાં તફાવત હોવાથી સવાલો ઊભા થયા હતા, જેના પર બિસ્લેરીને લાગ્યું કે સ્પષ્ટતા જરૂરી છે. બિસ્લેરીએ તે જ સેમ્પલનો FSSAI-અપ્રૂવ્ડ લેબમાં અલગથી ટેસ્ટ કરાવ્યો હતો. તે ટેસ્ટમાં પણ બ્રોમેટ નિર્ધારિત લિમિટની અંદર મળ્યું હતું.
કંપનીના જણાવ્યા અનુસાર, ‘ત્યારબાદ અમને FSSAI તરફથી કોઈ વધુ માહિતી મળી નથી અને અમને લાગ્યું કે મામલો બંધ થઈ ગયો છે. અત્યાર સુધી બિસ્લેરીને ઈમેલ કે હાર્ડ કોપીમાં કોઈ નોટિસ મળી નથી અને FSSAIની વેબસાઇટ પર પણ તે નોટિસ જોવા મળી નથી. પીવાના પાણીની સુરક્ષા બિસ્લેરી માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. અમે ૧૦ સ્ટેપવાળી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં ૯૦થી વધુ ટેસ્ટ સાથે કડક ક્વોલિટી કંટ્રોલ રાખીએ છીએ અને FSSAI સાથે મળીને યોગ્ય રેગ્યુલેટરી પ્રોસેસ દ્વારા આ મામલાનો ઉકેલ લાવતા રહીશું.’



