સ્વામિનારાયણ સંપ્રદાયના નામે છેતરપિંડીનો મામલો
સ્વામિનારાયણ મંદિર- વડતાલ સંસ્થાની સત્તાવાર સ્પષ્ટતાઃ વડતાલ મંદિરના ચોપડે રજિસ્ટર નોંધાયેલા ત્યાગી સંતો નથી
- Advertisement -
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં એમ.પી. સ્વામી (માધવપ્રિય સ્વામી) તથા ડી.પી. સ્વામી (દર્શનપ્રિય સ્વામી) દ્વારા વિવિધ સ્થળોએ અનેક વ્યક્તિઓ સાથે ગેરરીતિ અને છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપો વહેતા થયા છે. આ ઉપરાંત, સ્વામિનારાયણ સંપ્રદાયના નામનો ઉપયોગ કરીને અજાણી વ્યક્તિઓ સાથે પણ છેતરપિંડી થઈ હોવાની બાબતો સામે આવી છે. આ સમગ્ર વિવાદ અંગે સ્વામિનારાયણ મંદિર, વડતાલ દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે, એમ.પી. સ્વામી (માધવપ્રિય સ્વામી) અને ડી.પી. સ્વામી (દર્શનપ્રિય સ્વામી) વડતાલ મંદિરના ચોપડે રજીસ્ટર નોંધાયેલા ત્યાગી સંતો નથી, તેમજ વડતાલ સંસ્થા સાથે તેમનો કોઈ પણ પ્રકારનો અધિકૃત સંબંધ નથી.વડતાલ મંદિર સંસ્થા દ્વારા સમગ્ર સત્સંગ સમાજ, મીડિયા જગત અને જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ઉપરોક્ત વ્યક્તિઓ સંબંધિત કોઈપણ ગેરરીતિ, છેતરપિંડી કે અન્ય બાબતોમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ કે વડતાલ સંસ્થાનું નામ જોડવું નહીં. વધુમાં, જાહેર જનતાને કોઈપણ અનધિકૃત વ્યક્તિઓના નામે થતી પ્રવૃત્તિઓથી સાવચેત રહેવા અને સત્યતાની ખાતરી કર્યા વિના કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવા વિનંતી કરવામાં આવી છે




