લક્ષ્યાંક કરતાં ત્રણ ગણો વધુ 90 લાખનો ફાળો એકત્ર થયો : 50 હજારથી વધુનું યોગદાન આપનારા 29 દાતાઓનું સન્માન કરાયું
‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્ર કરવાની કામગીરીમાં રાજકોટ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગત વર્ષે નિર્ધારિત રૂ. ૨૫ લાખના લક્ષ્યાંકની સામે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ રાજકોટમાંથી રૂ. ૯૦ લાખ જેટલી માતબર રકમ એકત્ર થઈ હતી. આમ, તંત્ર અને સમાજના સહિયારા પ્રયાસોથી લક્ષ્યાંક કરતાં ત્રણ ગણો વધુ ફાળો એકત્ર થતા રાજકોટ જિલ્લાની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે.આ નોંધપાત્ર સફળતામાં રૂ. ૫૦ હજારથી વધુની રકમનો ફાળો આપનારી કુલ ૨૯ સંસ્થાઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી, જેમાં સરકારી કચેરીઓ તેમજ ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ અને જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવોના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી કમાન્ડર પવન કુમારે જવાનો અને તેમના પરિવારો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતી આ કામગીરીમાં યોગદાન આપનારા સૌને બિરદાવ્યા હતા અને જિલ્લા કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે, ડૉ. સુભાષ એકેડમી, જૂનાગઢે સૌથી વધુ રૂ. ૪૧ લાખનું દાન આપ્યું હતું. જ્યારે સરકારી કચેરીઓમાં સૌથી વધુ પોલીસ કમિશ્નર કચેરીએ રૂ. ૩ લાખનો ફાળો આપ્યો હતો. આ ઉપરાંત પી.જી.વી.સી.એલ.-સિટી, પી.જી.વી.સી.એલ.-રૂરલ, વેસ્ટર્ન રેલવે, એસ.આર.પી. ગ્રુપ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જી.એસ.આર.ટી.સી. પ્રાદેશિક કચેરી, કાર્યપાલક ઈજનેર કચેરી અને પોલીસ અધિક્ષક કચેરી સહિત અનેક સરકારી કચેરીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
- Advertisement -




