પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ દ્વારા આરોગ્યસેવાના ક્ષેત્રમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય શરૂ થશે
રાજનભાઈ વખારિયા અને પરિવાર સમગ્ર બાંધકામનો ખર્ચ દાનમાં આપશે; ‘શ્રીમતી મંજુલાબેન ભાઈલાલભાઈ વસાણી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ’નું ભવ્ય ભૂમિપૂજન સંપન્ન
- Advertisement -
હજારો દર્દીઓ માટે આશા અને માનવતાનું નવું કેન્દ્ર બનશે ‘શ્રીમતી મંજુલાબેન ભાઈલાલભાઈ વસાણી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ’
રાજકોટની સેવાભાવી સંસ્થા પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત પંચનાથ હોસ્પિટલ દ્વારા આરોગ્યસેવાના ક્ષેત્રમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે. ગરીબ, મધ્યમવર્ગીય અને જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાયુક્ત તથા પરવડે તેવી સારવાર મળી રહે તેવા ઉમદા હેતુ સાથે ટ્રસ્ટ દ્વારા નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. આ હોસ્પિટલનું ભૂમિપૂજન દાતા પરિવારના રાજનભાઈ વખારિયા તથા તેમના પરિવારજનોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. નવી હોસ્પિટલનું નામ ‘શ્રીમતી મંજુલાબેન ભાઈલાલભાઈ વસાણી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ’રાખવામાં આવશે. આ હોસ્પિટલના સમગ્ર બાંધકામનો ખર્ચ રાજનભાઈ વખારિયા અને તેમનો પરિવાર દાન સ્વરૂપે અર્પણ કરશે. આરોગ્યસેવા ક્ષેત્રે આટલું મોટું દાન આપીને દાતા પરિવારે સમાજસેવા, માનવતા અને પરોપકારની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ સમગ્ર સેવાકાર્યને સાકાર કરવામાં રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેમણે રાજનભાઈ વખારિયા અને તેમના પરિવારનો પંચનાથ ટ્રસ્ટ તથા પંચનાથ હોસ્પિટલ સાથે પરિચય કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, હોસ્પિટલની કામગીરી અને ખાસ કરીને ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવતી આરોગ્યસેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથોસાથ ટ્રસ્ટના વહીવટ અને કાર્યપદ્ધતિ અંગે પણ જરૂરી ખાતરી આપી હતી. આટલું મોટું દાન આપતાં પહેલાં દાતા પરિવારે સંસ્થાની વિશ્વસનીયતા, પારદર્શકતા અને કામગીરીની સંપૂર્ણ ખરાઈ કરી હતી. રાજનભાઈ વખારિયા અને તેમના પરિવારજનોએ પાંચથી વધુ વખત પંચનાથ હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલની વ્યવસ્થા, ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ, વહીવટી પદ્ધતિ અને દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આ તમામ મુલાકાતો અને તપાસ બાદ દાતા પરિવાર પંચનાથ હોસ્પિટલની પારદર્શક, વ્યવસ્થિત અને સેવાભાવી કાર્યપદ્ધતિથી પ્રભાવિત થયો હતો. ટ્રસ્ટના કાર્ય અને તમામ ટ્રસ્ટીઓ પર વિશ્વાસ વ્યક્ત કરીને સમગ્ર હોસ્પિટલના બાંધકામનો ખર્ચ દાનમાં આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.
- Advertisement -
આ સેવાકાર્યમાં હરસુખભાઈ દોશી, પૂર્ણિમાબેન દોશી, રેખાબેન વખારિયા, રાજભાઈ વખારિયા, નિશાંતભાઈ દોશી, હીરલબેન દોશી, કોમલબેન કુરાણી, તેજસભાઈ કુરાણી, ભાવનાબેન સાંગાણી, અનિલભાઈ સાંગાણી, પ્રજ્ઞાબેન સાંગાણી, વિજયભાઈ સાંગાણી, સ્મિતાબેન સાંગાણી અને હર્ષભાઈ સાંગાણી સહિતના પરિવારજનોનો સહયોગ અને સહભાગિતા બદલ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિશેષરૂપે હરસુખભાઈ દોશીએ પંચનાથ ટ્રસ્ટને આ સેવાકાર્યમાં મદદરૂપ થવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સેવાભાવના અને સહયોગ બદલ પણ ટ્રસ્ટ દ્વારા વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પંચનાથ હોસ્પિટલની સ્થાપના બાદ છેલ્લા સાડા પાંચ વર્ષમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હોસ્પિટલની સેવાઓ પર લોકોનો વિશ્વાસ વધતાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પરિણામે હાલની હોસ્પિટલની ઇમારત ઘણી વખત અપૂરતી સાબિત થાય છે અને દર્દીઓની ભીડને કારણે જગ્યાની સમસ્યા પણ ઊભી થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ સમયની અનિવાર્ય જરૂરિયાત બની ગયું હતું. હવે નવી હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થયા બાદ રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને પણ આધુનિક આરોગ્યસુવિધાઓનો લાભ મળી શકશે.
નવી હોસ્પિટલમાં વર્તમાન સમયની આરોગ્યસેવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તબીબી માળખું ઊભું કરવામાં આવશે. તેમાં જરૂરી અદ્યતન તબીબી સાધનો, વિવિધ નિષ્ણાત તબીબી વિભાગો અને દર્દીઓની સારવાર માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. નવી ઇમારતના નિર્માણથી તબીબો અને તબીબી સ્ટાફને વધુ સુવિધાજનક કાર્યપરિસર મળશે, જ્યારે દર્દીઓને સમયસર, સુવ્યવસ્થિત અને વધુ આરામદાયક વાતાવરણમાં સારવાર પૂરી પાડી શકાશે. હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ માત્ર વિશાળ ઇમારતનું નિર્માણ કરવાનો નથી, પરંતુ આધુનિક સુવિધાઓ સાથે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ગુણવત્તાયુક્ત અને પરવડે તેવી સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. રાજનભાઈ વખારિયા અને તેમના પરિવારની ઉદાર દાનભાવના, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની પહેલ, ટ્રસ્ટના ટ્રસ્ટીઓની નિષ્ઠા અને સમાજના સહયોગથી સાકાર થનારી આ હોસ્પિટલ આવનારા સમયમાં હજારો દર્દીઓ માટે આશા, સારવાર અને માનવતાનું કેન્દ્ર બનશે. નિઃસ્વાર્થ સેવાભાવના અને લોકસહયોગથી આરોગ્યસેવાના ક્ષેત્રે ઊભું થનારું આ નવું સોપાન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આશીર્વાદરૂપ બની રહેશે.
આ હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે સામાજિક, રાજકીય, ધાર્મિક, તબીબી અને સહકારી ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કિશોરભાઈ ત્રિવેદી, ડૉ. જિતેન્દ્ર અમલાણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ધારાસભ્ય રમેશભાઈ તિલાળા, રાજકોટના પૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરી, ડૉ. હેમંગભાઈ વસાવડા, નીતિનભાઈ ભારદ્વાજ, GRSE બંગાળના ડિરેક્ટર કમલેશભાઈ મિરાણી, રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSB)ના ચેરમેન દિનેશભાઈ પાઠક, અજયભાઈ બગડાઈ, અંજલિબેન, હસુભાઈ દવે તથા RSSના મહાનગર કાર્યવાહ આશિષભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય ભૂમિપૂજન કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચનાથ ટ્રસ્ટના સેક્રેટરી મયૂરભાઈ શાહે અથાગ પરિશ્રમ અને ઝીણવટભર્યું આયોજન કર્યું હતું. તેમની સાથે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અનિલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, નીરજભાઈ પાઠક, ડૉ. રવિરાજ ગુજરાતી, નિખિલભાઈ મહેતા, સંદીપભાઈ ડોડીયા અને નારણભાઈએ પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી ડી. વી. મહેતાએ કર્યું હતું, જ્યારે અંતમાં આભારવિધિ ટ્રસ્ટના સેક્રેટરી મયૂરભાઈ શાહે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંત્રમ વછરાજાની, કેતનભાઈ પંચોલી, મનુભાઈ ધાંધા, નેહલબેન, જય ઉડાણી, કૌશિકભાઈ ચાવડા, કીર્તિભાઈ ગોહેલ, દર્શનભાઈ પેંગ્યાતર,જોહરભાઈ અને ઇબ્રાહિમભાઈએ આપેલા સહયોગ બદલ ટ્રસ્ટે તેમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત સન્ડે સ્ટારના સભ્યો, ગુર્જર સુથાર સમાજની મહિલા સભ્યો અને પ્રમુખ રસિકભાઈ બદ્રકિયા, વોરા સમાજના અગ્રણીઓ, સર્વેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, મારુતિ વાન એસોસિએશન, બેન્કર્સ ક્લબ તેમજ મારવાડી કોલેજ અને આર.કે. કોલેજના મેડિકલ વિદ્યાર્થીઓએ આપેલા સહયોગ અને સહભાગિતા બદલ ટ્રસ્ટે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
માત્ર સાડા પાંચ વર્ષના ટૂંકા ગાળામાં પંચનાથ હોસ્પિટલની શરૂઆતથી લઈને બીજી નવી હોસ્પિટલ બનાવવાની તક મળશે, તેની કલ્પના પણ મેં ક્યારેય સ્વપ્નમાં કરી નહોતી. : દેવાંગભાઈ માંકડ
ભૂમિપૂજન પ્રસંગે પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડે દાતા રાજનભાઈ વખારિયા અને તેમના સમગ્ર પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ નવી હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છના હજારો જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે અને તેમને આધુનિક તબીબી સુવિધાઓનો લાભ મળશે. “આ સમગ્ર ઘટનાને હું પંચનાથ મહાદેવના ચમત્કાર અને આશીર્વાદથી ઓછી માનતો નથી. જન્માષ્ટમીના દિવસે રાજનભાઈ વખારિયા અને તેમનો પરિવાર પંચનાથ હોસ્પિટલ સુધી પહોંચ્યા અને આટલું મોટું સેવાકાર્ય કરવાનું નિમિત્ત બન્યું. આ સમગ્ર ઘટનામાં ઉદયભાઈ કાનગડની પહેલ અને પ્રયત્નો અત્યંત મહત્વપૂર્ણ રહ્યા છે.” માત્ર સાડા પાંચ વર્ષના ટૂંકા ગાળામાં પંચનાથ હોસ્પિટલની શરૂઆતથી લઈને બીજી નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની તક મળશે, તેવી કલ્પના પણ મેં ક્યારેય સ્વપ્નમાં કરી નહોતી. આજે રાજનભાઈની ઉદારતા અને ઉદયભાઈના પ્રયત્નોથી આ શક્ય બની રહ્યું છે.” તેમણે ઉદયભાઈ કાનગડને પંચનાથ ટ્રસ્ટના સાચા મિત્ર અને માર્ગદર્શક ગણાવ્યા હતા. દેવાંગભાઈએ લાગણીપૂર્વક જણાવ્યું હતું કે તેઓ પોતે અને પંચનાથ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ ઉદયભાઈ કાનગડના આ સહયોગ અને સતત માર્ગદર્શન માટે જીવનભર ઋણી રહેશે. ખાસ કરીને રાજનભાઈ વખારિયા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમણે માત્ર સંસ્થાને મોટું દાન આપ્યું નથી, પરંતુ પંચનાથ ટ્રસ્ટની કાર્યપદ્ધતિ, તેના સેવાભાવી અભિગમ અને તમામ ટ્રસ્ટીઓની નિષ્ઠા પર પણ વિશ્વાસ મૂક્યો છે.
સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાથી મળતો સંતોષ કોઈપણ ભૌતિક સુખ કરતાં વિશેષ હોય છે : ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ
પંચનાથ ટ્રસ્ટના સેવાકાર્યમાં સહયોગ આપવા ખાસ અમેરિકા ખાતેથી પધારેલા રાજેન્દ્રભાઈ અને તેમનાં પત્ની રેખાબેનનો ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, પોતાને પણ આ સેવાકાર્યમાં નિમિત્ત બનાવનારા ચેન્નાઈમાં વિશાળ વ્યવસાય ધરાવતા અને મૂળ જેતપુરના વતની એવા હર્ષુકાકા અને પૂર્ણિમાબેન તેમજ નિશાંતભાઈ અને તેમના સમગ્ર પરિવાર પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ભારતીય સંસ્કૃતિની મહાજન પરંપરાનું મહત્ત્વ સમજાવતાં ઉદયભાઈએ જણાવ્યું હતું કે આપણી સનાતન સંસ્કૃતિની પરંપરાઓ આપણા ડીએનએમાં જ વણાયેલી છે. ભારતીય સંસ્કૃતિમાં મહાજન પ્રથાનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. મહાજન પ્રથા એટલે જનભાગીદારી, જે વર્ષોથી ચાલી આવતી આપણી સમૃદ્ધ અને ગૌરવશાળી પરંપરા છે. રાજાશાહીના સમયમાં પણ મહાજનો સમાજના હિત અને કલ્યાણ માટે આગળ આવતા હતા. ક્યાંક ગૌસેવા માટે પાંજરાપોળની સ્થાપના કરાવતા તો ક્યાંક સમાજના ઉત્થાન અને કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરતા હતા. ત્યારે રાજેન્દ્રભાઈ અને તેમના પરિવારે પંચનાથ ટ્રસ્ટને સહયોગ આપીને ભારતીય સંસ્કૃતિની આ મહાન મહાજન પરંપરાને આગળ વધારવાનું ઉમદા કાર્ય કર્યું છે. જ્યારે આપણે સેવા માટે હાથ લંબાવીએ છીએ અને આપણો હાથ સમાજના જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ વધે છે, ત્યારે જે આનંદ, આત્મસંતોષ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે તે ખરેખર અદભુત હોય છે. સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાથી મળતો સંતોષ કોઈપણ ભૌતિક સુખ કરતાં વિશેષ હોય છે. પ્રવચનના અંતમાં ઉદયભાઈ કાનગડે પંચનાથ ટ્રસ્ટને દાતા રાજેન્દ્રભાઈ તરફથી આટલું મોટું અનુદાન પ્રાપ્ત કરાવવામાં પોતે નિમિત્ત બની શક્યા તે બદલ પંચનાથ મહાદેવને વંદન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
પંચનાથ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ જોઇ હું ખૂબ જ પ્રભાવિત થયો છું : દાતા રાજનભાઈ વખારિયા
હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે અનુદાનદાતા રાજનભાઈએ જણાવ્યું હતું કે તેઓ મૂળ રાજકોટના જ વતની છે. તેમનો જન્મ પણ પંચનાથ મહાદેવ મંદિરથી ખૂબ જ નજીક આવેલા પંચનાથ વિસ્તારમાં થયો હતો. વર્ષ 1977માં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં તેમણે સરકારના વિવિધ વિભાગોમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. તેમણે જણાવ્યું કે પંચનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની મુલાકાત લઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા છે. જરૂરિયાતમંદ લોકો માટે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી નિઃસ્વાર્થ સેવાઓ ખરેખર સરાહનીય છે. અંતમાં તેમણે પંચનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી તેમના આશીર્વાદ સાથે તેમણે હોસ્પિટલના ભૂમિપૂજનની વિધિ સંપન્ન કરી હતી.



