શાપર પોલીસે હત્યા પાછળનું કારણ જાણવા આરોપીને સકંજામાં લઇ તપાસ હાથ ધરી : ત્રણ સંતાનો પિતા વિહોણા બન્યા
રાજકોટ જીલ્લાના શાપર વેરાવળમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે અહીં રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ બિહારના યુવાનને સાથે જ રહેતાં અને સાથે કામ કરતાં બિહારી શખ્સ સાથે કારખાનાની છત ઉપર દારૂ પીવા બાબતે ડખ્ખો થયા બાદ તેને લોખંડની લોઢી, લાકડાના ધોકા અને પતરાના ચુલાના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી છે શાપર પોલીસે ગુનો દાખલ કરી આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મુળ બિહારનો અને હાલ શાપરમાં સુહાની એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામ કરી ભાડાની ઓરડીમાં છ મહિનાથી રહેતો ગુડુ બાલકદાસ મહંતો ઉ.28ની લાશ સુહાની એન્જીનીયરીંગ નામના કારખાનાની છત ઉપરથી લોહીભીની હાલતમાં મળી આવતા કારખાનામાં કામ કરતા શ્રમિકો અને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં શાપર પોલીસ પણ પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી મૃતદે પર ઇજાના નિશાનો જોવા મળતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો પોલીસે આ બનાવમાં હત્યાનો ભોગ બનનાર ગુડુના કુટુંબી ભાઇ બહાદુર સુભાષ મહંતોની ફરિયાદ પરથી આરોપી મૂળ બિહારના હાલ શાપરમાં રહેતા ધીરજકુમાર ભલન તાંતી સામે હત્યાનો ગુનો નોંધી સકંજામાં લીધો છે. હત્યાનો ભોગ બનનાર ગુડુ પાંચ ભાઇ બે બહેનમાં બીજા નંબરે હતો. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. શાપર પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સાંજે ગુડુ અને ધીરજકુમાર વચ્ચે સુહાની કારખાનાની છત પર દારૂ પીવા બાબતે કે બીજા કોઈ કારણે બોલાચાલી થયા બાદ મારામારી ઝપાઝપી થઇ હતી જેમાં ઉશ્કેરાયેલા ધીરજકુમારે ત્યાં પડેલી રોટલી બનાવવાની લોખંડની લોઢી, પતરાનો ચુલો તેમજ લાકડાના ધોકાના આડેધડ ઘા ફટકાર્યા હતાં અને હત્યા નિપજાવી હતી બનાવને પગલે શાપરના ઇન્ચાર્જ પીઆઇ આઇ. એમ. સરવૈયા, એએસઆઇ મુકેશભાઇ સહિતે ગુનો નોંધી વધુ આરોપી ભાગી જાય તે પૃર્વે જ ઝડપી લીધો હતો અને તપાસ હાથ ધરી હતી હત્યાનો ભોગ બનનારની પત્નિ ચારેક દિવસ પહેલા જ લગ્ન પ્રસંગે બિહાર ગઇ હોઇ તેને ઘટનાની જાણ કરવામાં આવી છે. હત્યાને પગલે ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં શ્રમિક પરિવારમાં શોક વ્યાપી ગયો છે.



