બાંભણિયાએ કહ્યું- પાટીદાર આંદોલનથી CM તરીકે ગુમાવ્યાનો વસવસો
૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ અલગ અલગ સમાજના રાજકીય નિવેદનો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક નિવેદન સામે આવ્યું છે. રાજકોટ જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે ગઈકાલે(૧૬ નવેમ્બર) સમસ્ત પાટીદાર પરિવારનું ભવ્ય સખી સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં દિનેશ બાંભણિયાએ જાહેરમાં કબૂલ્યું કે, પાટીદાર આંદોલનથી આનંદીબેનને CM તરીકે ગુમાવ્યા તેનો વસવસો છે. તો સામે અનાર પટેલે કહ્યું કે, દિનેશભાઈને ખાસ કહીશ કે કોઈ પણ વાતનું દુઃખ રાખવાની જરૂર નથી, મમ્મીના હૃદયમાં કશું પણ નથી, બહુ ઝડપથી તમને મળાવીશ. સમારોહમાં બાંભણિયાએ કહ્યું કે, હું ઘણા લાંબા સમયથી એટલે કે ૧૦ વર્ષથી વિચારી રહ્યો હતો અને રોજ એક વાતનો વિચાર આવે કે પાટીદાર આંદોલનથી ઘણું બધું મળ્યું. ૧૦% અનામત, EWS અને યુવાનોને નોકરી મળી પણ અમે એક સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા એનો આજે પણ રંજ છે અને દિલથી એટલું બધું દુઃખ થાય છે કે આવા સારા મુખ્યમંત્રીને હટાવવા માટે કે એને દૂર કરવા માટે અમે આંદોલનકારીઓ એક બહાનું બન્યા. સૌ સમજે છે કે શું કારણ હતું, શું કામ આનંદીબેનને હટાવાયા, પણ આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માગુ છું. મને કોઈ વસ્તુની તકલીફ નથી.
‘દરેક સમાજ પોતાના સમાજની વાત કરતો હોય છે. રાજકીય અસ્તિત્વ, રાજકીય પ્રતિનિધિત્વ એ અલગ-અલગ રીતે ઘણા બધા લેખાજોખા પછી થતું હોય છે. પણ આજે આ સામાજિક મંચથી સમાજના લોકોને એક સંદેશ આપવા માગુ છું, એક વિનંતી કરવા માગું છું કારણ કે અમે જે છેલ્લા ૧૦ વર્ષથી કે આગળના વર્ષોમાં જે ભોગવ્યું છે ને હજી પણ આગળ જતાં જે ભોગવવાનું છે. એનો ભોગ સમાજ ન બને એટલા માટે કંઈ પણ પ્રકારની તકેદારી રાખવા માટે હું આ તકેથી વિનંતી કરું છું. પાટીદાર આંદોલનના સભ્યો અને તમામ લોકોએ સમગ્ર ગુજરાતે ખૂબ જ મહેનત કરી અને ઘણી બધી લાઠીચાર્જ સહીને જે કંઈ આપડી ઉપર વિઘ્નો થયા એમાં ૧૦% અનામતની જોગવાઈ થઈ. આજે એના લીધે ઘણા બધા અધિકારીઓ છે.’
- Advertisement -
અમિત શાહ અને બેનને બનતું ન હતું એટલે તેને હટાવાયા: મનોજ પનારા
મનોજ પનારાએ જણાવ્યું કે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની વાત મારાં સાથી મિત્રએ કરી છે. આંદોલનકારીઓની વાત સમાજ હિત માટે હતી અને એનો લાભ સમાજને ચોક્કસ મળ્યો જ છે. આંદોલનમાં અમારી કોઈ માગ ન હતી કે મુખ્યમંત્રી પદેથી બેનને હટાવવામાં આવે. બેનને હટાવાયા એ ભાજપનું ઇન્ટર્નલ પોલિટિક્સ હતું. અમિત શાહ અને બેનને બનતું ન હતું એટલે તેને હટાવાયા છે. જૂથવાદનો પુરાવો એ પણ છે કે નીતિન પટેલના બદલે રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા. બેનને આંદોલનના કારણે હટાવવાની વાતો પાયા વિહોણી છે.
ભાજપ રહેશે અને પાટીદાર નેતાઓ પતી જશે : લાલજી પટેલ
SPGના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે, હું પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા તમામ આગેવાનોને વારંવાર ૧૧ વર્ષ પહેલા કહેતો હતો. કે તમે ભાજપની નીતિઓનો વિરોધ કરો ભાજપનો વિરોધ કરો પણ પાટીદાર નેતાનો શા માટે વિરોધ કરો છો? ભાજપ તો તમે અત્યારે જુઓ કે ગુજરાતમાં પણ અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. હું એ ટાઈમે એવું કહેતો હતો કે તમે ભાજપની નીતિઓનો વિરોધ કરો પાટીદાર નેતાનો વિરોધ ના કરો ભાજપ રહેશે અને પાટીદાર નેતાઓ પતી જશે.



