8 મહિના બાદ સેન્સેક્સે 80,000ની સપાટી વટાવીઃ રોકાણકારો ખુશખુશાલ
શેરબજારમાં ધનતેરસથી જ તહેવારોની ઉજવણીનો માહોલ શરૂ થઇ ગયો છે ત્યારે ધનતેરસે જ શેરબજારમાં દિવાળી જેવો માહોલ દેખાયો. સેન્સેક્સ ગઈકાલના ૨૦૦0 પોઈન્ટના ઉછાળા બાદ આજે ફરી એકવાર ૯૦૦ થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૦૦૦ના લેવલને ક્રોસ કરી ગયું. ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિત દુનિયાભરના બજારમાં ભારે ઉથલપાથલની સ્થિતિ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં વૈશ્વિક પરિસ્થિતિઓની કોઈ અસર દેખાઈ નથી. ગઈકાલે સેન્સેક્સનું ક્લોઝિંગ ૭૯,૩૧૦.૦૧ રહ્યું હતું. જ્યારે આજે તે ૭૯,૪૧૩.૬૬ ના લેવલે ખુલ્યું હતું. જોકે FII તરફથી ફુલ ખરીદી કરવામાં આવતા સેન્સેક્સ ફરી એકવાર રોકેટ ગતિએ ૮૦,૦૪૪.૬૭ ના હાઈ લેવલે પહોંચી ગયું હતું. એક સમયે બજાર ખુલતાં સેન્સેક્સમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી હતી અને તે ૭૯,૦૧૬.૦૫ ના નીચલા લેવલે પણ પહોંચ્યું હતું પરંતુ સમાચાર લખવા સુધીમાં સેન્સેક્સ ૪૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯,૭૮૫.૨૧ ના લેવલે ટ્રેડ થઈ રહ્યું હતું. જોકે આજે સેન્સેક્સમાં કુલ ઉછાળો તો ૭૩૪ પોઈન્ટનો રહ્યો હતો. જ્યારે બીજી બાજુ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ ઉથલપાથલ જોવા મળી. નિફ્ટીનું ગઈકાલનું ક્લોઝિંગ ૨૪,૫૩૬.૬૦ રહ્યું હતું. જે એક સમયે ગગડીને ૨૪,૩૮૮.૦૫ ના લેવલે પહોંચી ગઈ હતી. જે ૧૫૦ પોઈન્ટનો કડાકો દર્શાવે છે. ત્યારબાદ નિફ્ટીએ પણ જોરદાર રિકવરી બતાવતા ૨૪,૭૦૨.૬૦ પોઈન્ટના લેવલે પહોંચી ગઈ હતી. હાલમાં સમાચાર લખવા સુધીમાં નિફ્ટી ૨૪,૬૧૭.૭૦ ના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીમાં આજે કુલ ૧૬૬ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.



