પત્નીના પરિવારની દખલથી નારાજ હતો આરોપીઃ 7 વર્ષના બાળકને પણ ન છોડ્યો
કર્ણાટકની રાજધાની બેંગલુરમાંથી એક અત્યંત હચમચાવનારી અને રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. કૌટુંબિક વિવાદની અદાવતમાં એક ક્રૂર કેબ ડ્રાઇવરે પત્ની સહિત તેના પરિવારના કુલ ૭ સભ્યોને એક પછી એક મોતને ઘાટ ઉતારી દીધા. આ નરસંહારમાં આરોપીએ ૭ વર્ષના માસૂમ બાળકને પણ છોડ્યો ન હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને આ ભયાનક હત્યાકાંડનો ભાંડો ફોડયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી ઇન્દુશેખર બેંગલુરુનો રાજાજીનગર વિસ્તારમાં બશમ સર્કલ પાસે રહે છે અને વ્યવસાયે કેબ ડ્રાઇવર છે. તેના લગ્ન ૨૦ વર્ષ પહેલાં સુનીતા સાથે થયા હતા. લગ્નજીવનની શરૂઆતથી જ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ કલેશમાં સુનીતાના ઘરના સભ્યો પણ હસ્તક્ષેપ કરતા હતા, જે વાત, ઇન્દુશેખરના મનમાં ખૂંચતી હતી. તેને લાગતું હતું કે તેના સાસરિયાઓ તેની પત્નીને તેના વિરુદ્ધ ભડકાવી રહ્યા છે. આ રોષમાં તેણે સમગ્ર પરિવારને ખતમ કરવાનું મોટું કાવતરું ઘડ્યું હતું.
આરોપીએ ખૂબ જ ચાલાકીથી અને ઠંડા કલેજે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. તેણે સૌથી પહેલાં પોતાની પત્ની સુનીતાની હત્યા કરી નાખી અને તેનો મૃતદેહ નંદી હિલ્સ લઈ જઈને ફેંકી દીધો હતો. ત્યારબાદ તેણે પોતાના બે સાળાઓ શિવકુમાર અને શંકરને ઘરમાં પાર્ટીના બહાને બોલાવ્યા અને મોકાનો લાભ લઈને બંનેને પતાવી દીધા. આટલું જ નહીં, ત્યારબાદ સાસુ રૂપવતી, ભાભીઓ દિવ્યા અને નલિનીને પણ જુદા જુદા બહાના બનાવીને ઘર પર બોલાવવામાં આવ્યા અને ઘરમાં જ રાખેલા ભારે સિલબટ્ટા (ગ્રાઇન્ડિંગ સ્ટોન) થી ફટકારીને તમામની નિર્દયતાપૂર્વક તેમની હત્યા કરી નાખી. આરોપીએ શિવકુમારના ૭ વર્ષના માસૂમ પુત્ર પુનીતને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ પુરાવા મિટાવવા માટે તેણે ઘરની સાફ-સફાઈ કરી હતી અને કેમિકલનો ઉપયોગ કરીને લોહીના ડાઘ તથા હથિયાર સાફ કરી નાખ્યા હતા.



