લાભ પાંચમથી રાજકોટના રસ્તાઓ થશે ચકાચક: 170 કરોડના ખર્ચે 136 કિ.મી.ના નવા ડામર રોડ બનશે
7.52 કરોડના સફાઈ વાહનની અને ગંજીવાડામાં બાથરૂમના કામની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં નામંજૂર
- Advertisement -
સ્માર્ટ સિટીમાં ફાયર સ્ટેશન બનાવવા તથા સફાઈ કામદારોને તબીબી સહાય ચૂકવવા સહિતની કુલ 15 દરખાસ્ત પેન્ડિંગ
તિરંગા યાત્રાનો 1.85 અને દિવાળી ઉત્સવ માટે 35 લાખનો ખર્ચ મંજૂર
ધનતેરસના પાવન પર્વે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મળેલી આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે રજૂ થયેલી ૪૪ દરખાસ્તો પૈકી ૨૯ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, જેના અંતર્ગત કુલ ૨૦૪.૭૯ કરોડના વિકાસકામો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેમાં સૌથી મહત્વનો નિર્ણય દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ એટલે કે લાભ પાંચમથી શહેરના ત્રણેય ઝોનમાં ૧૭૦.૮૦ કરોડના ખર્ચે ૩૬ કિ.મી. લંબાઈના ડામર રોડ, પેવર અને પેચવર્કના કામો યુદ્ધના ધોરણે શરૂ કરવાનો લેવાયો છે. આ બેઠકમાં ૨ દરખાસ્તો નામંજૂર કરવામાં આવી હતી, જ્યારે કર્મચારીઓની તબીબી સહાય અને ફાયર સ્ટેશન સહિતની ૧૩ દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે.ચોમાસા બાદ શહેરના બિસ્માર બનેલા માર્ગોના નવીનીકરણ માટે મેયરશ્રીની રજૂઆત અન્વયે તમામ વોર્ડમાં ડામર રોડ, પેવર અને પેચ કામ હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણેય ઝોનમાં ₹૧૭૦.૮૦ કરોડના ખર્ચે કુલ ૧૨૭.૧૪ કિ.મી.ના રસ્તાઓ તૈયાર કરવામાં આવશે. જેમાં સૌથી વધુ ઇસ્ટ ઝોનમાં ₹૭૮.૧૮ કરોડના ખર્ચે ૫૬.૪૭ કિ.મી. લંબાઈના રસ્તાઓનું કામ હાથ ધરાશે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં ₹૫૫.૪૩ કરોડના ખર્ચે ૫૪.૮૭ કિ.મી. તથા વેસ્ટ ઝોનમાં ₹૩૭.૧૯ કરોડના ખર્ચે ૧૫.૮૦ કિ.મી. લંબાઈના ડામર રોડ તૈયાર થશે. આ તમામ કામગીરી લાભ પાંચમથી તબક્કાવાર શરૂ કરી દેવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલા અન્ય મુખ્ય કામોમાં વોર્ડ નં. ૧૮માં કોઠારીયા મેઇન રોડ પર રણુંજા મંદિર પાસે ₹૧૭.૫૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવા તેમજ વોર્ડ નં. ૪માં ઓમ પાર્ક મેઈન રોડ પર ₹૨.૮૩ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય માર્ગોની રાત્રિ સફાઈ માટે ૧૨ મિકેનિકલ સ્વીપિંગ મશીનના ૩ વર્ષના ઓ. એન્ડ એમ. માટે ₹૧૧.૦૦ કરોડનો રેટ કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો છે. સાથે સાથે શહેરમાં સફાઈ કામગીરી સાથે જોડાયેલા સખીમંડળો અને મિત્રમંડળોના સભ્યોની દૈનિક ગ્રાન્ટ ૧૮૦થી વધારીને પ્રતિ દિન ૨૫૦ કરવામાં આવી છે. અન્ય કામોમાં સેન્ટ્રલ અને ગાર્ડન લાઇટિંગ માટે ૫.૭૨ કરોડ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોના નિભાવ માટે ₹૧.૭૬ કરોડ અને મનપાના વિવિધ બિલ્ડીંગોના એસી/વોટર કૂલર માટે ૯૬.૭૬ લાખના રેટ કોન્ટ્રાક્ટ મંજૂર કરાયા છે. તેમજ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની વાર્ષિક આર્થિક સહાય ૧૦ લાખથી વધારી ૧૫ લાખ કરવામાં આવી છે અને ગુરૂ ગોવિંદસિંહ હોલ ટોકન દરે ફાળવાયો છે.બીજી તરફ, કમિટી દ્વારા ૨ મહત્વની દરખાસ્તોને નામંજૂર કરવામાં આવી હતી. જેમાં ૧૫મા નાણાપંચ હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે ₹૭.૫૨ કરોડથી વધુના ખર્ચે ૩ ટ્રક માઉન્ટેડ મિસ્ટ કેનન વાહનોની ખરીદી અને તેના ૫ વર્ષના ઓ. એન્ડ એમ.ની દરખાસ્ત (દરખાસ્ત નં. ૫) તથા વોર્ડ નં. ૧૫માં ગંજીવાડા પીટીસી રોડ પર માઠા પ્રસંગ માટે ₹૧૭.૮૪ લાખના ખર્ચે બાથરૂમ બનાવવાના કોન્ટ્રાક્ટની દરખાસ્ત (દરખાસ્ત નં. ૨૮) ફગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં. ૧માં સ્માર્ટ સિટી ટી.પી. સ્કીમ નં. ૩૨ (રૈયા) ખાતે ₹૧૭.૧૨ કરોડના ખર્ચે બનનારા આધુનિક ફાયર સ્ટેશનની દરખાસ્ત (દરખાસ્ત નં. ૪) તેમજ વિવિધ શાખાના કર્મચારીઓની આર્થિક તબીબી સહાય અંગેની ૧૨ દરખાસ્તો (દરખાસ્ત નં. ૭થી ૧૬, ૨૯ અને ૩૪) મળીને કુલ ૧૩ દરખાસ્તો નિર્ણય વિના પેન્ડિંગ રાખવામાં આવી છે.
- Advertisement -
20.33 કરોડના ખર્ચે રણુંજા મંદિર અને ઓમ પાર્ક રોડ પર નવા બ્રિજ બનશે
રાજકોટમાં ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. વોર્ડ નં. ૧૮માં કોઠારીયા મેઇન રોડ પર રણુંજા મંદિર પાસે ૧૭.૫૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવા તેમજ વોર્ડ નં. ૪માં ઓમ પાર્ક મેઈન રોડ પર ₹૨.૮૩ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે.
રાત્રિ સફાઈ માટે 12 મિકેનિકલ સ્વીપિંગ મશીનના 11 કરોડનો રેટ કોન્ટ્રાક્ટ મંજૂર
સખીમંડળો અને મિત્રમંડળોના સભ્યોની દૈનિક ગ્રાન્ટ ૧૮૦થી વધારીને પ્રતિ દિન ૨૫૦ કરાઈ
મનપા હસ્તકના વાહનો માટે ટેન્ડર અંદાજ કરતાં ૨૦% ઓછા ભાવે ટાયર-ટ્યુબ-ફ્લેપ ખરીદાશે
વોર્ડ નં. ૦૩માં ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટે ૪૬ લાખનો કોન્ટ્રાક્ટ મંજૂર
વોર્ડ નં-૧૬માં 24 લાખના ખર્ચે નવી આંગણવાડી બનશે
વોટર મેનેજમેન્ટના ઉપયોગ માટે 13 લાખના ખર્ચે એક નવી ગાડી ખરીદાશે
વોર્ડ નં-15માં 84 લાખના ખર્ચે ટોઈલેટ બ્લોક બનશે
રામવન પાસે 20 લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનશે
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનને અપાતી સહાય 10 લાખથી વધારી 15 લાખ કરાઈ




