માલવીયાનગર પોલીસ દ્વારા સૂત્રધાર આયોજકની પૂછતાછ : બે બોટલ પિતરાઈ ગૌરવ પટેલ લઈને આવ્યો હતો
રાજકોટમાં કાલાવાડ રોડ પર આવેલી હોટલ સરાઝામાં હાઈપ્રોફાઈલ મહેફિલ માણતા 33 મહિલાઓ સહિત 76 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરી 38 આરોપીઓની દારૂ પીવાના ગુનામાં ધરપકડ કરી છે આ હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ અંગે માલવિયા નગર પોલીસે તપાસ કરતા બહાર આવ્યું હતું કે, આ સમગ્ર પ્રકરણના સૂત્રધાર અને ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલ પાર્ટી માટે રાજસ્થાનથી દારૂની 9 બોટલ લઈને આવ્યા હતા. જ્યારે અન્ય બે બોટલ તેનો પિતરાઈ ભાઈ ગૌરવ પટેલ સાથે લઈને પાર્ટીમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કાલાવાડ રોડ પરની હોટલ સરાઝામાં પાર્ટી થતી હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી તપાસ કરી હતી. જેમાં ડેકોરા ગ્રૂપના માલિક ચિરાગ પટેલે પોતાના જન્મદિનની એડવાન્સમાં આ પાર્ટીનું આયોજન કર્યાનું બહાર આવ્યું હતું. પોલીસે ચિરાગ પટેલ સહિત ૭૬ લોકોની અટકાયત કરી હતી બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ બાદ કુલ 38 સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી અને દારૂની ખાલી તથા ભરેલી મળી કુલ 11 બોટલો કબજે કરવામાં આવી હતી. આ ચકચારી બનાવ અંગે માલવિયા નગર પોલીસ સ્ટેશનના પીઆઈ કૈલા સહિતના સ્ટાફે દારૂની બોટલો ક્યાંથી આવી અને મેડિકલ રિપોર્ટ અંગેની તપાસ શરૂ કરી હતી. સૂત્રધાર ડેકોરા ગ્રૂપના માલિક ચિરાગની પૂછપરછ કરતાં તેણે પાર્ટી માટે અગાઉ રાજસ્થાનથી 9 બોટલ દારૂની મંગાવી હોવાનું કબૂલ્યું હતું. તેમજ અન્ય બે બોટલો તેના પિતરાઈ ભાઈ ગૌરવ હરીભાઈ પટેલ લઈને આવ્યાનું જણાવતા પોલીસે ગૌરવ પટેલની પણ પૂછપરછ હાથ ધરી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
સરાઝા દારૂ પાર્ટીની તપાસ માલવીયાનગર PI કૈલાને સોંપાઈ
રાજકોટના કાલાવાડ રોડ પર શનિવારે હોટલ સરાઝામાં ચાલતી દારૂની પાર્ટીમાં પોલીસે દરોડો પાડી દારૂ પીધેલા 38 લોકોની ધરપકડ કરી હતી આ બનાવમાં તાલુકા પોલીસ મથકના પીઆઈ મેઘાણીએ દારૂડીયાને બદલે મિડીયાના કેમેરામેનનો કોલર પકડી લેતા પોલીસ અને મિડીયા વચ્ચે સામાન્ય ઘર્ષણ થતા ડીસીપી રાકેશ દેસાઈએ તાલુકા પોલીસની હદમાં આવતી હોટલ સરાઝાની દારૂ પાર્ટીની તપાસ માલવીયાનગર પોલીસ મથક ના પીઆઈ કૈલાને સોંપી દીધી છે.



