ગાંધીનગરમાં કૉંગ્રેસનાં કાર્યકરો બેરિકેટિંગ તોડી, પોલીસ ભવનમાં ઘૂસ્યા
પોલીસ સાથે ઝપાઝપી, ગાંધીનગરમાં અમિત ચાવડા-મેવાણીની આગેવાનીમાં હલ્લાબોલ
- Advertisement -
ગુજરાતમાં પોલીસ દમન, તાનાશાહી અને કથિત ખોટા પોલીસ કેસોના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આજે ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. ગુજરાત પોલીસ ભવનમાં ઉષ્ઠને આવેદનપત્ર આપવાનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે અમિત ચાવડા-મેવાણીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા. પોલીસ ભવન પહોંચે એ પહેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. તેમજ બેરિકેટિંગ તોડી, પોલીસ ભવનમાં ઘૂસ્યા હતા. તો આ તરફ અમિત ચાવડા સહિતના આગેવાનો પણ બેરિકેડિંગને ધક્કા મારતા જોવા મળ્યા હતા. એ સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે, ‘હાય રે IG, હાય રે મોદી, હાય રે અમિત શાહ, હાય રે સંઘવી, હાય રે ભાજપ હાય હાય’. જ્યારે પોલીસ ભવનના ગેટની બહાર પણ મોટી સંખ્યામાં કાર્યકરોએ બેરિકેડિંગ હટાવીને પહોંચી ગયા હતા જ્યાં પણ કાર્યકરોએ ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા. જો કે છેવટે અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના કેટલાક આગેવાનોને DGPને આવેદનપત્ર આપવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો.




