ડૉ. દેવજીસાંખટ(એડવોકેટ) : ઓર્ડર-ઓર્ડર
આજના આધુનિક યુગમાં અને દૈનિક નાણાકીય વ્યવહારોમાં ચેકએ ચુકવણીનું એક મહત્વપૂર્ણ અને વિશ્વસનીય સાધન છે. વેપાર, ધંધા, લોનની ભરપાઈ, મકાનનું ભાડું કે અંગત લેવડ-દેવડમાં ચેકનો વ્યાપક ઉપયોગ થાય છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા આપેલો ચેક બેંકમાંથી વટાવ્યા વગર પાછો ફરે (બાઉન્સ થાય), ત્યારે નાણાકીય નુકસાનની સાથે વિશ્વાસઘાતની સ્થિતિ પણ ઊભી થાય છે.ભારતમાં ચેક બાઉન્સના કેસ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, ૧૮૮૧ની કલમ ૧૩૮ હેઠળ ચેક અનાદર થવો એ માત્ર દીવાની વિવાદ નથી, પરંતુ એક ફોજદારી ગુનો ગણાય છે.
- Advertisement -
ચેક બાઉન્સ એટલે શું?
ચેક બાઉન્સ થવું એટલે જ્યારે બેંકમાં જમા કરાવવામાં આવેલો ચેક અમુક કારણોસર પાસ થવાને બદલે અસ્વીકૃત થઈને પાછો આવે. જ્યારે ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય, સહી ન મળતી હોય અથવા ખાતું બંધ થઈ ગયું હોય, ત્યારે બેંક ચેક પાછો મોકલે છે. કાનૂની ભાષામાં તેને ‘ચેકનું ડિસઓનર’ કહેવાય છે. જો ચેક કોઈ કાયદેસરની બાકી રકમ ચૂકવવા માટે આપવામાં આવ્યો હોય અને બાઉન્સ થાય, તો જ તે કલમ 138 હેઠળ ગુનો બને છે.
કલમ ૧૩૮ હેઠળના જરૂરી તત્વો
ચેક બાઉન્સનો કેસ દાખલ કરવા માટે ચોક્કસ શરતો પૂરી થવી જરૂરી છે. પ્રથમ, ચેક કોઈ કાયદેસરના દેવાની ચૂકવણી માટે આપેલો હોવો જોઈએ. બીજું, ચેકની માન્યતા અવધિ (સામાન્ય રીતે 3 મહિના) દરમિયાન તે બેંકમાં રજૂ થયેલો હોવો જોઈએ. ત્રીજું, બેંકમાંથી ચેક રિટર્ન મેમો મળવો જરૂરી છે. જો આ તત્વો પૂર્ણ ન થાય, તો કલમ ૧૩૮ હેઠળ કેસ ચલાવી શકાતો નથી.
કોર્ટ કેસની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
(૧) લીગલ નોટિસ :ચેક બાઉન્સ રિટર્ન મેમો મળ્યાના ૩૦ દિવસમાં વકીલ દ્વારા સ્પીડ પોસ્ટથી લીગલ નોટિસ મોકલી, ચેકની વિગતો અને કારણ દર્શાવી ૧૫ દિવસમાં નાણાં ચુકવવાની સ્પષ્ટ માંગણી કરવી ફરજિયાત છે.
- Advertisement -
(૨) કોર્ટમાં કેસ દાખલ કરવો : આરોપીને નોટિસ મળ્યા પછી ૧૫ દિવસમાં નાણાં ન ચૂકવાય તો ૧૬મા દિવસથી કાનૂની કાર્યવાહીનું કારણ બને છે, ત્યારબાદ ૩૦ દિવસમાં તમામ પુરાવા સાથે કોર્ટમાં ફરિયાદ નોંધાવવી જરૂરી છે.
(૩) આરોપીને સમન્સ કે વોરંટ : ફરિયાદ મળતા કોર્ટ ફરિયાદીના નિવેદન અને પુરાવા આધારે સમન્સ મોકલે છે. આરોપી ગેરહાજર રહે તો હાજરી સુનિશ્ચિત કરવા કોર્ટ જામીનપાત્ર કે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરી શકે છે.
(૪) આરોપીની હાજરી અને જામીન : સમન્સ કે વોરંટ બાદ આરોપી કોર્ટ સમક્ષ હાજર થઇને ગુનાની કબુલાત કરે અથવા ટ્રાયલ ચલાવવા માંગણી કરે છે. આ તબ્બકે આરોપી તરફે નામદાર કોર્ટ સમક્ષ જામીન રજુ કરવામાં આવે છે.
(૫) વચગાળાનું વળતર :૨૦૧૮ના સુધારા મુજબ કલમ ૧૪૩એહેઠળ, આરોપી નિર્દોષતાનો દાવો કરે તો કોર્ટ તેને કેસ દરમિયાન ચેકની રકમના ૨૦% સુધી વચગાળાનું વળતર ૬૦ દિવસમાં ફરિયાદીને ચૂકવવાનો આદેશ આપી શકે.
(૬) ફરિયાદીના પુરાવા અને ઉલટ તપાસ :ફરિયાદી દ્વારા પોતાનાં કેસના સમર્થનમાં પુરાવાનું સોગંદનામું કોર્ટ સમક્ષ રજુ કરે છે જેમાં આરોપીનાં એડવોકેટ દ્વારા કેસની હકીકત સબબ ફરિયાદીની ઉલટ-તપાસ લેવામાં આવે છે.
(૫) આરોપીનાં પુરાવા અને ઉલટ તપાસ : આરોપી દ્વારા પોતાનાં બચાવનાં સમર્થનમાં પુરાવાનું સોગંદનામું કોર્ટ સમક્ષ રજુ કરે છે જેમાં ફરિયાદીનાં એડવોકેટ દ્વારા કેસની હકીકત સબબ આરોપીની ઉલટ-તપાસ લેવામાં આવે છે.
(૬) અંતિમ નિવેદન અને દલીલ :પુરાવાને આધારે આરોપીનું નિવેદન કોર્ટ દ્વારા લેવામાં આવે છે જેમાં તે પોતાનો ગુનો કબુલ કરી શકે, ત્યારબાદ બન્ને પક્ષનાં એડવોકેટ નામદાર કોર્ટ સમક્ષ કેસનાં સંદર્ભમાં આખરી દલીલ રજુ કરે છે.
(૭) ચુકાદો અને સજા : દલીલ પૂર્ણ થયા બાદ નામદાર કોર્ટ નિર્દોષ કે ગુનેગાર થયા અંગેનો ચુકાદો આપે છે. જો ગુનો સાબિત થાય તો સજા સબબ બંને પક્ષોને સંભાળવામાં આવે છે અને ત્યારબાદ અંતિમ સજાનો કોર્ટ હુકમ કરે છે.
(૮) ચુકાદા સામે અપીલ :નિચલી કોર્ટના આદેશ સામે ૩૦થી૬૦ દિવસમાં સેશન્સ અથવા હાઈકોર્ટમાં અપીલ થઈ શકે છે. અપીલ સ્વીકારવા આરોપીએ વળતરની ઓછામાં ઓછી ૨૦% રકમ જમા કરાવવી ફરજિયાત છે.
ચેક બાઉન્સ કેસમાં આરોપીનો બચાવ
ચેક બાઉન્સ કેસમાં આરોપી કાયદેસરની બાકી જવાબદારીનો અસ્વીકાર, સિક્યુરિટી ચેક, ખોટી સહી કે ગેરકાયદે ફેરફાર જેવા મજબૂત આધાર પર બચાવ લઈ શકે છે. ઉપરાંત, ૩૦ દિવસ પછીની કે ખોટા સરનામે મોકલેલી લીગલ નોટિસ જેવી ટેકનિકલ ખામીઓ અને ચેક ચોરાઈ જવા સામે સમયસર કરાવેલી FIR કે stop payment ની સૂચના પણ ઉપયોગી બને છે. રકમ અગાઉ ચૂકવાઈ ગઈ હોય કે ફરિયાદી પાસે નાણાં ધીરધારનું લાયસન્સ ન હોય તો આરોપી નિર્દોષ છૂટી શકે છે.
સમાધાનની શક્યતાઓ
ચેક બાઉન્સનો ગુનો કમ્પાઉન્ડેબલ છે, એટલે કે બંને પક્ષો વચ્ચે પરસ્પર સંમતિથી સમાધાન થઈ શકે છે. કેસના કોઈ પણ તબક્કે – ટ્રાયલ દરમિયાન કે અપીલ સમયે – જો આરોપી ફરિયાદીને રકમ ચૂકવવા તૈયાર થાય, તો લોક અદાલત કે મધ્યસ્થતા દ્વારા કેસ પૂર્ણ કરી શકાય છે અને આરોપી સજામાંથી બચી શકે છે.
ચેક બાઉન્સ કાયદો નાણાકીય શિસ્ત અને વિશ્વાસ જાળવે છે. ચેકની આપ-લે સમયે તારીખ, રકમ અને સહીની ચોકસાઈ રાખવી જરૂરી છે. ચેક અનાદર થાય ત્યારે સમયમર્યાદા ચૂક્યા વિના કાનૂની નોટિસ મોકલી કોર્ટ કાર્યવાહી કરવી જોઈએ. જો ખોટી કાર્યવાહી થાય, તો યોગ્ય પુરાવા દ્વારા કલમ ૧૩૯ ની ધારણાઓનું ખંડન કરી શકાય છે. કાયદાકીય જાગરૂકતા અને સમયસરની યોગ્ય પ્રક્રિયા જ નાગરિકોના કાનૂની અધિકારોનું સંપૂર્ણ રક્ષણ કરે છે.
કોર્ટ કેસમાં ફ્રી કાનૂની માર્ગદર્શન માટે 9662633144 નંબર પર વોટ્સએપ કરી સંપર્ક કરી શકો છો, સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગ તરીકે આપને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે.




