‘ડિજિટલ નશો’ : સ્ક્રોલ કરો…સ્ક્રોલ કરો…અને સમય ખતમ!
એલ્ગોરિધમની જાળ : એક વ્યક્તિ અઠવાડિયે 14.9 કલાક વીડિયો જુએ છે
- Advertisement -
રીલ્સ-શોર્ટ્સનું સ્ક્રોલિંગ એ એકાગ્રતા, ઊંઘ અને સમય પર કબજો કરી રહ્યા છે
પ્લેટફોર્મ માટે યુઝરનો સમય માત્ર સમય નથી, પરંતુ કારોબારી સંપત્તિ છે. યુઝર જેટલો વધુ સમય સ્ક્રીન પર રોકાય, તેટલી વધુ જાહેરાતો, વધુ ડેટા અને વધુ કમાણીની સંભાવના ઊભી થાય છે.
ભારતમાં ઓનલાઈન વીડિયો જોવાનો ક્રેઝ હવે માત્ર મનોરંજન પૂરતો સીમિત રહ્યો નથી. રીલ્સ, શોર્ટ્સ, ઓટીટી અને અન્ય ડિજિટલ વીડિયો પ્લેટફોર્મ પર સતત વધતા વપરાશને કારણે ભારતીયો દરરોજ આશરે 141 કરોડ કલાક ઓનલાઈન વીડિયો જોવામાં પસાર કરી રહ્યા છે. એક વીડિયો પૂરો થાય તે પહેલાં જ બીજો વીડિયો સ્ક્રીન પર આવી જાય છે અને ‘માત્ર થોડી સેકન્ડ’ના આ સ્ક્રોલિંગનો સમય ભેગો થઈને કરોડો કલાક સુધી પહોંચી જાય છે. ઓરમેક્સના આંકડા મુજબ ભારતમાં ઓનલાઈન વીડિયો જોનારાઓની સંખ્યા 66.49 કરોડ થઈ ગઈ છે, જે દેશની વસ્તીના આશરે 45 ટકા જેટલી છે. ભારતીય ઓનલાઈન વીડિયો ઓડિયન્સ સરેરાશ અઠવાડિયે 14.9 કલાક વીડિયો જુએ છે. આ પ્રમાણે વાર્ષિક આશરે 517 અબજ કલાક અને દરરોજ આશરે 141 કરોડ કલાક વીડિયો કન્ટેન્ટ જોવામાં આવે છે. આ આંકડામાં રીલ્સ ઉપરાંત ઓટીટી અને અન્ય ઓનલાઈન વીડિયો પણ સામેલ છે.
- Advertisement -
ડિજિટલ પ્લેટફોર્મ માટે યુઝરનો સમય અને ધ્યાન હવે સૌથી મોટી મૂડી બની રહ્યા છે. એલ્ગોરિધમ યુઝરની પસંદગી, અગાઉ જોયેલા વીડિયો અને તેની સ્ક્રોલિંગની ટેવને આધારે આગળનું કન્ટેન્ટ સતત રજૂ કરે છે. પરિણામે યુઝર જેટલો વધુ સમય પ્લેટફોર્મ પર રહે છે, તેટલી વધુ જાહેરાતો બતાવવાની અને કમાણી કરવાની તક કંપનીઓને મળે છે. વિશ્વમાં સોશિયલ મીડિયા જાહેરાત બજાર 2025માં વધીને 117.7 અબજ ડોલર થયું હતું, જેમાં એક વર્ષમાં 32.6 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. ડિજિટલ વીડિયો જાહેરાત બજાર પણ 25.4 ટકા વધીને 78 અબજ ડોલર સુધી પહોંચ્યું હતું. મેટાએ 2025માં 196.2 અબજ ડોલરની જાહેરાત આવક નોંધાવી હતી. આ આંકડા દર્શાવે છે કે દર્શકનું ધ્યાન ડિજિટલ અર્થતંત્રમાં કેટલું મોટું વ્યાવસાયિક મૂલ્ય ધરાવે છે.
સ્ક્રીન ટાઈમની તસવીર
66.49 કરોડ : ભારતમાં ઓનલાઈન વીડિયો જોનારા લોકો
20.69 કરોડ : કનેક્ટેડ ટીવી ઓડિયન્સ
17.26 કરોડ : સક્રિય પેઇડ ઓટીટી સબ્સ્ક્રિપ્શન
03.52 કરોડ : ભારતમાં FAST ચેનલ જોનારા દર્શકો
10.78 કરોડ : ભારતમાં કે-ડ્રામા દર્શકો
14.09 કલાક : ભારતીય ઓડિયન્સનો સરેરાશ સાપ્તાહિક વીડિયો સમય
45 ટકા : વસ્તીમાં વીડિયો દર્શકોની ભાગીદારી
60 ટકા : એક વર્ષમાં કનેક્ટેડ ટીવી ઓડિયન્સમાં વૃદ્ધિ
ટીવી અને ઓટીટીની પહોંચ પણ ઝડપથી વધી
ભારતમાં કનેક્ટેડ ટીવી ઓડિયન્સમાં પણ એક જ વર્ષમાં 60 ટકાનો વધારો થયો છે અને તે વધીને 20.69 કરોડ થઈ છે. બીજી તરફ, પેઇડ ઓટીટી સબ્સ્ક્રિપ્શનની સંખ્યા 17.26 કરોડ સુધી પહોંચી ગઈ છે. એટલે કે ભારતીયોનો વીડિયો વપરાશ હવે મોબાઇલ સુધી સીમિત નથી રહ્યો; સ્માર્ટ ટીવી અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પણ તેનો મહત્વનો હિસ્સો બની ગયા છે.
શોર્ટ વીડિયોનું સતત સ્ક્રોલિંગ એ વ્યસન છે
શોર્ટ વીડિયોનું સતત સ્ક્રોલિંગ હવે મનોવિજ્ઞાન અને વર્તણૂક સાથે જોડાયેલા સંશોધનોનો પણ વિષય બન્યું છે. 2026ની એક સમીક્ષામાં 42 અભ્યાસ અને 46,912 યુવાનના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં શોર્ટ-વીડિયો વપરાશ અને ઓછું ધ્યાન, ઓછું આત્મ-નિયંત્રણ તથા વ્યસન જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આનો અર્થ એવો નથી કે દરેક શોર્ટ વીડિયો દર્શકને વ્યસનની સમસ્યા થાય છે.
એકાગ્રતા, ઊંઘ અને દિનચર્યાને પણ અસર
સતત નાના વીડિયો જોવાની ટેવનો સૌથી મોટો પડકાર ધ્યાન ભટકાવવાનો છે. વારંવાર બદલાતું કન્ટેન્ટ મગજને સતત નવા ઉત્તેજન માટે ટેવ પાડી શકે છે અને લાંબા સમય સુધી એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની શકે છે. મોડી રાત સુધી રીલ્સ અને શોર્ટ્સ જોવાની ટેવથી ઊંઘ પણ બગડે છે. તેની અસર ભણતર, નોકરી-ધંધો, પરિવાર સાથેનો સમય અને દૈનિક જીવનશૈલી પર પડી શકે છે.
રોજના 141 કરોડ કલાકની સંભવિત કિંમત 7,984 કરોડ!
ભારતમાં દરરોજ ઓનલાઈન વીડિયોમાં પસાર થતા આશરે 141 કરોડ કલાકને જો 8 કલાકના કામકાજના દિવસમાં રૂપાંતરિત કરવામાં આવે તો તે આશરે 17.6 કરોડ કાર્યદિવસ જેટલો સમય થાય છે. જો 453ની દૈનિક કમાણીનો આધાર લેવામાં આવે તો આ સમયની સંભવિત આર્થિક કિંમત આશરે 7,984 કરોડ પ્રતિદિન અને આશરે 29.1 લાખ કરોડ પ્રતિ વર્ષ થાય છે.
‘એક રીલ વધુ’થી શરૂ થાય છે અનંત સ્ક્રોલિંગ
રીલ્સ અને શોર્ટ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં યુઝરને આગળ શું જોવું તે પસંદ કરવાની મહેનત ઓછી પડે છે. વીડિયો પૂરો થતાં જ એલ્ગોરિધમ બીજો વીડિયો રજૂ કરે છે. રસપ્રદ કન્ટેન્ટ મળતું રહે ત્યારે યુઝર ‘હજુ એક વીડિયો’ કહીને સ્ક્રોલ કરતો રહે છે. મનોરંજન માટે શરૂ થયેલું સ્ક્રોલિંગ ક્યારે લાંબા સમય સુધી ચાલતું રહે છે તેની જાણ પણ ઘણી વખત યુઝરને રહેતી નથી.




