RMCનાં બે મહત્વનાં નિર્ણય
રાજકોટ મનપા દ્વારા પુષ્કરધામ મેઈન રોડ ઉપર હોકર્સ ઝોનમાં સર્ટિફાઈડ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ અર્થે 6 મહિના માટે વિનામૂલ્યે થડા ફાળવવાનો નિર્ણય કરાયો છે, જેથી ખેડૂતોને આર્થિક ટેકો મળશે અને લોકોને શુદ્ધ આહાર ઉપલબ્ધ થશે. આ સાથે સ્વદેશી ઉદ્યોગોને વેગ આપવા મનપામાં હવેથી માત્ર ટાટા અને મહિન્દ્રા જેવી સ્વદેશી કંપનીઓના જ વાહનો ખરીદવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેની શરૂઆત રૂ.60,40,600ના ખર્ચે બે હરતી-ફરતી લાઈબ્રેરી માટે વાહનોની ખરીદી સાથે કરાશે.
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન અને તેના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશના ભાગરૂપે રાજકોટ મનપા દ્વારા એક વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં વોર્ડ નં. 10નાં પુષ્કરધામ મેઈન રોડ પર હોકર્સ ઝોન પાસે હયાત ફૂડ કોર્ટના ડોમમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ અર્થે સર્ટિફાઈડ ખેડૂતો માટે જગ્યા નિયત કરવામાં આવી છે. જોકે ખેડૂતોએ સ્વચ્છતા જાળવવી, ડસ્ટબિન રાખવું અને પોતાના ઓળખપત્ર રજૂ કરવા જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે. નાયબ ખેતી નિયામક (તાલીમ) અને ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટની રજૂઆતને ધ્યાને રાખીને, દર બુધવારે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરવા ઈચ્છુક 7 ખેડૂતોને પ્રાયોગિક ધોરણે 6 મહિના માટે વિનામૂલ્યે થડા ફાળવવાનો નિર્ણય લેવાયો છે. આ સ્થળે કુલ 10 થડા બનાવાયા છે, જ્યાં મહત્તમ 10 ખેડૂતોને સ્થાન આપી શકાશે. 6 મહિના બાદ આ અંગે રિવ્યુ કરીને હોકર્સ ઝોનની નીતિ મુજબ આગળની ફાળવણી કરાશે. મનપાનાં આ પગલાં દ્વારા ખેડૂતોને પોતાના ઉત્પાદનો વેચવા માટે જગ્યા મળશે, તેમજ લોકોને પ્રાકૃતિક ઉત્પાદનો ઓછા ભાવમાં મળી રહેશે.
બીજા મહત્વના નિર્ણયમાં, રાજકોટ મનપા દ્વારા હવેથી માત્ર સ્વદેશી કંપનીના વાહનો ખરીદવાનો નિર્ધાર કરાયો છે. અત્યાર સુધી મનપાના વિવિધ વિભાગો અને અધિકારીઓ માટે મોંઘા ભાવના વિદેશી કે બિન-સ્થાનિક વાહનો ખરીદવાની પરંપરા રહી છે. પરંતુ હવેથી આ નીતિમાં ફેરફાર કરીને ભારતીય બનાવટની ટાટા અને મહિન્દ્રા જેવી સ્વદેશી કંપનીઓના વાહનોને જ પ્રાધાન્ય અપાશે. આ નિર્ણયનો પ્રારંભ શહેરની બે હરતી-ફરતી (મોબાઈલ) લાઈબ્રેરી માટે રૂ.60,40,600ના ખર્ચે ખરીદવામાં આવનારા બે નવા વાહનોથી કરાશે. આ પગલાંથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને મનપાના ખર્ચમાં પણ ઘટાડો થશે.




