25 વર્ષનો સૌથી ભયાનક કડાકો, 8 અઠવાડિયાની મંદીમાં શેરબજારમાં 26 લાખ કરોડનું ધોવાણ
4 દિવસમાં વિદેશી રોકાણકારોએ 35000 કરોડ પાછા ખેંચ્યા!
- Advertisement -
આજે બીજી ઓક્ટોબર હોવાથી ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ બંધ છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી છે તેનાથી રોકાણકારો ભયભીત દેખાઈ રહ્યા છે. ભારતીય શેરબજારમાં અવિરત ધોવાણનો દૌર થમવાનું નામ લઈ રહ્યો નથી. સેન્સેક્સ અને નિફ્ટી બંને સતત ૮મા અઠવાડિયે કડાકા સાથે બંધ રહ્યા, જે છેલ્લા ૨૫ વર્ષમાં શેરબજારમાં જોવા મળેલો મંદીનો સૌથી લાંબો ગાળો છે. આ ઐતિહાસિક મંદીના વાવાઝોડામાં રોકાણકારોના આશરે ૨૬ લાખ કરોડ હોમાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન કડાકાનો સમયગાળો વર્ષ ૨૦૨૦ના કોવિડ ક્રેશ અને ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક મંદી કરતાં પણ વધુ લાંબો સાબિત થયો છે. ૧ ઓક્ટોબરે સેન્સેક્સ ૫૭૦ પોઈન્ટ ગબડીને ૭૧,૯૦૯ અને નિફ્ટી ૧૯૮ પોઈન્ટ ઘટીને ૨૨૪૨૧ની નીચલી સપાટીએ બંધ રહ્યા હતા. ૧ ઓક્ટોબરના રોજ FII એ ભારતીય શેરબજારમાંથી ૯૪૮૪ કરોડના શેર વેચી માર્યા હતા. આ સાથે જ છેલ્લા માત્ર ૪ કારોબારી સત્રોમાં જ વિદેશી ફંડોએ ૩૪૯૬૫ કરોડ પાછા ખેંચી લીધા છે. સપ્ટેમ્બર મહિનામાં FPI ની કુલ ઈક્વિટી વેચવાલી ૪૬૦૦૦ કરોડ રહી હતી.
શેરબજારનાં છેલ્લાં 8 સપ્તાહના આંકડા
સેન્સેક્સ અને નિફ્ટી: ૮ અઠવાડિયામાં નિફ્ટી ૮.૭ ટકા (૨૧૪૯ પોઈન્ટ) અને સેન્સેક્સ ૮.૪ ટકા (૬૫૯૦ પોઈન્ટ) તૂટ્યો છે.
રોકાણકારોનું નુકસાનઃ BSE લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ) ૨૬ લાખ કરોડથી વધુ ઘટીને ૪૬૭ લાખ કરોડની નીચે સરકી ગઈ છે.




