10 વર્ષથી રજૂઆતો છતાં ઉકેલ નહીં; GPCBએ 5 વખત સેમ્પલ લીધા પણ રિપોર્ટ જાહેર ન કરાયો
આમ આદમી પાર્ટીનું સમર્થનઃ એક સપ્તાહમાં ઉકેલ નહીં આવે તો ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી
- Advertisement -
મેટોડા જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોમાંથી બેરોકટોક અને ગેરકાયદેસર રીતે છોડવામાં આવતા કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ગંભીર જળ સંકટ સર્જાયું છે.
કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતરવાથી સ્થાનિક બોરવેલ તેમજ નજીક આવેલા સુવાંગ ડેમનું પાણી ભયજનક હદે પ્રદૂષિત થઈ ચૂક્યું છે. પાણીમાં મોટા પાયે ફીણ અને ઝેરી રસાયણો ભળેલા દેખાતાં ખેતીની ફળદ્રુપ જમીન બંજર બનવાની અને ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. આ સમસ્યાના વિરોધમાં રાતેયા ગામના લોકો હવે પ્રતીક ઉપવાસ આંદોલન પર ઉતરી આવ્યા છે. ગ્રામજનો અને સરપંચના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૦ વર્ષથી તંત્ર સમક્ષ સતત રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા અત્યાર સુધીમાં ૫ કરતા વધુ વખત પાણીના સેમ્પલ લેવાયા હોવા છતાં તેનો રિપોર્ટ હજુ સુધી રહસ્યમય રીતે જાહેર કરવામાં આવ્યો નથી. બોર અને નદીનું પાણી પીવાલાયક ન રહેતા ગ્રામજનોમાં ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું હોવાનો સરપંચે ગંભીર આક્ષેપ કર્યો છે.
આ સમસ્યા માત્ર રાતેયા પૂરતી સીમિત ન રહેતાં આસપાસના અનેક ગામોને પણ અસર કરી રહી છે. દરમિયાન, ખેડૂતો અને ગ્રામજનોના આંદોલનને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સત્તાવાર સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. પક્ષના આગેવાનોએ ઉપવાસ છાવણીની મુલાકાત લઈ ખેડૂતોની લડતમાં ખભેખભા મિલાવવાની ખાતરી આપી છે. ગ્રામજનોએ વહીવટી તંત્રને સમસ્યાના કાયમી ઉકેલ માટે એક અઠવાડિયાનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. જો નિયત સમયમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક પગલાં નહીં ભરાય, તો ગાંધીનગર સુધી પહોંચીને ઉગ્ર આંદોલન છેડવાની સરપંચ અને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.




