જ્ઞાનેશકુમારનું મુખોટું પહેરાવ્યુ, હાથમાં હથકડી બાંધી બાદ તેને કલેકટર કચેરીએ લઈ જવાયો
ભારત દેશમાં SIR ની પ્રક્રિયાના નામે 13 કરોડ નામો કપાયાનો મામલો ગરમાયો
- Advertisement -
જ્ઞાનેશ કુમારનું રાજીનામું અને જે SIR પ્રક્રિયા થઈ હતી એ ફરીથી ચકાસવામાં આવે : કોંગ્રેસની માગ
સરદાર પટેલની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી પગપાળા પહોંચી કલેક્ટરને આવેદન પત્ર અપાયુ
ભારત દેશમાં SIR ની પ્રક્રિયાના નામે 13 કરોડ નામો કપાયાના મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ઠેર ઠેર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા દેશભરમાં આજે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં શહર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના યુવા કાર્યકરને જ્ઞાનેશકુમારનું મુખોટું પહેરાવવામાં આવ્યું હતું અને હથકડી બાંધવામાં આવી હતી. જે બાદ તેને પકડીને કલેકટર કચેરીએ લઈ જવામાં આવ્યો હતો.
- Advertisement -
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશની અંદર જે SIRની કામગીરી ચૂંટણી કમિશનર દ્વારા કરવામાં આવી. જેમાં ભારત દેશમાં 13 કરોડ નામ દૂર કરવામાં આવ્યા અને ભૂતિયા નામ ચડાવવામાં આવ્યા. જ્યારે આ SIRની કામગીરી થતી હતી ત્યારે કોંગ્રેસે આનો પણ વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ વિરોધ કર્યો હતો પરંતુ ત્યારે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી સરકારે કોંગ્રેસની વાતને નકારી કાઢી હતી.
જોકે જ્ઞાનેશ કુમારની સાથેના બે ચૂંટણી કમિશનરે સ્વીકાર્યું કે અમે 14 વખત જ્ઞાનેશ કુમારને લેખિત ફરિયાદ કરી કે, અમને વિશ્વાસમાં લીધા વિના આ 13 કરોડ નામ કાઢવાનું કામ ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ કરેલું છે. આ વાત જ્યારે બહાર આવી ત્યારે લોકશાહી અને બંધારણમાં જે મુખ્ય મતાધિકાર સમગ્ર ભારત દેશમાં વસતા નાગરિકોને આપેલો છે એ મતાધિકાર ઉપર તરાપ મારવાનું કામ થયું હોવાનું સામે આવ્યું. જેના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે.
કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેવામાં આવે અને જે SIR પ્રક્રિયા થઈ હતી એ ફરીથી ચકાસવામાં આવે. આજે સરદાર પટેલની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી પગપાળા પહોંચી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. દેશમાં લોકશાહી અને બંધારણની અંદર મૂળભૂત અધિકારમાં મતાધિકારનો સમાવેશ થાય છે ત્યારે આપના માધ્યમથી કહું છું કે સમગ્ર દેશની જનતા અને ગુજરાતની જનતા પણ જાગે. ભાજપ સરકારે વોટ ચોરી કરી છે જે એને નહીં કરવા દઈએ. આગામી દિવસોમાં પણ ઉગ્ર આંદોલન આ બાબતે છેડાશે.




