ટેકાના ભાવે ખરીદી માટે ૨૩ સપ્ટેમ્બરથી શરૂ થયેલી નોંધણી 9 ઓક્ટોબર સુધી ચાલશેઃ મગફળી માટે 52 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી
જમીન દફતર કર્મચારીઓની હડતાળ સામે કલેક્ટરનું કડક વલણ: કામ પર નહીં ફરે તો ગેરહાજરી નોંધી પગલાં લેવાશે
- Advertisement -
રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લામાં વરસાદ અને જળાશયોની સ્થિતિ અંગે માહિતી આપતાં કલેક્ટરે જણાવ્યું કે, છેલ્લા ૩૦ વર્ષના વાર્ષિક સરેરાશ ૭૪૧ મીમી સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૬૨% વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં ૯૦% અને સૌથી ઓછો ઉપલેટા તાલુકામાં ૩૦% વરસાદ નોંધાયો છે. જિલ્લાના ડેમોમાં સરેરાશ ૪૪% જળસંગ્રહ ઉપલબ્ધ છે. ઓછા વરસાદ અંગે ખેડૂતો તરફથી ઘાસચારાની રજૂઆત આવી નથી, જ્યારે ગૌશાળાઓને ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય’ દર ત્રણ મહિને નિયમિત અપાય છે અને બાકી રહેલી સહાય ટૂંક સમયમાં રિલીઝ કરાશે. જ્યારે ટેકાના ભાવે ખરીદી માટે ૨૩ સપ્ટેમ્બરથી શરૂ થયેલી નોંધણી ૯ ઓક્ટોબર સુધી ચાલશે. જિલ્લામાં અત્યાર સુધીમાં મગફળી માટે ૫૨,૮૧૪, સોયાબીન માટે ૩,૬૩૩, અડદ માટે ૪૩ અને મગ માટે ૧૬ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ફાર્મર રજિસ્ટ્રીની મંજૂરીમાં તલાટીઓ દ્વારા બહિષ્કારની વાત નકારતાં કલેક્ટરે જણાવ્યું કે, અગાઉ તલાટીઓની હડતાળ અને કાર્યવિભાજનના લીધે થોડો વિલંબ થયો હતો, પરંતુ હાલ દૈનિક મોનિટરિંગ કરીને તાલુકા કક્ષાએ અરજીઓ તાકીદે મંજૂર કરવા સૂચના અપાઈ છે જેથી ખેડૂતોને તકલીફ ન પડે.
પડધરી તાલુકા પંચાયતની ખાલી પડેલી થોરીયાળી બેઠક માટે ૨૧ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ઉમેદવારી પત્રો ભરાશે. ૧૧ ઓક્ટોબરે મતદાન અને ૧૩ ઓક્ટોબરે મતગણતરી થશે. આ બેઠક પર કુલ ૪,૧૫૯ મતદારો નોંધાયેલા છે અને ૪ પૈકી ખોડાપીપરના ૨ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. જનકલ્યાણકારી સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ૨૯ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ‘સેવા સેતુ ૨.૧’ કેમ્પ યોજાશે. આ વખતે ગત વર્ષ કરતાં ત્રણ ગણા વધારા સાથે કુલ ૧,૮૨,૬૨૬ લાભાર્થીઓએ અગાઉથી અરજીઓ નોંધાવી છે. ગ્રામ્ય વિસ્તારમાં ૬૦ ક્લસ્ટર (૧,૬૭,૩૩૧ લાભાર્થીઓ) અને નગરપાલિકા વિસ્તારમાં ૧૧ ક્લસ્ટર (૧૫,૨૯૫ લાભાર્થીઓ) તૈયાર કરાયા છે. આધાર, રેશનકાર્ડ, ઈ-કેવાયસી, આયુષ્માન કાર્ડ, રેવન્યુ અને સામાજિક સુરક્ષા સહિતની ૫૫ સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ વખતે વિશેષરૂપે પીજીવીસીએલની ‘પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના’ (રૂફટોપ સોલર) નો પણ સમાવેશ કરાયો છે.
- Advertisement -
જમીન માપણી વિભાગના કર્મચારીઓની હડતાળ મુદ્દે વહીવટી તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું કે, સરકાર સાથે વાટાઘાટો અને નિર્દેશો છતાં હડતાળ ચાલુ રાખવી વ્યાજબી નથી. જમીન માપણી એ સંપૂર્ણ ટેકનિકલ પ્રક્રિયા હોવાથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા શક્ય નથી. નાયબ નિયામક (જમીન દફતર) ને હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની ગેરહાજરી નોંધીને શિસ્તભંગના કડક પગલાં લેવા આદેશ કરી દેવાયા છે. કર્મચારીઓ ઝડપથી કામ પર પાછા ફરે તેવી તાકીદ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભનો પ્રારંભ: ૨.૬૪ લાખથી વધુ ખેલાડીઓ નોંધાયા
રાજકોટ જિલ્લામાંથી કુલ ૨,૬૪,૧૬૯ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયું છે ગ્રામ્ય કક્ષામાં ૧.૫૫ લાખ, શહેર કક્ષાએ ૧.૦૮ લાખ ખેલાડીઓ સામેલ છે. જેમાં ૬૧ હજારથી વધુ પુરુષ અને ૪૬ હજારથી વધુ મહિલા ખેલાડીઓ ભાગ લેશે. શાળા-ગ્રામ્ય કક્ષાની રમતો ૨૩ થી ૨૫ સપ્ટેમ્બર, તાલુકા કક્ષા ૨૬ થી ૩૦ સપ્ટેમ્બર, જિલ્લા/મહાનગર કક્ષા ૩૦ સપ્ટેમ્બર થી ૨૧ ઓક્ટોબર, ઝોનલ કક્ષા ૨૯ નવેમ્બર થી ૧૧ ડિસેમ્બર અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ ૧૩ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી દરમિયાન યોજાશે.
રા.લો. સંઘની ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર થશે
રાજકોટ જિલ્લા સહકારી સંઘની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ગત ૧૬ સપ્ટેમ્બરે કોરમ ન થવાના કારણે મુલતવી રખાઈ હતી, જેની નવી તારીખ હવે જાહેર થશે. જ્યારે ‘રા.લો. સંઘ’ના તમામ ડિરેક્ટર્સની ચૂંટણી ૮ સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની દરખાસ્ત બાદ અધ્યક્ષી અધિકારીની નિમણૂક કરી ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.




