ખાદ્યતેલ માફિયાઓએ એક વર્ષમાં 20% ભાવવધારો કરી દીધો પછી સરકાર જાગી…
શિંગતેલ, સનફલાવર અને પામ ઓઈલ સસ્તાં થશે
- Advertisement -
તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલ સહિતના મુખ્ય ખાદ્ય તેલો પરની આયાત ડયુટીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા ૧ વર્ષમાં ભારતમાં વનસ્પતિ તેલના ભાવોમાં લગભગ ૨૦ ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન આવનારા મુખ્ય ધાર્મિક તહેવારો અને ઉત્સવોમાં મીઠાઈ, ફરાળ અને તળેલી વસ્તુઓની માંગ વધતી હોય છે, ત્યારે આ ડયુટી કટથી બજારમાં તેલના ભાવ નીચા આવશે અને ગ્રાહકોને મોટી રાહત મળશે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ક્રૂડ પામ ઓઈલ અને સોયા ઓઈલ પરની બેઝિક આયાત ડયુટી ૧૦ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રિફાઈન્ડ પામ ઓઈલ અને રિફાઈન્ડ સોયા ઓઈલ પરની ડયુટી ૩૨.૫ ટકાથી ઘટાડીને ૨૭.૫ ટકા કરવામાં આવી છે. ક્રૂડ સનફ્લાવર ઓઈલ પરની આયાત ડયુટી ૧૦ ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે. જ્યારે રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની ડયુટી ૩૨.૫ ટકાથી ઘટાડીને ૨૨.૫ ટકા કરવામાં આવી છે. બેઝિક કસ્ટમ ડયુટી ઉપરાંત ખાદ્ય તેલની આયાત પર એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ અને સોશિયલ વેલફેર સરચાર્જ પણ લાગુ પડે છે. જેના કારણે હવે ક્રૂડ પામ અને સોયા ઓઈલ પર કુલ આયાત ડયુટી ૧૬.૫ ટકાથી ઘટીને ૧૧ ટકા થઈ ગઈ છે, જયારે ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર ડયુટી ૧૬.૫ ટકાથી ઘટીને ૫.૫ ટકા થઈ ગઈ છે.
વેપારીઓ અને ઉદ્યોગ જગતના જાણકારોના મતે ભારત તેની ખાદ્ય તેલની કુલ માંગના લગભગ બે-તૃતીયાંશ ભાગની જરૂરિયાતો આયાત દ્વારા સંતોષે છે. જેમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, આર્જેન્ટિના, રશિયા અને યુક્રેનથી મુખ્યત્વે પામ, સોયા અને સનફ્લાવર ઓઈલ મંગાવવામાં આવે છે. આ ડયુટી ઘટાડાથી સનફ્લાવર ઓઈલ સૌથી મોટો ફાયદાકારક સાબિત થશે કારણ કે તે રિફાઇનર્સ માટે વધુ આકર્ષક બનશે અને સોયા તથા પામ ઓઈલ પરનું દબાણ ઘટાડશે.




